Atmadharma magazine - Ank 061
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 21

background image
નિકટભવ્ય અને અભવ્ય આત્મધર્મ : ૧૫ :
જ્ઞાન નહિ હોવાથી તેઓ પણ દુઃખી છે, છતાં સુખી કહેવાની ખોટી રૂઢિ છે.
ઇંદ્રિય વિષયોમાં સુખ કહેવાની જે આ ખોટી રૂઢિ છે તેની ગુલાંટ મારીને જોઈએ તો, મહામુનિ ધર્માત્મા
આત્મસ્વરૂપની લીનતામાં સ્થિત હોય અને બહારમાં પરિષહ આવે–સિંહ આવીને શરીરને ખાઈ જતો હોય–
તેનાથી મુનિઓ બહુ દુઃખી છે એમ કહેવું તે અપારમાર્થિક રૂઢિ છે, કેમ કે ખરેખર મુનિને દુઃખ નથી પણ તેઓ
તો અંતર સ્વભાવની લીનતાથી અનાકુળ આનંદરૂપ સુખને જ ભોગવે છે. આથી એમ બતાવ્યું કે ઈન્દ્રિય
વિષયોની અનુકૂળતામાં સુખ નથી, પણ જ્ઞાન સ્વભાવે પરિણમવું તે સુખ છે.
‘ભગવાનને અનેક પ્રકારના પરિષહો પડયા ને બહુ દુઃખ સહન કરવું પડયું અથવા મુનિ–સંતો બહુ દુઃખ
સેવે છે’ એમ કહેવું તે બધું કથન અપરમાર્થ છે. વાસ્તવિક નથી. બહારના પ્રતિકૂળ સંયોગ દેખીને જીવને દુઃખી
કહેવો ને અનુકૂળ સંયોગ દેખીને સુખી કહેવો–એ તદ્ન ખોટું છે. અહીં આચાર્યદેવ એમ સમજાવે છે કે જેમ કેવળી
ભગવાન પોતે જ સંપૂર્ણ જ્ઞાનમય થઈ ગયા છે તેથી તેઓ સંપૂર્ણ સુખી છે, તેમ બધાય જીવોને પોતાનો
જ્ઞાનસ્વભાવ જ સુખનું કારણ છે, વિષયોનું –સંયોગોનું સુખ કોઈ જીવને નથી. પ્રતિકૂળ સંયોગોનું મુનિને દુઃખ
નથી, મુનિઓ તો પોતાના સ્વભાવના સહજ આનંદરસમાં તરબોળ છે, તેઓ સંયોગ તરફની આકુળતાને
અનુભવતા નથી પણ ચૈતન્યમૂર્તિ સ્વરૂપમાં પરિણમીને જે અનાકૂળ આનંદના ઝરણાં ટપકે છે તેને સંત–મુનિ
અનુભવે છે. ધર્મ તે દુઃખદાયક નથી પણ સુખદાયક છે, વર્તમાનમાં તે સુખરૂપ છે અને તેના ફળમાં પૂર્ણાનંદદશા
પ્રગટે છે. આ સાંભળીને, સાચું સુખ આત્માના જ્ઞાનસ્વભાવમાં છે. ઈન્દ્રિયાધીન જ્ઞાનમાં કે બહારના વિષયોમાં
આત્માનું સુખ નથી–એમ જે જીવ તુરત સમજી જાય છે તેને ઈંદ્રિયોના વિષયોમાં સુખબુદ્ધિ ટળી જાય છે અને
જ્ઞાનસ્વભાવની રુચિ થાય છે, તે જીવ નિકટ ભવ્ય છે–એમ શ્રી આચાર્યદેવ કહે છે.
ઘાણીમાં પીલાઈને મુનિના છોતાં ઊડી ગયાં ને ઘણું દુઃખ પડયું–એમ રૂઢિથી બોલાય છે પણ તેમ
વસ્તુસ્વરૂપ નથી. આત્મા તો ચૈતન્યમય અરૂપી છે. ઘાણીમાં કોણ પીલાય? શરીરનાં છોતાં ઊડયાં તેમાં
આત્માને શું? જેમ નાળિયેરમાંથી ગોટલો છૂટો પડી ગયો હોય તેમ ધર્માત્મા મુનિ તો દેહથી છૂટા ચૈતન્ય
ગોળાનો સહજાનંદ અનુભવી રહ્યા છે, ઘાણીના સંયોગનું જરા પણ દુઃખ તેમને નથી.
આત્માનો સંપૂર્ણ દ્રષ્ટા જ્ઞાતા સ્વભાવ છે. દ્રષ્ટા–જ્ઞાતા સ્વભાવને જરા પણ પરનો કર્તા માને કે વિકારપણે
માને તો દ્રષ્ટા–જ્ઞાતા સ્વભાવનો અભાવ થાય છે ને આકુળતાની ઉત્પત્તિ થાય છે, તે જ દુઃખ છે. હું તો દ્રષ્ટા–
જ્ઞાતા જ છું, રાગનો અંશ પણ મારો નથી, હું કોઈ પરનો કર્તા નથી–એમ પોતાના સ્વભાવનું ભાન કરીને,
રાગ–દ્વેષરહિત થઈને જ્ઞાનમાં જ્ઞાન સ્થિર થયું ત્યાં જ્ઞાનસ્વભાવ પ્રગટયો. જેટલે અંશે રાગથી જુદું પડીને
જ્ઞાનસ્વભાવમાં જ્ઞાન પરિણમે છે તેટલે અંશે સ્વભાવનો ઘાત થતો નથી, તેથી અનાકુળતાની ઉત્પત્તિ છે ને તે
જ સુખ છે. કેવળી ભગવાનને પૂરેપૂરું જ્ઞાનમય પરિણમન છે અને સ્વભાવનો પ્રતિઘાત જરાપણ નથી તેથી
તેઓ કેવળજ્ઞાનવડે પૂરેપૂરા સુખી છે.
ભગવાનને સમવસરણના કારણે સુખ નથી, સુંદર શરીરના કારણે સુખ નથી, ઈન્દ્રો પૂજે છે તેનું સુખ
નથી, પરંતુ સ્વભાવ–પ્રતિઘાતનો અભાવ છે એટલે કે જ્ઞાન પૂરેપૂરું પરિણમે છે તેથી જ તેઓને પારમાર્થિક સુખ
છે. તે સુખનું લક્ષણ અનાકુળતા છે. સારો સંયોગ કાંઈ સુખનું લક્ષણ નથી, ને પ્રતિકૂળ સંયોગ કાંઈ દુઃખનું
લક્ષણ નથી; પરંતુ અનાકુળતા તે સુખનું લક્ષણ છે ને આકુળતા તે દુઃખનું લક્ષણ છે જ્ઞાનસ્વભાવ સુખમય છે.
જ્ઞાનસ્વભાવે પરિણમન તે સુખ છે, અને જ્ઞાન પરિણમનમાં જેટલી અધૂરાશ હોય તેટલું સુખ અધૂરું છે. ઘણા
પૈસા હોય તો સુખી–એમ નથી, પૈસા તરફની આકુળતા તે દુઃખ જ છે.
કેવળી ભગવાન સંપૂર્ણ જ્ઞાનરૂપે જ થયા છે. તેથી તેમને જ્ઞાનસ્વભાવનો ઘાત નથી અને આકુળતા જરા
પણ નથી, તેથી તેઓ પૂરેપૂરા સુખી છે, તેમને દુઃખ જરાય નથી–એમ સહર્ષ શ્રદ્ધવા યોગ્ય છે. પણ ભગવાનને
રોગ થયો ને દવા કરાવી અને ખોરાક ખાધો એમ કદી પણ માનવા યોગ્ય નથી. ભગવાનને કેવળજ્ઞાનનું પૂરેપૂરું
સુખ છે, તેઓ પોતે પરમ આનંદ સ્વરૂપે થઈ ગયા છે, તેમને રોગ નથી, દવા નથી, અશન નથી–આમ બરાબર
માનવા યોગ્ય છે.
હવે શ્રી કુંદકુંદાચાર્યદેવ સત્નો જોરદાર ઢંઢેરો જાહેર કરે છે: ભગવાનને સ્વભાવથી જ પારમાર્થિક સુખનો
અનુભવ છે–આવું જેઓ શ્રદ્ધાન્ કરતા નથી તેઓ મોક્ષસુખરૂપી આત્માના સુધાપાનથી દૂરવર્તી અભવ્યો છે.
કેવળી ભગવાન તો આત્માના મોક્ષરૂપી અનાકુળ પૂર્ણ સુખનું
[અનુસંધાન ટાઈટલ પાન ૪]