: ૮૮ : આત્મધર્મ ચૈત્ર : ૨૪૭૪
પરમ પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું વ્યાખ્યાન
: ફાગણ સુદ ૧પ :
સર્વ જીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય;
સદ્ગુરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણમાંય.
[આત્મસિદ્ધિ ગા. ૧૩૫]
આત્માને ધર્મ કેમ થાય અને તેની મુક્તિ કેમ થાય તે આમાં બતાવ્યું છે. પોતાનો આત્મા શુદ્ધ સિદ્ધ
ભગવાન જેવો છે, શરીરથી જુદો છે, તેની ઓળખાણ અને માહાત્મ્ય ન કરે તો શરીરની મમતા કરીને તેને
ટકાવી રાખવા માગે છે. એક આંગળીમાં સર્પ કરડે અને આંગળી સડવા લાગે ત્યાં તે આંગળી કાપી નાખીને
પણ શરીરને ટકાવી રાખવા માગે છે, આંગળી તોડીને પણ જીવવા માગે છે, તેમ જેણે પોતાના આત્માને
વિકારથી છોડાવીને શુદ્ધ પરમાત્માપણે જીવતો રાખવો હોય તેણે શરીર, મન, વાણી અને વિકારીભાવો–એ બધુંય
જતું કરવું પડશે.
સર્પ કરડે અને આંગળી સડવા માંડે, ત્યાં કોઈ વૈદ્ય કહે કે જો જીવતર ટકાવવું હોય તો આંગળી કપાવવી
પડશે. ત્યાં શરીરની મમતા ખાતર આંગળી જતી કરે છે. તેમ જ્ઞાની કહે છે કે તારો આત્મા પરમાત્મ સ્વભાવી
છે, અને વર્તમાન હાલતમાં વિકારરૂપી સડો છે. જો તારા આખા આત્માને શુદ્ધ પરમાત્માપણે, વિકારથી જુદો
ટકાવી રાખવો હોય તો, તે વિકારને અને શરીરાદિને જતાં કરવાં પડશે.
પ્રશ્ન:– વિકારને અને શરીરાદિને કઈ રીતે જતાં કરી શકાય?
ઉત્તર:– પહેલાંં તો પોતાના આત્માની એવી શ્રદ્ધા કરવી કે મારો આત્મસ્વભાવ સિદ્ધ ભગવાન જેવો જ
છે, મારા આત્મસ્વભાવમાં રાગ–દ્વેષાદિ વિકાર નથી તેમ જ શરીર, મન, વાણી પણ નથી. આમ પોતાના
આત્માને રાગાદિથી અને શરીરાદિથી જુદો જાણ્યો અને માન્યો ત્યાં શ્રદ્ધામાં એકલો આત્મસ્વભાવ રહ્યો અને
શરીરાદિ જતાં કરી દીધાં. શરીરને રાખવા ખાતર આંગળી જતી કરે છે ત્યાં તો મમતા છે, ને આત્માને ખાતર
શરીરાદિની મમતા છોડે છે ત્યાં સ્વભાવની દ્રઢતા છે, ને તે ધર્મ છે.
‘સર્વ જીવ છે સિદ્ધ સમ’ આ દ્રવ્યદ્રષ્ટિની વાત છે. હું સિદ્ધ જેવો છું. સિદ્ધ ભગવાન આત્મા છે, તે પણ
પહેલાંં સંસારમાં હતા; એ આત્માએ પહેલાંં પોતાના સ્વભાવને શરીરથી ને વિકારથી જુદો ઓળખ્યો, ને
આત્માના મહિમાવડે શરીરાદિને શ્રદ્ધામાંથી જતા કર્યાં. તેમ હું પણ સિદ્ધ જેવો છું, મારો આત્મા જ્ઞાન–દર્શનની
મૂર્તિ છે, શરીરાદિ હું નથી ને રાગાદિ પણ મારું સ્વરૂપ નથી– એમ શ્રદ્ધા કરવાથી પોતાના આત્મસ્વભાવની
દ્રઢતા થાય છે, ને શરીરાદિનો મહિમા ટળે છે; આને આત્માને ખાતર શરીરાદિ જતાં કર્યા એમ કહેવાય છે.
હું વિકારથી ને શરીરથી જુદો સિદ્ધ સમાન આત્મા છું–એમ જેણે પોતાના આત્માને વિકારથી ને શરીરથી
જુદો જાણ્યો, તેણે શ્રદ્ધામાં શરીરાદિને જતાં કર્યાં છે. અને ત્યાર પછી ક્રમેક્રમે પોતાના આત્મામાં સ્થિરતા કરીને
રાગ ટાળતાં સિદ્ધદશા પ્રગટે છે, ને વિકાર તથા શરીર સર્વથા ટળી જાય છે. એ રીતે, જેઓ પોતાના આત્માને
સિદ્ધસમાન સમજે છે તેઓ સિદ્ધ થાય છે. સિદ્ધ થવું તે તો નવી હાલત છે, પણ સ્વભાવથી તો બધા આત્મા
સદાય સિદ્ધસમાન છે.
જે પોતાના આત્માને શુદ્ધ સિદ્ધસમાન ઓળખે ને વિકારથી જુદો ઓળખે તેજ વિકારને જતા કરી શકે.
જેમ વૈદ્ય કહે કે એક આંગળી કાપી નાખો તો જ શરીર બચશે. ત્યાં પોતાને વિશ્વાસ આવે છે કે આ એક
આંગળી કાપી નાખતાં પણ આખું શરીર ટકી રહેશે. તેથી ત્યાં શરીરની મમતાવડે આંગળી કપાવી નાખે છે. તેમ
જ્ઞાની કહે છે કે જો તારે તારા આત્માને આખો જીવતો રાખવો હોય તો રાગાદિની શ્રદ્ધા છોડ. રાગ અને
શરીરાદિ જાય તોય તું આખો સિદ્ધ રહીશ. સિદ્ધ ભગવંતો શરીર વગર અને રાગ વગર જીવે છે તે સાચું જીવતર
છે. હે જીવ! તારે જો તારા આત્માનું સાચું જીવતર જીવવું હોય તો તું તારા આત્માને સિદ્ધ જેવો જાણ. પોતાના
આત્માને વિકારી માનવાથી આત્માનું ભાવમરણ થાય છે. પોતાના આત્માને સિદ્ધ જેવો જાણવો–માનવો તે જ
ધર્મ છે, તે શાંતિનો ઉપાય છે.
શરીરમાં સર્પનું ઝેર ચડયું હોય તો વૈદ્ય ઊલટી કરાવીને તે કઢાવી નાખે છે. તેમ આત્મામાં મિથ્યાત્વરૂપી
સર્પનું ઝેર ચડયું છે. આત્મા શરીરથી જુદો છે તેને જીવતો રાખવો હોય તો તે મિથ્યાત્વરૂપી સર્પના ઝેરની
ઊલટી કરવી જોઈએ, એટલે કે આત્માની ઓળખાણ વડે મિથ્યાશ્રદ્ધાની ઊલટી કરીને સમ્યક્ શ્રદ્ધા કરવી
જોઈએ. મને શુભરાગથી લાભ થાય, કે હું શરીરનું કાંઈ કરું,