Atmadharma magazine - Ank 057
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 17

background image
: અષાઢ : ૨૪૭૪ : આત્મધર્મ : ૧૫૯ :
શ્રીમદ્ રાજચંદ્રજી ‘અપૂર્વ અવસર’ માં કહે છે કે: –
સંયમના હેતુથી યોગ પ્રવર્તના, સ્વરૂપ લક્ષે જિન આજ્ઞા આધીન જો;
તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતિ સ્થિતિમાં, અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જો.
આમાં તેઓશ્રી એમ ભાવના કરે છે કે જ્યાં સુધી વીતરાગભાવે સ્વરૂપમાં ન ઠરી શકાય ત્યાં સુધી,
સ્વરૂપના લક્ષે અને જિન આજ્ઞા અનુસાર સંયમના હેતુએ યોગનું પ્રવર્તન હો. અહીં જિન આજ્ઞા તરફનું લક્ષ છે
તે પણ શુભભાવ છે. તેની ભાવના નથી, પણ પર તરફનો તે વિકલ્પ પણ ક્ષણે ક્ષણે ઘટતો જાય, અને ક્રમે ક્રમે
તેનો અભાવ થઈને સંપૂર્ણ વીતરાગભાવે આત્મસ્વરૂપમાં લીનતા પ્રગટ થઈને કેવળજ્ઞાન થાય–તેવી ભાવના છે.
એવા વીતરાગભાવની પહેલાંં ઓળખાણ કરવી જોઈએ. વીતરાગભાવ તે જ ઉત્તમધર્મ છે.
હવે આચાર્યદેવ સંયમની દુર્લભતા બતાવીને તેની પ્રશંસા કરે છે––
(શાર્દૂલ વિક્રીડિત)
मानुष्यं किल दुर्लभं भवभृतस्तत्रापि जात्यादयस्तेष्वेवाप्तवचःश्रुतिःस्थितिरतस्तस्याश्च द्रग्बोधने।
प्राप्ते ते अपि निर्मले अपि परं स्यातां न येनोज्झिते स्वर्मोक्षैकफलप्रदे स च कथं न श्लाध्यते संयमः।।
७।।
આ સંસારરૂપી ગહન વનમાં ભ્રમણ કરતાં જીવને મનુષ્યપણું ઘણું દુર્લભ છે. મનુષ્યપણામાં પણ
ઉત્તમજાતિ વગેરે મળવું કઠણ છે. ઉત્તમજાતિ મળે તો પણ શ્રી અરિહંત ભગવાન વગેરે આપ્ત પુરુષનાં વચનો
સાંભળવાની પ્રાપ્તિ થવી મહાદુર્લભ છે. અહીં આચાર્યદેવ દેશનાલબ્ધિનો નિયમ મૂકે છે. જે જીવને જ્ઞાની પુરુષ
પાસેથી શુદ્ધ આત્મતત્ત્વના ઉપદેશની પ્રાપ્તિ થઈ નથી તે જીવ ધર્મ પામી શકતો નથી. એથી કાંઈ જીવની
પરાધીનતા થતી નથી. જે જીવને શુદ્ધાત્મસ્વભાવ સમજવાની લાયકાત હોય તે જીવને જ્ઞાની પાસેથી શુદ્ધાત્માનો
ઉપદેશ મળે જ. રુચિ, બહુમાન અને વિનયપૂર્વક જ્ઞાની પુરુષના ઉપદેશને સાક્ષાત્ સાંભળ્‌યા વગર, માત્ર શાસ્ત્રો
વાંચીને કે અજ્ઞાનીનો ઉપદેશ સાંભળીને કદી કોઈ જીવ ધર્મ પામી શકે નહિ. જે જીવ ધર્મ પામે તેને કાં તો
વર્તમાન સાક્ષાત્ જ્ઞાનીની વાણીનો યોગ હોય, અને કદાચ તેવો યોગ ન હોય તો, પૂર્વે જ્ઞાનીનો જે સમાગમ કર્યો
હોય તેના સંસ્કારો વર્તમાનમાં યાદ આવ્યા હોય. જીવને જ્ઞાનીનો ઉપદેશ તો અનંતવાર મળ્‌યો છે, પણ
જિજ્ઞાસાપૂર્વક કદી પણ સત્ સાંભળ્‌યું નથી, તેથી પરમાર્થે તેણે સત્નું શ્રવણ કદી કર્યું જ નથી. જિજ્ઞાસાપૂર્વક
સંતપુરુષની વાણીનું શ્રવણ મહા દુર્લભ છે. આટલું હોય ત્યાં સુધી પણ ધર્મ નથી, આટલું હોય ત્યારે
વ્યવહારશુદ્ધિ થઈ કહેવાય એટલે કે તેનામાં ધર્મી થવા માટેની પાત્રતા પ્રગટી કહેવાય. જેનામાં આટલું ન હોય તે
જીવ તો ધર્મ પામી શકતો જ નથી. કુદેવ–કુગુરુ–કુશાસ્ત્રને જેઓ માને છે તેઓ તો તીવ્ર મિથ્યાદ્રષ્ટિ છે. સાચા
દેવ–ગુરુ–શાસ્ત્રનું સ્વરૂપ ઓળખે અને કુદેવાદિની માન્યતા છોડે ત્યારે ગૃહીતમિથ્યાત્વ ટળે છે.
જેને જ્ઞાની પાસેથી સાચા ધર્મનું શ્રવણ મહાભાગ્યથી પ્રાપ્ત થયું છે તેને તેમાં દ્દઢ સ્થિતિ થવી દુર્લભ છે.
જ્ઞાનમાં યથાર્થ નિર્ણય કરવો તે મહા દુર્લભ છે. સત્ સંભાળી લે પણ નિર્ણય ન કરે તો યથાર્થ ફળ આવે નહિ.
આટલે સુધી આવ્યા પછી હવે અપૂર્વ આત્મધર્મ કેમ થાય તેની વાત કરે છે.
અનંતકાળે દુર્લભ મનુષ્યપણું પામીને, સત્ધર્મનું શ્રવણ પામીને અને જ્ઞાનમાં તેનો નિર્ણય કરીને
શુદ્ધાત્માનો અનુભવ કરવો તે અપૂર્વ છે. અનંતકાળમાં પૂર્વે કદી નહિ કરેલ એવું નિશ્ચય સમ્યગ્દર્શન અને
સમ્યગ્જ્ઞાન પ્રગટ કરવું તે મહાન પુરુષાર્થ છે. અહીંથી અપૂર્વ ધર્મની શરૂઆત છે. જેણે એક સમયમાત્ર પણ
સમ્યગ્દર્શનજ્ઞાનની પ્રાપ્તિ કરી છે તે જીવ અલ્પકાળે અવશ્ય મુક્તિ પામે છે. એવા પવિત્ર સમ્યગ્દર્શન અને
સમ્યગ્જ્ઞાનની પ્રાપ્તિ પરમ પુરુષાર્થ વડે કરીને પછી પણ વીતરાગી સંયમની પ્રાપ્તિ સૌથી દુર્લભ છે.
અહીં આચાર્યદેવ ઉત્કૃષ્ટ વાત બતાવવા માંગે છે. મોક્ષનું સીધું કારણ વીતરાગી ચારિત્ર છે.
સમ્યગ્દર્શનજ્ઞાન હોવા છતાં જ્યાં સુધી વીતરાગી સંયમદશા પ્રગટ ન કરે ત્યાં સુધી કેવળજ્ઞાન થતું નથી. માટે
વીતરાગી સંયમધર્મ પરમ પ્રશંસનીક છે. સમ્યગ્દર્શન–જ્ઞાનને ગૌણપણે મોક્ષમાર્ગ ગણવામાં આવે છે, સાક્ષાત્
મોક્ષમાર્ગ તો સમ્યગ્દર્શન–જ્ઞાનપૂર્વકની ચારિત્રદશામાં છે. પ્રવચનસારની ૭ મી ગાથામાં કહ્યું છે કે
चारित्तं खलु
धम्मो એટલે કે સમ્યગ્દર્શનપૂર્વક ચારિત્ર તે ધર્મ છે. ચારિત્રદશા વગર તે ભવે તો મોક્ષ હોય જ નહિ.
આચાર્યદેવને પોતાને ચારિત્રદશા વર્તે છે, ઘણો તો વીતરાગભાવ પ્રગટ્યો છે, પણ ઉત્કૃષ્ટ વીતરાગી સંયમ