જેઠ : ૨૪૭૪ આત્મધર્મ : ૧૩૧ :
પણ ગુરુદેવશ્રીનો જન્મોત્સવ થાય છે’ એવું દ્રશ્ય બતાવવામાં આવ્યું હતું. તે વખતે ઈન્દ્ર અને દેવીઓના રૂપમાં
બાલિકાઓની ભક્તિ વગેરે જોતાં, જાણે કે ગુરુદેવશ્રીનો જન્મોત્સવ ઉજવવા માટે દેવલોકની દેવીઓ જ પોતે
પ્રવચનમંડપમાં ઊતરી પડી હોય–એવું લાગતું હતું. ૩ થી ૪ ના વ્યાખ્યાન પછી જિનેન્દ્રદેવની આરતીનું ઘી
બોલાયું. જેમાં સીમંધરપ્રભુની આરતીનું ઘી ૨૦૧ મણ થયું. એક વખત પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગ સિવાય, આટલું
ઘી કદી થયું નથી. આરતીનું ઘી બોલાયા પછી ભક્તિ થઈ. જિનમંદિરમાં સમાવેશ થઈ શકતો નહિ હોવાથી
આજની ભક્તિ શ્રી પ્રવચન મંડપમાં થઈ હતી. આજે ભક્તિ વખતે ત્રણ સ્તવનો ગવાયાં હતા. ભક્તિ સાથે
સાથે ઇંદ્રવેશમાં ભાઈઓ દાંડિયા–રાસ ખેલતા હતા.
સાંજે આરતી થઈ. આરતી પછી, આજે રાત્રે પૂ. ગુરુદેવશ્રીની ભક્તિભાવના કરવા માટે ૮।। થી ૯।।
સુધી એક ખાસ સભા કરવામાં આવી હતી. રાત પડતાં સ્વાધ્યાયમંદિર ૫૯ દીપકોથી શોભતું હતું. તેમ જ
મંડળનું મુખ્ય ઘર પણ ૫૯ દીપકોથી ઝગમગતું હતું. ૮।। વાગે સભાની શરૂઆતમાં ભાઈશ્રી હિંમતલાલભાઈએ
મંગળાચરણ કરીને, વૈરાગ્ય અને ભક્તિથી ભરપૂર બે કાવ્યો ગાયા હતા. ત્યાર પછી પૂ. બેનશ્રીબેને બે ભક્તિ
સ્તવનો ગવડાવ્યા હતા અને ભાઈઓએ રાસ લીધો હતો.
એ રીતે વૈશાખ સુદ બીજનો દિવસ બહુ જ ઉત્સાહથી ઉજવાયો હતો.
વૈશાખ સુદ ત્રીજના દિવસે સવારના વ્યાખ્યાન બાદ જ્ઞાન–પૂજન રાખવામાં આવ્યું હતું. એ સિવાયનો
બીજા બધો કાર્યક્રમ પહેલા દિવસ મુજબ જ ઉત્સાહથી ઉજવાયો હતો.
આ રીતે, પરમ ઉપકારી પૂજ્ય સદ્ગુરુદેવશ્રીની જન્મજયંતિનો કલ્યાણકારી દિવસ ખાસ મહોત્સવપૂર્વક
ઉજવવાની શરૂઆત થઈ છે, આ વર્ષે ઘણા ઉત્સાહપૂર્વક એ મંગળ ઉત્સવ ઉજવાયો હતો. આથી પણ વિશેષ
વિશેષ ઉત્સાહપૂર્વક પૂ. ગુરુદેવશ્રીની સેંકડો વર્ષગાંઠ ઉજવાઓ... ભરતના ભવ્ય જીવોનો ઉદ્ધાર કરનાર ગુરુદેવ
ચિરંજીવ રહો... અમર રહો... જયવંત વર્તો... નમસ્કાર હો તે મંગલસ્વરૂપ મહાત્માને!
[શ્રીમાન રામજીભાઈ માણેકચંદ દોશીના ભાષણનો સાર]
આજનો દિવસ પરમ માંગળિક છે. આજે પરમપૂજ્ય સદ્ગુરુદેવશ્રીને ૫૮ મું વર્ષ પૂરું થઈને ૫૯ મું વર્ષ
બેસે છે. તેઓશ્રી જૈનધર્મનો પરમ સત્ય ઉપદેશ સતતપણે આપી રહ્યા છે અને અનેક અનેક જીવો એક અથવા
બીજી રીતે તેનો લાભ લઈ રહ્યા છે. પૂ. ગુરુદેવશ્રી દ્વારા જૈનધર્મની મહાન પ્રભાવના થઈ છે અને મુમુક્ષુ જીવોને
આત્મકલ્યાણના સાચા માર્ગનો લાભ મળી રહ્યો છે.
પૂ. ગુરુદેવશ્રીના પ્રતાપે અત્યારે મહાન ધર્મકાળ વર્તી રહ્યો છે. ભૂતકાળ તરફ નજર લંબાવતાં આવી
ધર્મપ્રભાવના આ દેશમાં ઘણા કાળમાં દેખાતી નથી. આ સૌરાષ્ટ્ર દેશમાં તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાનનું
સમોસરણ હતું તે કાળ બાદ કરીને જોતાં, ત્યાર પછી એવો કોઈ કાળ જોવામાં આવતો નથી કે જ્યારે સૌરાષ્ટ્ર
દેશમાં વીતરાગધર્મનો આવો ઉપદેશ અવિરતપણે ઘણા વર્ષો સુધી હજારો જીવોને મળ્યો હોય. આજે ગુરુદેવશ્રી
એકધારાએ પરમ સત્ય ઉપદેશ આપી રહ્યા છે અને આપણે બધા તે ઉપદેશનો લાભ લઈએ છીએ તે આપણા
પરમ ભાગ્યની નિશાની છે.
કેવળજ્ઞાનનું સ્વરૂપ શું અને પાત્ર જીવો તે કેવી રીતે પામી શકે તેનું રહસ્ય અત્યારે જ પૂ. ગુરુદેવશ્રીએ
આપણને વ્યાખ્યાનમાં સમજાવ્યું છે. જેમ પૂ. ગુરુદેવશ્રીએ ઠેઠ કેવળજ્ઞાન પામવા સુધીનો ઉપાય આપણને
સમજાવ્યો તેમ કેવળજ્ઞાન પામતાં સુધી પણ પૂજ્ય ગુરુદેવશ્રી આપણને સાથે ને સાથે રાખે–તેઓશ્રીની સાથે
રહીને આપણે પણ કેવળજ્ઞાન પામીએ–એવી આપણી ભાવના છે.
ઘણા લાંબા કાળથી આ દેશમાં જૈનધર્મના નામે અજૈન વાતો અને અજૈન ઉપદેશ ચાલી રહ્યો છે અને
જૈનધર્મના બહાનાં હેઠળ અજ્ઞાન અંધકાર છવાઈ રહ્યો છે;–એવા આ વિષમકાળમાં પરમ પૂજ્ય સદ્ગુરુદેવે
સમ્યગ્જ્ઞાન જ્યોતિ આગળ ધરીને લોકોને ઊંધા માર્ગથી થંભાવીને, જૈનધર્મનું ખરૂં સ્વરૂપ શું છે તે સમજાવ્યું છે,
અને સમજાવી રહ્યા છે. ‘ પુણ્યથી ધર્મ થાય, જડ શરીરની ક્રિયાથી ધર્મ થાય ’– એવા એવા જૈનધર્મના નામે
ચાલતા પોકળ ઉપદેશનું મિથ્યાપણું તેઓશ્રીએ પ્રગટપણે બતાવ્યું છે. દિન પ્રતિદિન ગુરુદેવશ્રીના ઉપદેશનો