ચૈત્ર : ૨૪૭૪ આત્મધર્મ : ૮૯ :
દેશનું કાંઈ કરું, પર જીવોનું કાંઈ કરું–એવી માન્યતાવાળા જીવોને મિથ્યાત્વરૂપી સર્પનું ઝેર ચડયું છે. તે ઝેર કઈ
રીતે ઊતરે? ‘સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય.’ બધા જીવો પરિપૂર્ણ પરમાત્મા છે; જે પોતાના
આત્માને તેવા સ્વરૂપે ઓળખે તેને મિથ્યાત્વરૂપી ઝેર ઊતરી જાય ને તે સિદ્ધ થાય. માટે પોતાના આત્માની
સમજણ એ જ એક ધર્મનો ઉપાય છે. પોતાના આત્માની સમજણ સિવાય જાત્રા, પૂજા, ભક્તિ, દયા, દાન વગેરે
શુભરાગથી ધર્મ થતો નથી.
ધર્મ કરવા માટે શું કરવું? તેનો ઉત્તર એ છે કે, આત્માને સિદ્ધ સમાન ઓળખવો. હું શરીરનું કાંઈ
કરનાર છું કે વિકાર જેટલો છું એમ ન માનવું પણ શરીર રહિત અને વિકારથી પણ રહિત શુદ્ધ પરમાત્મા છું–
એમ પોતાના આત્માને ઓળખીને, મિથ્યાશ્રદ્ધાની ઊલટી કરીને સવળી શ્રદ્ધા કરવી. પોતાના આત્માને સિદ્ધ
સમાન શ્રદ્ધામાં લીધો પછી તેનું જ માહાત્મ્ય કરીને ક્રમે ક્રમે સ્વરૂપમાં સ્થિર થાય ને રાગાદિનો ત્યાગ કરે. સાચી
સમજણ થયા પછી જે રાગાદિ રહે તેને પોતાના સ્વરૂપમાં માનતો નથી તેથી તે ટળવા ખાતર જ છે. સાચી
સમજણ થયા પછી, જે રાગ થાય તેને આદરણિય નથી માનતા પણ પોતાના શુદ્ધ સ્વરૂપને જ આદરણિય
માનીને તેમાં સ્થિર થતા જાય છે, અને ક્રમે ક્રમે સંપૂર્ણ સ્થિરતા પ્રગટ કરીને સિદ્ધ થાય છે. આ સમજણનું ફળ
છે. જે પોતાના આત્માને વિકારી માને કે શરીરવાળો માને તેને વિકાર વધે છે ને નવા નવા શરીરનો સંયોગ
રહ્યા કરે છે. અને જે પોતાના આત્માને સિદ્ધ સમાન માને છે તે સિદ્ધ થાય છે. આત્માની સાચી સમજણ અને
તેનું ફળ બતાવીને, હવે સાચા નિમિત્ત કારણોની ઓળખાણ કરાવે છે.
સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય,
સદ્ગુરુ આજ્ઞા જિનદશા નિમિત્ત કારણમાંય.
બીજી લીટીમાં નિમિત્તકારણનું જ્ઞાન કરાવ્યું છે. જીવને પોતાનું મૂળ સ્વરૂપ સમજવામાં આત્મજ્ઞાની ગુરુ
જ નિમિત્ત તરીકે હોય. કોઈ એમ કહે કે આત્મજ્ઞાની ગુરુ મળ્યા વગર હું મારી મેળે સમજી જઉં–તો તે સ્વચ્છંદી
છે. પોતાનું સાચું સ્વરૂપ અનંતકાળથી નથી સમજ્યો, તેથી તે સ્વચ્છંદે સમજી શકાય નહિ. સદ્ગુરુની આજ્ઞાએ
જ સમજાય. સદ્ગુરુની આજ્ઞા તે જ શાસ્ત્ર છે. આમાં પરાધીનતા નથી. પહેલાંં સદ્ગુરુ પ્રત્યે અર્પણતા આવ્યા
વગર આત્મસ્વભાવ સમજાશે નહિ. જેને આત્મસ્વભાવ સમજવાની અપૂર્વ તૈયારી હોય તેને સદ્ગુરુ પ્રત્યે
અત્યંત દીનતાપૂર્વક અર્પણતા હોય જ. એ રીતે સદ્ગુરુની આજ્ઞા તે નિમિત્તકારણમાં છે. પહેલાંં તો ઉપાદાન
સમજાવીને પછી નિમિત્ત ઓળખાવે છે.
જિનદશા તે પણ નિમિત્તકારણ છે. વીતરાગી જિન ચૈતન્યબિંબ રાગરહિત આત્મસ્વભાવ છે, જિનદશા
જેવો શુદ્ધચૈતન્ય આત્મસ્વભાવ છે તેને જ ગુરુ આજ્ઞા બતાવે છે અર્થાત્ પોતાના આત્માને વીતરાગી જિન
સ્વરૂપે ઓળખવો તે સદ્ગુરુની આજ્ઞા છે.
અથવા તો, ‘જિનદશા’ એટલે વીતરાગી જિનદશા વાળી પ્રતિમા તે નિમિત્ત છે. જાણે કે ચૈતન્ય બિંબ જ
હોય–એવી જિનદશાવાળી પ્રતિમા તે આત્મ સ્વભાવ સમજવાનું નિમિત્ત છે. જેના જ્ઞાનમાં આવી સદ્ગુરુની
આજ્ઞા સમજાય છે તેને વીતરાગી જિનમૂદ્રા નિમિત્તરૂપ હોય છે.
જ્ઞાનીની આજ્ઞા એ છે કે હે ચૈતન્ય! તું જિન વીતરાગ થા. પહેલાંં એવી શ્રદ્ધા કર કે હું વીતરાગી સ્વરૂપ છું,
મારું ચૈતન્યસ્વરૂપ વિકાર રહિત છે. રાગ હોવા છતાં આવી શ્રદ્ધા કરવી તે ધર્મ છે. પહેલાંં તો શ્રદ્ધામાં તું વીતરાગ
થઈ જા. એવી સમ્યક્શ્રદ્ધા પછી પણ જિનેન્દ્રદેવ પ્રત્યે બહુમાન, ભક્તિ તેમજ સદ્ગુરુની આજ્ઞાનું શ્રવણ–મનન,
અર્પણતા વગેરે શુભરાગ હોય છે. વિકલ્પદશા હોવા છતાં જો દેવ–ગુરુ પ્રત્યે ભક્તિ–બહુમાન ન હોય તો તે જીવ
સ્વચ્છંદી છે. જો સર્વથા રાગ જ ન હોય અને વીતરાગદશા થઈ ગઈ હોય તો દેવ–ગુરુ પ્રત્યે બહુમાનનો શુભભાવ ન
આવે; અને કાં તો સ્વચ્છંદી હોય તો દેવ–ગુરુ પ્રત્યે બહુમાન ને અર્પણતા ન આવે. પણ નીચલી ભૂમિકામાં પાત્ર
જીવને તો દેવ–ગુરુ પ્રત્યે અર્પણતા હોય જ. માટે અહીં યથાર્થ નિમિત્તકારણ સિદ્ધ કર્યું છે.
પોતાના સ્વભાવથી બધાય જીવો સિદ્ધ સમાન છે જ. પર્યાયમાં કોઈને ઓછું જ્ઞાન હોય ને કોઈને વધારે
હોય, પણ સ્વભાવથી બધાય જીવો સરખાં છે. એવા આત્માને સમજવો તે સિદ્ધ થવાનો ઉપાય છે. માટે હે જીવ!
તું તારા આત્માને સિદ્ધ જેવો ઓળખ. શ્રી ગુરુની એ જ આજ્ઞા છે, શાસ્ત્રો પણ એ જ બતાવે છે અને વીતરાગી
પ્રતિમા પણ એ જ સ્વભાવ બતાવવામાં નિમિત્ત છે.