Atmadharma magazine - Ank 055
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 33

background image
અંક સાતમો : ૫૧ : ૨૪૭૪
શાસનપ્રભાવક
પૂજ્ય શ્રી કાનજીસ્વામી
[શ્રી ખીમચંદ જેઠાલાલ શેઠ]
ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય દેવે શ્રી સમયસાર,
પ્રવચન–સાર, પંચાસ્તિકાય આદિ શાસ્ત્રોની રચના
આજથી લગભગ બે હજાર વર્ષ પૂર્વે કરી. તેની દરેક
ગાથામાં અતિ ગાંભીર્ય–ગૂઢ રહસ્ય ભરેલું છે. ત્યાર
બાદ લગભગ એક હજાર વર્ષે ભગવાન
શ્રીઅમૃતચંદ્રાચાર્ય થયા. તેમણે તે તે શાસ્ત્રોની દરેક
ગાથામાં જે રહસ્ય ગુપ્ત પડ્યું હતું તેને દોહીને અર્થાત્
તેના ઉપર ટીકા રચીને રહસ્ય પ્રગટ કર્યું. તે પછી
લગભગ એક હજાર વર્ષે પૂજ્ય શ્રી કાનજી સ્વામી
થયા. જેમ ભેંસના આઉમાં અર્ધો મણ દૂધ ભયુૃર્ં હોય
તેને દોહીને બહાર કાઢ્યું હોય તો તે દોહનારનું કેટલું
સામર્થ્ય છે તે જણાવે છે, તેમ તેઓ શ્રી સમયસારાદિ
શાસ્ત્રોની મૂળ ગાથા, ટીકા તથા કળશો ઉપર સહજ–
સુગમ–સરળ–છતાં ઉચ્ચ તત્ત્વને પ્રગટ કરતું વિસ્તૃત
વિવેચન કરે છે, તેથી તેમનામાં જ્ઞાનાનુભવનું કેટલું
સામર્થ્ય છે તેની સાબિતી તેમનાં પ્રવચનોનાં પ્રત્યક્ષ
શ્રવણથી તથા પ્રસિદ્ધ થયેલા તેમનાં પ્રવચનગ્રન્થો
ઉપરથી મળી આવે છે.
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવે ઉત્તમ અધ્યાત્મ
શાસ્ત્રોની રચના કરીને જૈન શાસનનો પાયો નાખ્યો,
શ્રી અમૃતચંદ્રાચાર્ય દેવે તેના ઉપર ટીકા રચી મંદિર
ચણ્યું તથા કળશોની રચના કરી કળશ ચડાવ્યો ને
પૂજ્ય શ્રી કાનજી સ્વામીએ તેના ઉપર પ્રવચનો કરી
ધ્વજા ફરકાવી. આ રીતે તેઓશ્રીનો જગતના ભવ્ય
જીવો ઉપર મહાન ઉપકાર વર્તે છે.
તેથી જયવન્ત વર્તો તે શાસનપ્રભાવક–
યુગપ્રધાન મહાત્માઓ તથા તેમની સ્વરૂપસંપદામાંથી
પ્રગટતા પામતી શાસન પ્રભાવના! ભક્તિભાવે
નમસ્કાર હો તે યુગાવતાર ભગવન્તોને!!
અસ્તિ નાસ્તિ સ્વભાવ
[શ્રી સમયસાર–મોક્ષ અધિકાર
ઉપરના વ્યાખ્યાનમાંથી]
જ્ઞાની એમ સમજે છે કે–હું ચૈતન્ય વસ્તુ છું,
બીજી બધી વસ્તુઓ મારી અપેક્ષાએ ‘અવસ્તુ’ છે.
મારી અપેક્ષાએ આખું જગત અવસ્તુ છે અને
આખા જગતની બધી વસ્તુઓની અપેક્ષાએ હું
અવસ્તુ છું. ‘અવસ્તુ’ એટલે શું? દરેક વસ્તુ
પોતાના અસ્તિ–નાસ્તિ સ્વભાવમાં રહેલી છે;
પોતાના નાસ્તિ સ્વભાવમાં રહેલું દ્રવ્ય તે પર
પદાર્થોની અપેક્ષાએ અવસ્તુ છે. એ રીતે
અવસ્તુપણું અર્થાત્ નાસ્તિપણું એ દરેક વસ્તુનો
એક ધર્મ છે. ચૈતન્ય વસ્તુનો ‘નાસ્તિ’ ધર્મ એવો
છે કે તે કદી પરમાર્થે વિકારપણે કે જડપણે થતો
નથી. એવાં ત્રિકાળી ચૈતન્ય સ્વભાવની શ્રદ્ધા તેનું
જ્ઞાન અને તેમાં સ્થિરતા રૂપ ચારિત્ર તે જ
મોક્ષમાર્ગ છે. આત્માની અવસ્થા પણ ચૈતન્યરૂપ
છે; આત્માની અવસ્થા સ્વપણે છે, પર દ્રવ્યની
અવસ્થાપણે નથી. આ રીતે આત્માને પરદ્રવ્યો
સાથે નાસ્તિત્વ સંબંધ છે એટલે કે પરદ્રવ્યો અને
આત્મા તો સદાય ભિન્ન છે.
વીતરાગી સગપણ એવું છે કે દરેક દ્રવ્યો
સ્વતંત્ર છે, એક દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે કાંઈ સંબંધ
નથી. બધા પદાર્થોથી ભિન્ન પોતાના સ્વભાવ સાથે જ
સંબંધ (–એકતા) કરીને શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતા
કરવાં તે જ ધર્મ છે. પર સાથે તો કદી સંબંધ નથી;
વિકાર સાથે ક્ષણિક સંબંધ છે, પણ ચૈતન્યસ્વભાવમાં
અભેદ થતાં પર્યાય ચૈતન્યસ્વભાવમાં ભળી ગઈ અને
વિકાર સાથેનો ક્ષણિક સંબંધ પણ ન રહ્યો. અસ્તિ–
નાસ્તિના ભાવનો વિસ્તાર કરતાં તેમાંથી
વીતરાગભાવ પ્રગટે છે; કેમકે અસ્તિધર્મ સ્વભાવ સાથે
એકતા કરાવે છે અને નાસ્તિધર્મ પર ભાવો સાથેની
એકતાને તોડાવે છે.
–આભાર–
વૈશાખ સુદ બીજને દિવસે મહાન ઉપકારી પૂજ્ય શ્રી કાનજી સ્વામીનો મંગળ જન્મદિન છે, તે જન્મ–
મહોત્સવ પ્રસંગના નિમિત્તે આત્મધર્મના ગ્રાહકોને પૂજ્ય શ્રી કાનજી સ્વામીની અમૃતવાણીનો વિશેષ લાભ મળે
તે માટે, અમરેલીના ભાઈશ્રી મોહનલાલ ત્રીકમજી દેશાઈએ આત્મધર્મનો આ વૈશાખ માસનો અંક ૩૨ પાનાનો
કાઢવા જણાવ્યું છે, ને તેમાં જે વધારાનું ખર્ચ થાય તે તેમના તરફથી આપવામાં આવ્યું છે. આ માટે તેમનો
આભાર માનવામાં આવે છે.