જીવને તેમાં સુખના સાધનપણાની મિથ્યા કલ્પના થઈ છે. પરંતુ, જેમ મૃગજળ તે ખરેખર પાણી નથી પણ
પાણીના આભાસમાત્ર છે, અને તેને પાણી માનીને તેનાથી તૃષા છીપાવવા માટે તે તરફ દોડનારા મૃગલાને તૃષા
વધારવાનું જ તે કારણ છે, તેમ આ આત્માને બહારના વિષયો શાંતિનું સાધન નથી પણ અજ્ઞાની જીવને
શાંતિના આભાસમાત્ર છે. પર વિષયો આભાસમાત્ર સુખનાં સાધનો દૂરથી (અજ્ઞાન–ભાવે) દેખાય છે પણ
ખરેખર તે દુઃખનાં જ નિમિત્તો છે. વિષયોને સુખનાં સાધન માનીને, તેના વડે પોતાની આકુળતા મટાડવા માટે
જે જીવ આત્મસ્વભાવથી ચ્યૂત થઈને પર વિષયો તરફ પોતાના ઉપયોગને દોડાવે છે તે જીવને માત્ર
આકુળતારૂપ દુઃખ જ થાય છે. માટે એવા ઈન્દ્રિય વિષયોથી બસ થાવ, બસ થાવ.
સમ્યગ્દ્રષ્ટિ જીવે આત્માના અતીન્દ્રિય સુખનો સ્વાદ ચાખ્યો છે, તે ગૃહસ્થ–દશામાં હોય તોપણ અંતરમાં યોગી
જેવા છે, આખા વિશ્વના બધાય પદાર્થોમાંથી સુખબુદ્ધિ ઊડી ગઈ છે, એક આત્મસ્વરૂપના સુખ સિવાય બીજે
ક્યાંય તેમની રુચિ ઠરી શકતી નથી.–આવી આત્મદશા પ્રગટે તેનું જ નામ ધર્મ છે, અને અલ્પકાળમાં જ સંપૂર્ણ
પારમાર્થિક સુખ પ્રગટવાનું તે સાધન છે. હે આત્મા! કાંઈ બહારના પદાર્થોમાં તારા સુખનો ભંડાર ભરેલો નથી,
તારો આત્મા પોતે જ સુખનો ભંડાર છે. પોતાના આત્માને છોડીને બહારના પદાર્થોમાં સુખ માટે ઝાંવા નાંખવા
તે તો આકુળતા છે–દુઃખ છે. પોતાના આત્માને ઓળખીને તેમાં એકમેક થાય તો પોતાના પૂર્ણ સુખનો પ્રગટ
અનુભવ થાય.
તે કોઈ સંયોગની કે રાગની પ્રીતિ ધર્માત્માને નથી, એ બધાયને લક્ષમાંથી છોડી દઈને વારંવાર પોતાના
પરમાનંદમય સ્વભાવમાં ઢળી જવાનો પ્રયત્ન કરે છે. સ્વભાવનો જ આદર કરતા કરતા અને રાગ રહી જાય
તેનો નિષેધ કરતા કરતા ધર્માત્મા જીવ સાધકભાવમાં આગળ વધે છે. અને છેવટે સ્વભાવની એકાગ્રતાના જોરે
સંપૂર્ણ રાગાદિનો અભાવ કરીને પોતે પૂર્ણ સુખી સિદ્ધ થઈ જાય છે.
સુખાર્થી જીવો વિષયાલંબી ભાવ છોડીને નિરાલંબી પરમાનંદ સ્વભાવે પરિણમો.
કરે છે કે – હે જગતના સુખાર્થી જીવો! વિષયોમાંથી આત્માને સુખ નથી મળતું, પણ આત્માને પોતાના
સ્વભાવથી જ સુખ છે એમ બરાબર સમજો અને વિષયાલંબી સુખબુદ્ધિ છોડીને આત્માની રુચિ કરીને આત્માના
નિરાલંબી પરમાનંદમય સ્વાધીન સુખરૂપે પરિણમો. એકલા નિજ ચૈતન્યસ્વરૂપને અવલંબનારો ભાવ તે જ સત્ય
સુખ છે, તેમાં આકુળતા નથી. એ સિવાય જગતના બધાય પદાર્થોને અવલંબનારો ભાવ તે દુઃખ જ છે, શરીર–
પૈસા–સ્ત્રી આદિને અવલંબતો ભાવ હો કે દેવ–ગુરુ–શાસ્ત્ર ને અવલંબતો ભાવ હો – તે ભાવ પોતે પરાધીન
અને દુઃખરૂપ છે, વિષયાલંબી કોઈ ભાવમાં સુખ નથી. દિવ્યધ્વનિનું શ્રવણ કરવાનો ભાવ તે પણ વિષયાલંબી
ભાવ છે ને તેમાંય આકુળતા છે, માટે સર્વ વિષયોથી ભિન્ન અને વિષયાલંબી ભાવોથી પણ ભિન્ન એવા,
સ્વયમેવ જ્ઞાન અને સુખરૂપ નિજ આત્મતત્ત્વને ઓળખીને સ્વાવલંબી ભાવ વડે આત્માના સાચા સુખને પામો.
એક પોતાનો આત્મા જ સુખનું સાધન છે, માટે આત્માની ઓળખાણ કરીને શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર વડે તેનું જ
અવલંબન કરો. તે જ ધર્મ છે અને તે જ આત્માના પારમાર્થિક સુખનો ઉપાય છે.