Atmadharma magazine - Ank 055
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 33

background image
: ૧૦૪ : આત્મધર્મ : ૫૫
થવું હોય તો તું તારા કારણ સમયસાર–પરમાત્માનું સેવન કર. પછી તેમાં લીનતા થતા રાગ–દ્વેષનો અભાવ
થઈને પરમાત્મદશા પ્રગટે છે.
અહીં તો, જેને પર્યાયમાં રાગાદિ થાય છે તેને સમજાવે છે. રાગાદિ વિકાર છે તેને સ્વીકારે છે તથા તે
વિકારથી છૂટવાની જેને ઝંખના છે અને સ્વચ્છંદતા છોડીને ગુરુ પાસે અર્પાઈ ગયો છે એવા શિષ્યે મોક્ષ માટે
ક્યા સિદ્ધાંતનું સેવન કરવું જોઈએ તે સમજાવાય છે; મોક્ષાર્થી જીવને કેવો નિયમ હોય? ત્રિકાળ શુદ્ધ ચૈતન્યમય
સ્વભાવ છું–એમ માનવું તે જ સાચો નિયમ છે. પણ આત્માને વિકારી કે રાગવાળો માનવો તે નિયમ નથી.
આત્મા ત્રિકાળ શુદ્ધ પરમ ચૈતન્યમય છે–તે ત્રિકાળ નિયમ છે. આ જ નિયમના સેવનથી ધર્મ થાય છે. આઠ
વર્ષની બાલિકા પણ એ નિયમના સેવનથી ધર્મ પામે છે, ને સો વર્ષનો દ્રવ્યલિંગી સાધુ પણ આ નિયમના સેવન
વગર ધર્મ પામતો નથી. માટે મોક્ષાર્થીઓએ એ જ નિયમનું સેવન કરવું.
આ કળશમાં આચાર્યદેવે નિશ્ચયસ્વભાવનો આદર અને વ્યવહારનો નિષેધ જણાવ્યો છે. સાધક જીવને
પરમાર્થનો આદર ને વ્યવહારનો નિષેધ તે મુક્તિનો ઉપાય છે. રાગ મંદ પડે તે પુણ્ય છે, તેનાથી ધર્મ નથી. હું
ચૈતન્યસ્વરૂપ છું, મારામાં રાગ નથી–એવી સ્વભાવદ્રષ્ટિ તે ધર્મ છે.
અહીં એવા મોક્ષાર્થીજીવની વાત છે કે જેને એક આત્માર્થ જ સાધવો છે, જેને અંતરમાં બીજો કોઈ રોગ
નથી, જગતના માન–આબરૂ જોઈતાં નથી, લોકની અનુકૂળતા જોઈતી નથી, આચાર્ય–ઉપાધ્યાયપણાની પદવી
જોઈતી નથી. લોકોમાં પંડિત કહેવરાવવું નથી, સંસાર માત્રનું કોઈ પ્રયોજન નથી, પોતાના જાણપણાનું
અભિમાન નથી, સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર પ્રત્યે અર્પણતા થઈ ગઈ છે, જ્ઞાનીઓ પાસેથી એક અક્ષર સાંભળતા
ઉલ્લાસ ને આનંદ આવી જાય છે.–એવા આત્માર્થી જીવો મોક્ષનો માર્ગ સમજે છે.
અહો, આચાર્યદેવોએ અંતરમાં અનુભવીને તેનું રહસ્ય શાસ્ત્રોમાં ઉતાર્યું છે. કુંદકુંદ આચાર્યદેવે ચોથી
ગાથામાં કહ્યું કે કામ–ભોગ–બંધનની વાત જીવોએ સાંભળી છે, પણ શુદ્ધ આત્માની વાત પૂર્વે કદી સાંભળી નથી.
અહીં સાંભળવાનું કહ્યું છે એટલે શ્રીગુરુ પાસેથી શુદ્ધાત્માનું શ્રવણ કરતી વખતે જે વિનય, બહુમાન જોઈએ અને
સ્વચ્છંદનો ત્યાગ જોઈએ તે તેમાં આવી જાય છે. જેને શુદ્ધાત્માનો પ્રેમ હોય તે જીવને, શુદ્ધાત્માના સંભળાવનાર
જ્ઞાનીઓ પ્રત્યે બહુમાન અને વિનય હોય જ. ગુરુ પાસેથી શુદ્ધાત્માનું શ્રવણ કરતાં કેટલો કેટલો વિનય હોય! હું
સમજીને જગતના જીવોને સમજાવી દઉં–એવી જેની બુદ્ધિ નથી પણ મારે મારા પોતાના માટે સમજીને આત્માર્થ
કરવો છે એમ પોતાની જ દરકાર છે, જેને બહુ જ ગંભીરતા છે, મારે સત્ પ્રત્યે અર્પણતા સિવાય બીજું કાંઈ
કામ નથી–એમ જે સ્વછંદ મૂકીને નમ્રતાથી એકદમ કોમળ થઈ ગયો છે અને જેને મોક્ષનું જ પ્રયોજન છે એવા
જીવોને આચાર્યદેવ આદેશ કરે છે કે હે મોક્ષાર્થીઓ! તમે આવા સિદ્ધાંતનું સદાય સેવન કરો કે હું શુદ્ધ જ્ઞાનમય
પરમજ્યોતિ છું. સામા જીવમાં તેમ કરવાની પાત્રતા છે તેથી આચાર્યદેવે આદેશ–વચન કહ્યું છે. મોક્ષાર્થી જીવોના
જ્ઞાનનો અભિપ્રાય ઉદાર હોય છે. ‘શુદ્ધ આત્મા’ તે સર્વજ્ઞદેવના કહેલા અનંત શાસ્ત્રોનો સાર છે. હે મોક્ષાર્થીઓ,
અનંત શાસ્ત્રોના સારભૂત આ સિદ્ધાંતનું સેવન કરો કે ‘ હું ચિદ્રૂપ આત્મા છું, વિકાર મારું સ્વરૂપ નથી. ’ જે
જીવ આ સિદ્ધાંત સમજ્યો તે જીવે સર્વ શાસ્ત્રોનો સાર સમજી લીધો. શુદ્ધઆત્મસ્વરૂપની સન્મુખ અભિપ્રાય થયો
તે જ મુક્તિના રસ્તે પ્રયાણ છે, તે અપ્રતિહતભાવ પાછો ન ફરે. પરનું કાંઈ કરવાની તો વાત જ નથી કેમ કે તે
તો કોઈ જીવ કરી શકતો જ નથી. અને પર્યાયમાં જે રાગ થાય તે કરવાની પણ વાત નથી, સાધકદશામાં તે હો
ભલે, પણ તેનાથી ધર્મ નથી. ધર્મી જીવ તેને પોતાનું સ્વરૂપ માનતા નથી. આ સિવાય બીજી રીતે આત્માનું
સ્વરૂપ માને તેને ધર્મ નથી.
આ કળશમાં આચાર્યદેવે મોક્ષ માટેનો મંત્ર આપ્યો છે; કેવા અભિપ્રાયથી ધર્મ થાય છે તે બહુ જ ટૂંકી
રીતે આચાર્યદેવે બતાવ્યું છે. જેમ જિનમંદિર ઉપર સોનાનો કળશ ચઢાવે તેમ શ્રી કુંદકુંદ ભગવાનની રચના ઉપર
શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે આ કળશ ચઢાવ્યો છે. અસ્તિ નાસ્તિથી સરસ કથન કર્યું છે. પર્યાયમાં વ્યવહારનું
અસ્તિપણું તો બતાવ્યું પણ ચૈતન્યના શુદ્ધજ્ઞાયક સ્વભાવમાં તેનો નકાર કર્યો.
પ્રશ્ન:–આ ધર્મમાં ત્યાગ કરવાની વાત આવી કે નહિ?
ઉત્તર:–એક શુદ્ધ ચૈતન્યસ્વભાવ તે હું ને ચૈતન્યથી વિલક્ષણ એવા સર્વે પર ભાવો તે હું નહિ, તે બધાય