Atmadharma magazine - Ank 057
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 17

background image
: અષાઢ : ૨૪૭૪ : આત્મધર્મ : ૧૫૫ :
વીતરાગભાવનો કર્તા છું, ઈચ્છા કે ભાષાનો હું કર્તા નથી, ને તેઓ મારું કર્મ નથી.
સત્ય બોલાય તે શબ્દોનો હું કર્તા છું–એમ જે જીવ માને તે જીવ મોટા જૂઠ્ઠા બોલો છે, કેમકે શરીર, વાણી
વગેરે પદાર્થો પોતાનાં નથી ને પોતે તેનો કર્તા નથી, છતાં હું તે પદાર્થોનો કર્તા છું–એમ તે અસત્ય માને છે. અને
એ જ રીતે જગતના અનંત પરદ્રવ્યોને તે પોતાના માને છે તેથી તેને મિથ્યાત્વરૂપ મહાન અસત્યનું સેવન છે.
અહીં આચાર્યદેવ કહે છે કે મુનિવરોએ મૌન રહેવું. તેનો સાચો અર્થ એ છે કે મુનિઓએ વાણી તરફનું
લક્ષ છોડીને આત્મામાં એકાગ્ર રહેવું. વાણીને રોકવાની ક્રિયા આત્માની નથી, પણ આત્મા જ્યારે બોલવાના
વિકલ્પને તોડીને વીતરાગભાવે આત્માના અનુભવમાં લીન થાય ત્યારે બહારમાં વાણી બોલાતી ન હોય–એવું
પરમાણુઓનું સ્વતંત્ર પરિણમન હોય છે. “મૌન રહેવું” એ તો ‘ઘીનો ઘડો’ કહેવાની જેમ ઉપચારકથન છે.
ખરેખર ભાષા કરવી કે ભાષાને અટકાવવી તે ચેતનને આધીન નથી. ધર્મોપદેશ કરું, સ્વાધ્યાય કરું એવા
પ્રકારનો શુભવિકલ્પ મુનિને થાય અને પરમ સત્યઉપદેશ નીકળે પણ ખરો, પરંતુ તે વખતે સમ્યક્શ્રદ્ધા–
જ્ઞાનપૂર્વક અશુભરાગને છેદીને જેટલો વીતરાગભાવ છે તે જ ધર્મ છે, જે શુભરાગ છે તેને મુનિ ધર્મ માનતા
નથી, ને તે રાગને આદરણીય માનતા નથી, તેથી તેમને ઉત્તમસત્યધર્મ છે. પણ જો રાગને આદરણીય માને તો
ત્યાં તો સમ્યગ્દર્શન પણ હોતું નથી, ઉત્તમસત્યધર્મ તો સમ્યક્ ચારિત્રનો ભેદ છે તે તો હોય જ ક્યાંથી?
મારા શુભરાગથી કે વાણીથી મને કે બીજાને લાભ થાય અગર તો હું નિમિત્ત થઈને બીજાને સમજાવી
દઉં–એવો જેનો અભિપ્રાય છે તે જીવ મહા અસત્ય અભિપ્રાયનું સેવન કરનાર મિથ્યાદ્રષ્ટિ છે. શુભરાગ કે
વ્યવહાર મહાવ્રતનું પાલન કરતાં કરતાં ધર્મ થાય એવો ઉપદેશ આપે અગર તો નિમિત્તથી બીજાનું કાર્ય થાય,
પુણ્યથી ધર્મ થાય–એવા એવા પ્રકારનો ઉપદેશ આપે તે જીવ અસત્ય વકતા છે અને મિથ્યાદ્રષ્ટિ છે. એવા
જીવોની તો વાત નથી. અહીં તો, સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન પૂર્વક સમ્યક્ચારિત્રદશા પ્રગટ કરીને જે મુનિ થયા
છે અને કેવળજ્ઞાન પ્રગટ કરવાની તૈયારીવાળા છે એવા મુનિવરોને સંબોધન કરીને આચાર્યદેવ કહે છે કે––અહો
મુનિવરો! તમારે સ્વરૂપસ્થિરતામાં લીન રહીને સંપૂર્ણ વીતરાગતા જ પ્રગટ કરવી યોગ્ય છે. મુનિઓને કોઈ
પ્રકારનો શુભરાગ પણ કરવો ભલો નથી. સત્ય વાણી તરફની ઈચ્છા તોડીને પરમ સત્ય આત્મસ્વભાવમાં સ્થિર
રહીને કેવળજ્ઞાન પ્રગટ કરવું યોગ્ય છે.
શ્રી આચાર્યદેવ ઉત્તમ સત્ય ધર્મનો મહિમા બતાવે છે–
सति सन्ति व्रतान्येव सूनृते वचसि स्थिते।
भवत्याराधिता सद्भिः जगत्पूज्या च भारती।।
९२।।
જે જીવ સત્ય વચન બોલનાર છે તેને સમસ્ત વ્રત વિદ્યમાન રહે છે અર્થાત્ સત્ય વ્રતનું પાલન કરવાથી
સમસ્ત વ્રતોનું પાલન થાય છે અને તે સત્યવાદી પુરુષ જગત્ પૂજ્ય એવી સરસ્વતીને પણ સિદ્ધ કરી લે છે.
શાસ્ત્રોમાં એવી કથન શૈલી હોય છે કે, જ્યારે જેનું વર્ણન કરવું હોય તેને મુખ્ય કરે છે અને બીજાને ગૌણ
કરે છે. અહીં સત્ય વ્રતનું વર્ણન કરવું છે તેથી તેને મુખ્ય કરીને કહ્યું કે એક સત્ય વ્રતના પાલનમાં બધા વ્રતો
સમાઈ જાય છે. જ્યારે બ્રહ્મચર્યનું વર્ણન કરવું હોય ત્યારે એમ કહેવાય કે બ્રહ્મચર્યવ્રતમાં સર્વ વ્રતો સમાઈ જાય
છે, તેમજ જ્યારે અહિંસાનું વર્ણન ચાલતું હોય ત્યારે એમ કહે કે–અહિંસાના પાલનમાં જ સર્વે વ્રતો આવી જાય
છે. અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય ઈત્યાદિ ભેદો વ્યવહારધર્મની અપેક્ષાથી છે. પરમાર્થે તો એક વીતરાગભાવમાં જ
અહિંસા, સત્ય વગેરે બધા ધર્મો આવી જાય છે.
સત્ય–અસત્ય વચન તરફના શુભ કે અશુભ વિકલ્પ તે આત્માનું સ્વરૂપ નથી. સત્ય–અસત્ય વચનો તેમ
જ તે તરફનો શુભ–અશુભરાગ તે બનેથી જુદો રહીને આત્મા તેનો જ્ઞાતા છે; એવા આત્મસ્વભાવના આશ્રય
વગર યથાર્થ સત્યવ્રત હોઈ શકે નહિ. શુદ્ધ આત્મસ્વભાવની શ્રદ્ધા પછી ચારિત્રદશામાં આગળ વધતાં
સત્યવ્રતાદિના જે વિકલ્પ આવે છે તેને ઉપચારથી–વ્યવહારથી નિમિત્તથી ઉત્તમ સત્ય ધર્મ કહેવાય છે. પરમાર્થથી
તો સત્ય વચન તરફનો રાગ પણ છોડીને જે વીતરાગ ભાવ થયો તે જ ઉત્તમ સત્ય ધર્મ છે. તે વીતરાગભાવ જ
ઉત્તમ અહિંસા છે, તે વીતરાગભાવ જ બ્રહ્મચર્ય ઈત્યાદિ છે. ને તે વીતરાગભાવ જ મોક્ષમાર્ગ છે. એવો
વીતરાગભાવ મુનિવરોને હોય છે. જે શુભરાગ થાય છે તે પણ ખરેખર અસત્ય છે, હિંસા છે. સમ્યક્શ્રદ્ધાપૂર્વક
વીતરાગભાવરૂપ ઉત્તમ સત્ય ધર્મમાં બીજા બધા ધર્મો આવી જાય છે.