ATMADHARMA With the permisdon of the Baroda Govt. Regd No. B. 4787
order No. 30/24 date 31 - 10 - 4
જ્ઞાનસ્વરૂપ આત્માની દ્રષ્ટિ અને એકાગ્રતા કરે તો દુઃખ
ટળે, સંસારની કોઈ વસ્તુમાં આ આત્માનું સુખ નથી,
સુખ તો પોતાના આત્માની દ્રષ્ટિ કરે તો પ્રગટે.
પ્રશ્ન:–કોઈ જીવ ઉંઘી ગયો હોય અને તેની પાસે
સર્પ પડ્યો હોય, જ્યારે તેને કોઈ જગાડે અને કહે કે
તારી પાસે સર્પ પડ્યો છે, ત્યારે તેને તરત જ ભય થાય
છે. જ્યાં સુધી સર્પનું જ્ઞાન ન હોતું ત્યાં સુધી તેને ભય
ન હતો, માટે જ્ઞાનથી જ ભય થયો, તેથી જ્ઞાનને જ
દુઃખનું કારણ માનવું પડશે.
ઉત્તર:–નહિ; જ્ઞાન દુઃખનું કારણ છે જ નહિ, તે
માણસને સર્પનું જ્ઞાન કરવાથી ભય થયો નથી પણ
શરીરની મમતાને કારણે જ ભય થયો છે. ઉંઘ વખતે
તેને ઓછું દુઃખ હતું અને સર્પનું ભાન થતાં દુઃખ વધી
ગયું–એમ નથી. ઉંઘ વખતે પણ જેટલે અંશે શરીર
ઉપરની મમતા છે તેટલે અંશે તેને પ્રતિકૂળતાનો ભય
પણ અવ્યક્તપણે રહેલો જ છે. પહેલાંં અનુકૂળતાના
રાગની મુખ્યતા હતી હવે પ્રતિકુળતાના દ્વેષની મુખ્યતા
છે, પણ બન્ને વખતે જેટલે અંશે મમતા છે તેટલે અંશે જ
દુઃખ છે. જો સર્પનું જ્ઞાન તે દુઃખનું કારણ હોય તો તે જ
સર્પને કોઈ મુનિ દેખે છતાં તેમને જરાપણ ભય કેમ
થતો નથી? કેમકે તેમને શરીર ઉપર મમતા નથી. તેથી
પ્રતિકૂળતાનો ભય નથી. જે માણસને સર્પની હાજરીમાં
ભય થાય છે તેને સર્પની ગેરહાજરી વખતે પણ પોતાની
મમતાના કારણે દુઃખનું વેદન તો હતું જ. જેને જેટલે
અંશે અનુકૂળતાની પ્રીતિ હોય તેને તેટલે જ અંશે
પ્રતિકૂળતાનો ભય અથવા દ્વેષ હોય જ.
– દુ:ખદ્ સમાચાર –
તા. ૩૧–૫–૪૮ ના રોજ વઢવાણ શહેરના રહીશ
મુમુક્ષુ ભાઈ શ્રી અમીચંદ નાગરદાસનો સવારના સાત
વાગે સ્વર્ગવાસ થયો.
તેઓ વઢવાણના અગ્રગણ્ય શેઠ ઝુઝાભાઈ
વેલસી ના કુટુંબના નબીરા હતા. તેમની ઉમર ૪૫
વર્ષની હતી. તેઓ સ્વભાવે આનંદી, મીષ્ટભાષી,
સેવાભાવી અને સત્ય ધર્મના ઉપાસક હતા. તેઓ પરમ
પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજી સ્વામીના અનન્ય ભક્ત
હતા. અને સત્ધર્મનો અત્યંત ઉત્કર્ષ થાય તે જોવા
હરહંમેશ આતુર હતા. વઢવાણ શહેરમાં “શ્રી જૈન
સ્વાધ્યાય મંદિર” બાંધવાનું છે તેનું ખનન મુહુરત કરવા
સવારના છ વાગે આવેલા અને મુહુરત સાચવી ઘેર
પહોંચતા તેમનું હૃદય એકાએક બંધ પડી જવાથી તેમનો
દેહવિલય થયો. તેમના માનમાં અહીંના જીનીંગ તથા
પ્રેસીંગ ફેકટરીઓ તથા રૂ બજાર બંધ રહ્યા હતા.
પોતે ભવ્ય છે કે અભવ્ય? તેનો
નિ:સંદેહ નિર્ણય થઈ શકે છે.
શ્રીમદ્ રાજચંદ્રજી લખે છે કે–
“જે સાધુઓ તમને અનુસરતા હોય તેમને
સમય–પરત્વે જણાવતા રહેવું કે, ‘ધર્મ’ તેનું નામ
આપી શકાય કે જે ધર્મ થઈને પરિણમે. ‘જ્ઞાન’ તેનું
નામ આપી શકાય કે, જે જ્ઞાન થઈને પરિણમે. આપણે
આ બધી ક્રિયા અને વાંચના ઈત્યાદિક કરીએ છીએ તે
મિથ્યા છે–એમ કહેવાનો મારો હેતુ તમે સમજો નહિ,
તો હું તમને કંઈ કહેવા ઈચ્છું છું–આમ જણાવી તેમને
જણાવવું કે” આ જે કાંઈ આપણે કરીએ છીએ તેમાં
કોઈ એવી વાત રહી જાય છે કે જેથી ‘ધર્મ’ અને
‘જ્ઞાન’ આપણને પોતાને રૂપે પરિણમતાં નથી; અને
કષાય તેમજ મિથ્યાત્વ (સંદેહ)નું મંદત્વ થતું નથી,
માટે આપણે જીવના કલ્યાણનો ફરી ફરી વિચાર કરવો
યોગ્ય છે, અને તે વિચાર્યે કંઈક આપણે ફળ પામ્યા
વિના રહેશું નહિ. આપણે બધું જાણવાનું પ્રયત્ન
કરીએ છીએ, પણ આપણો ‘સંદેહ’ કેમ જાય? તે
જાણવાનો પ્રયત્ન કરતાં નથી. એ જ્યાં સુધી નહિ
કરીએ ત્યાં સુધી ‘સંદેહ’ કેમ જાય? અને સંદેહ હોય
ત્યાં સુધી જ્ઞાન પણ ન હોય; માટે સંદેહ જવાનો
પ્રયત્ન કરવો જોઈએ. એ સંદેહ એ છે કે આ જીવ
ભવ્ય છે કે અભવ્ય? મિથ્યાદ્રષ્ટિ છે કે સમ્યગ્દ્રષ્ટિ?
સુલભબોધી છે કે દુર્લભબોધી? તૂચ્છસંસારી છે કે
અધિકસંસારી? આ આપણને જણાય તેવો પ્રયત્ન
કરવો જોઈએ.
[શ્રીમદ્ રાજચંદ્ર બીજી આવૃત્તિ પૃ. ૬૩૮–
૬૩૯]
ઉપરના કથનથી સ્પષ્ટ જણાય છે કે, હું ભવ્ય
છું કે અભવ્ય ઈત્યાદિ પ્રકારનો નિર્ણય દરેક મનુષ્ય
કરી શકે છે. છદ્મસ્થ જીવો પોતાના ભવ્ય–
અભવ્યપણાનો નિર્ણય ન કરી શકે–એ માન્યતા મહાન
મિથ્યાત્વ છે. ‘હું ભવ્ય છું’ એવા નિર્ણય વગર અને
‘હું અભવ્ય છું’ એવો સંદેહ ટળ્યા વગર જીવને ધર્મ
થઈ શકે જ નહિ. “હું અભવ્ય છું એટલે કે અનંત
અનંતકાળે પણ મારી મુક્તિ નથી” એવો જેને સંદેહ
વર્તી રહ્યો છે તે જીવ ભવરહિત થવાનો પુરુષાર્થ કોઈ
રીતે ઉપાડી શકશે નહિ અને ભવરહિત પુરુષોની
વાણીનો આશય પણ તે સમજી શકશે નહિ. હું ભવ્ય
જ છું–નિકટભવ્ય છું, અભવ્ય નથી’ એવો નિઃશંક
નિર્ણય દરેક ધર્માત્માને હોય જ છે. જેને એ સંબંધમાં
નિઃશંક નિર્ણય ન હોય તે જીવ ધર્મસન્મુખ થઈ શકતો
નથી.