: ૯૦ : આત્મધર્મ ચૈત્ર : ૨૪૭૪
જો પોતાના ઉપાદાનસ્વભાવને ઓળખીને તેમાં સ્થિર થઈ ગયો હોય તો તો નિમિત્તનું લક્ષ જ હોય નહિ. પણ
નીચલી દશામાં રાગ હોય છે ત્યાં નિમિત્તોનો વિવેક હોય છે. ઉપાદાનના આશ્રયે નિમિત્તની શ્રદ્ધા છોડવા જેવી છે,
પરંતુ ઉપાદાનની ઓળખાણ કરતાં તેને બતાવનારાં નિમિત્તોનું જ્ઞાન અને બહુમાન આવ્યા વગર રહેતું નથી. એકલા
ઉપાદાનની વાતો કરે અને દેવ–ગુરુ પ્રત્યેનું જે બહુમાન જોઈએ તે ન કરે તો જીવ સ્વચ્છંદી થાય, અને પોતાના શુદ્ધ
ચૈતન્ય સ્વભાવમાં ભાવથી ઠરીને નિમિત્તનું લક્ષ છોડી દે તો જીવ સિદ્ધત્વ પામે છે.
પહેલાંં તો પોતાના આત્માની દરકાર થવી જોઈએ કે, હું આત્મા કોણ છું? શું હું રાગ જેટલો જ છું? કે રાગથી
જુદું કાંઈ તત્ત્વ મારામાં છે? મેં મારા આત્મા માટે અનંતકાળમાં કાંઈ નથી કર્યું. અનંતકાળમાં શરીરાદિની મમતાને
ખાતર આત્માને જતો કર્યો છે, પણ આત્માને ખાતર કદી શરીરાદિને જતા કર્યાં નથી. આત્માને ભૂલીને બહારના
પદાર્થોનો મહિમા કર્યો તેના ફળમાં આ સંસાર દુઃખનો ભોગવટો રહ્યો છે. આમ સાચી ધગશ કરીને સદ્ગુરુઆજ્ઞાએ
પોતાના આત્માને સિદ્ધ જેવો જાણે–માને, અને આત્માને ખાતર શરીર વગેરે બધાયને શ્રદ્ધામાં જતાં કરે (અર્થાત્
આત્મા સિવાય બધાયની શ્રદ્ધા છોડી દે) તો અલ્પકાળમાં મુક્તિ થાય.
શ્રી જૈનદર્શન શિક્ષણવર્ગ
ઉનાળાની રજાઓ દરમિયાન
તા. ૪ – ૫ – ૪૮ ચૈત્ર વદ ૧ મંગળવારથી તા. ૨૮ – ૫ – ૪૮ વૈશાખ વદ પ શુક્રવાર સુધી જૈનદર્શના
અભ્યાસ માટે એક શિક્ષણવર્ગ ખોલવામાં આવશે. ૧૪ વર્ષથી ઉપરના જૈન ભાઈઓને વર્ગમાં દાખલ
કરવામાં આવશે. શિક્ષણ વર્ગમાં દાખલ થનારને માટે ભોજન તથા રહેવાની સગવડતા શ્રી જૈન
સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ તરફથી થશે. આ શિક્ષણવર્ગમાં દાખલ થવા ઈચ્છા હોય તેમણે નીચેના સરનામે
સૂચના મોકલી દેવી અને તા. ૩ – ૫ – ૪૮ ના રોજ હાજર થઈ જવું.
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર
સોનગઢ–કાઠિયાવાડ
(વર્ગમાં આવનારે પોતાનું બિછાનું સાથે લાવવું)
આત્મા જાણનાર સ્વભાવ જ છે, એની રુચિ કર, એનું બહુમાન કર, એની શ્રદ્ધા કર અને ‘વિકાર તે હું
તથા શરીર વગેરે મારાં’ એવી શ્રદ્ધા છોડ. એમ પોતાના આત્માને ઓળખ્યા પછી જે રાગ થાય તેને સ્વરૂપ–
સ્થિરતા વડે ક્રમે ક્રમે ટાળીને, બાકી જે એકલો શુદ્ધ સિદ્ધ જેવો આત્મા રહી ગયો તેનું નામ મુક્તિ છે. પોતાના
આત્માને સિદ્ધ પણે ઓળખ્યો તેનું ફળ સિદ્ધ દશા છે. એ ઓળખાણ કરવા માટે સદ્ગુરુનો સમાગમ વારંવાર
કરવો જોઈએ.
શ્રીમદ્ રાજચંદ્રજીએ આ એક ગાથામાં જ આત્માનું શુદ્ધ સ્વરૂપ, તેની પ્રાપ્તિનો ઉપાય તથા તેનાં
નિમિત્તો કેવાં હોય તે બતાવી દીધું છે. અને સાચી જિન પ્રતિમા કેવી હોય તે પણ તેમાં આવી જાય છે.
જ્યાં સુધી પોતાના સ્વભાવનો મહિમા ન આવે ત્યાં સુધી પરનો મહિમા ટળે નહી, અને પરને જતાં કરી
શકે નહિ. માથાનાં વાળને સરખા રાખવા વારંવાર ધ્યાન રાખે છે, માથાનાં વાળની મમતા ખાતર અજ્ઞાની જીવ
ચૈતન્યને જતો કરે છે. જેટલી દરકાર માથાના વાળનું રક્ષણ કરવાની છે તેટલી ચૈતન્યનું રક્ષણ કરવાની દરકાર
નથી. માથાના વાળની તો મસાણમાં રાખ થવાની છે. હોળીના લાકડાને કોતરણી કરીને બાળો કે એમ ને એમ
બાળો એમાં કાંઈ ફેર નથી. તેમ આ જડ શરીરની સંભાળ કરો કે ન કરો, તે નાશ થવાનું જ છે. માટે હે જીવ! તું
શરીરની દરકાર છોડીને ચૈતન્યની સંભાળ કર. શરીરથી ભિન્ન આત્માની ઓળખાણ કર, તેની શ્રદ્ધા કર, તેનું
માહાત્મ્ય કર.
પ્રશ્ન:–એવી શ્રદ્ધા તો વીતરાગ થાય ત્યારે થઈ શકે ને?
ઉત્તર:–આત્માનો સ્વભાવ તો રાગદ્વેષ રહિત છે જ એવી પહેલાંં શ્રદ્ધા કરે તો પર્યાયમાંથી રાગદ્વેષ ટળે.
પહેલાંં સર્વથા રાગદ્વેષ ટળી જાય નહિ પણ રાગ રહિત સ્વભાવ છે તેની શ્રદ્ધા કરવાથી ક્રમે ક્રમે રાગદ્વેષ ટળી
જાય છે. લૌકિક વિદ્યામાં નાપાસ ન થવાય તે માટે દરકાર રાખે છે અને બધી જાતની નિશાળમાં ભણે છે પણ
પોતાના આત્માની સમજણમાં ભૂલ ન પડે તે માટે દરકાર કરતો નથી અને ચૈતન્યની સમજણ માટે સત્
સમાગમ કરતો નથી, તેને ધર્મ ક્યાંથી થાય? જેણે ધર્મ કરવો હોય અને પોતાના આત્માની મુક્તિ કરવી હોય
તેણે સત્ સમાગમે પોતાના આત્માને સિદ્ધ સમાન સમજવો, તેનો મહિમા કરવો અને એ સિવાય બીજા બધાનો
મહિમા છોડવો.