જેઠ : ૨૪૭૪ આત્મધર્મ : ૧૪૧ :
અર્થ મેળવવો તે આગમાર્થ છે. સિદ્ધાંતમાં પ્રસિદ્ધ હોય તે આગમાર્થ છે.
૫–ભાવાર્થ–એટલે કે એ કથનનો સરવાળો શું?–સાર શું? પરમાત્મસ્વરૂપ વીતરાગી આત્મદ્રવ્ય જ ઉપાદેય છે,
એ સિવાય કોઈ રાગ–વિકલ્પ વગેરે ઉપાદેય નથી; એ બધું માત્ર જ્ઞાન કરવા જેવું છે. એક પરમ શુદ્ધસ્વભાવ તે જ
આદરવાલાયક છે. ભાવનમસ્કારરૂપ પર્યાય પણ પરમાર્થે આદરણીય નથી. એ રીતે પરમ શુદ્ધાત્મ–સ્વભાવને જ
ઉપાદેયપણે અંગીકાર કરવો તે જ ભાવાર્થ છે. ઉપર કહેલા પાંચ પ્રકાર મુજબ દરેકે દરેક શાસ્ત્રના કથનનો અર્થ
સમજવો.
(૨૨) નિર્મળપર્યાય ઉપાદેય છે કે નહિ?
પ્રશ્ન:–નિર્મળપર્યાય કેમ આદરણીય નથી? આપણને દ્રવ્ય તો છે, પણ મોક્ષપર્યાય જોઈએ છે, માટે તે પર્યાય
આદરણીય કેમ નથી?
ઉત્તર:–અહીં દ્રવ્યદ્રષ્ટિ બતાવવી છે. દ્રવ્યદ્રષ્ટિ કરતાં શુદ્ધપર્યાય ઊઘડી જાય છે. શુદ્ધપર્યાયનો આધાર શું છે? તે
શેમાંથી પ્રગટે છે?–એ જાણવું જોઈએ. દ્રવ્યસ્વભાવને જાણીને ત્યાં એકાગ્રતા કરવી તે જ નિર્મળપર્યાય પ્રગટવાનો
ઉપાય છે. પર્યાયના લક્ષે નિર્મળતા પ્રગટતી નથી માટે પર્યાયને પરમાર્થે ઉપાદેય કહેવામાં આવતી નથી. નિર્મળ–
પર્યાયને ઉપાદેય કહેવી તે પર્યાયાર્થિકનયથી છે.।। ૧।।
(૨૩) ભવિષ્યના અનંત સિદ્ધોને નમસ્કાર
પહેલી ગાથામાં સામાન્યપણે સિદ્ધભગવાનને નમસ્કાર કર્યા; હવે બીજી ગાથામાં ભવિષ્યના સિદ્ધોને
નમસ્કાર કરે છે.
ગાથા–૨
ते वंदउं सिरि–सिद्धगण होसहिं जे वि अणंत।
सिवमय णिरूवम णाणमय परम समाहि भजंत।।२।।
અર્થ:–ભવિષ્યમાં જે અનંત સિદ્ધો થશે તે સિદ્ધસમૂહને હું નમસ્કાર કરું છું.–તે સિદ્ધભગવંતો કેવા થશે? પરમ
કલ્યાણમય અનુપમ અને જ્ઞાનમય થશે.–શું કરવાથી તેઓ સિદ્ધ થશે? રાગાદિ વિકલ્પ રહિત પરમ સમાધિ (–
નિર્વિકલ્પ ધ્યાન) નું સેવન કરવાથી સિદ્ધ થશે.
ભવિષ્યમાં સિદ્ધ થનારા અનંત જીવો અત્યારે તો નિગોદમાં પણ પડ્યા હોય, છતાં અહીં ગ્રંથકારમુનિ કહે છે કે
ભવિષ્યમાં જેઓ સિદ્ધ થશે તેમને નમસ્કાર હો. ખરેખર પોતાને ભવિષ્યમાં સિદ્ધદશા થવાની છે તેને જ્ઞાનમાં નિકટ
લાવે છે–પોતાની ભવિષ્યની પર્યાયને નિકટ લાવે છે. દ્રવ્યદ્રષ્ટિથી ભવિષ્યને અને વર્તમાનને એક કરે છે. ભવિષ્યમાં જે
સિદ્ધદશા થશે તેને હું અનુમોદન આપું છું, પણ કોઈ વિકલ્પને અનુમોદન આપતો નથી.
(૨૪) સિદ્ધદશાનો ઉપાય
ભવિષ્યમાં કેવા સિદ્ધ થશે? કેવળજ્ઞાનાદિ મોક્ષ લક્ષ્મી સહિત અને સમ્યગ્દર્શનાદિ આઠગુણો સહિત થશે–
સમ્યકત્વાદિ તે ખરેખર ગુણ નથી પણ સંપૂર્ણ નિર્મળ પર્યાય છે. ભવિષ્યમાં જેઓ સિદ્ધ થવાના છે તેઓ પણ
વ્યવહારના અવલંબને કે રાગથી સિદ્ધ નહિ થાય, પણ નિજ શુદ્ધાત્મસ્વરૂપની ભાવનાથી રાગાદિને તોડીને સિદ્ધ થશે.
શ્રેણીકરાજા વગેરે જીવો ભવિષ્યમાં સિદ્ધ થશે, તેઓ આ જ રીતે સિદ્ધ થશે. શું કરતાં કરતાં સિદ્ધ થશે?
વીતરાગસર્વજ્ઞદેવે પ્રરુપેલ માર્ગવડે પહેલાંં તો દુર્લભસમ્યગ્જ્ઞાન પામીને, નિજશુદ્ધાત્માની ભાવનાથી સિદ્ધદશા પામશે.
પોતનો ત્રિકાળી જ્ઞાનદર્શનમયસ્વભાવ છે, તે સ્વભાવ રત્નત્રયથી પૂર્ણ છે, એવા પોતાના શુદ્ધાત્માની ભાવનાથી
વીતરાગી સહજ આનંદ પ્રગટ કરીને અને સંસારમાં સ્વાર્ગાદિ દુઃખોનો નાશ કરીને, પરમસમાધિરૂપ જહાજના સેવનથી
સિદ્ધદશા થાય છે. એવા ઉપાયથી ભવિષ્યમાં અનંતાનંત જીવો સિદ્ધભગવાન થવાના છે.
અનંતકાળ પછી નિગોદમાંથી નીકળીને જે સિદ્ધ થશે તેને પણ વર્તમાન નમસ્કાર કર્યા છે. અનંત
પદ્ગલપરાવર્તન પછી જે સિદ્ધ થશે તેને વર્તમાનમાં નમસ્કાર કર્યા છે. એમાં પોતાને દ્રવ્યદ્રષ્ટિનું જોર છે. આ રીતે બીજી
ગાથામાં ભાવિ સિદ્ધોને નમસ્કાર કર્યા; તેથી સિદ્ધસમાન પરમશુદ્ધ આત્મસ્વરૂપ જ આદરણીય છે–એ ભાવાર્થ છે.
ત્રિકાળના સિદ્ધોને મારા જ્ઞાનની એક પર્યાયમાં સમાડું–એવો મારો સ્વભાવ છે; એ સ્વભાવની એકાગ્રતાવડે
સિદ્ધોને નમસ્કાર કર્યા છે. અહો, એ સિદ્ધપદ જ સંપૂર્ણ પદ છે. એ સિવાય કોઈ પદ મારે આદરણીય નથી.।। ૨।।
(૨૫) વર્તમાનમાં જેઓ સિદ્ધ થાય છે તેઓને નમસ્કાર
હવે, વર્તમાન બિરાજમાન શ્રી સીમંધરાદિ ભગવંતોને નમસ્કાર કરે છે–
ગાથા–૩
ते हउं वंदउं सिद्धगण अच्छहिं जे वि हवंत।
परमसमाहि महग्गियए कम्मिंधणइं हुणंत।।३।।
અર્થ:–હું તે સિદ્ધ સમૂહને નમસ્કાર કરું છું કે જેઓ વર્તમાનમાં (અર્હંતપદે) બિરાજી રહ્યા છે, અને પરમ
સમાધિરૂપી મહાઅગ્નિવડે કર્મરૂપી લાકડાંને ભસ્મ કરી રહ્યા છે. [ચાલુ–