Atmadharma magazine - Ank 063-064
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 33

background image
: પોષ–માહ : ૨૪૭૫ : આત્મધર્મ : ૭૯ :
શરીરાદિથી જુદો ને રાગાદિ વિકારથી પણ જુદો શુદ્ધ ચૈતન્યમય પરિપૂર્ણ આત્મા છે તેને જે જાણે–માને–
અનુભવે તે આસ્તિકયવાદી છે, તે જ સાચો જૈન છે. જેને સ્વરૂપની અસ્તિનું જ્ઞાન હોય તેને, સ્વરૂપમાં શેની
શેની નાસ્તિ છે તેનું પણ જ્ઞાન હોય જ, અર્થાત્ જેને સ્વપદાર્થનું જ્ઞાન તેને પર પદાર્થોનું જ્ઞાન પણ હોય જ.
આ રીતે, જગતના દરેક પદાર્થો સ્વતંત્ર, સ્વયંસિદ્ધ, કોઈના બનાવ્યા વગરના અને પરિપૂર્ણ છે; જગતમાં
અનંત આત્માઓ છે, તેમાં દરેક સ્વતંત્ર છે. કોઈપણ આત્મા પોતાના સ્વરૂપની પૂર્ણતાને ઓળખીને, તેમાં
એકાગ્રતાવડે પોતાની ચૈતન્યશક્તિનો વિકાસ કરીને પોતે જ ઈશ્વર થઈ શકે છે. –આવું જાણનારા જ આસ્તિક
છે, બીજા ખરેખર નાસ્તિક છે.
પ્રશ્ન:– જો ઈશ્વર આ જગતના કર્તા નથી તો આ જગતની બધી વ્યવસ્થા કઈ રીતે ચાલે છે?
ઉત્તર:– આ જગતમાં જેટલા પદાર્થો છે તે પદાર્થો પોતે જ પોતાના સ્વભાવથી જ વ્યવસ્થિતપણે
પરિણમ્યા કરે છે, કદી કોઈ પદાર્થ અવ્યવસ્થિત પરિણમતો જ નથી. કદી કોઈ પદાર્થ પોતાના સ્વરૂપને છોડતો
નથી. જેમ ઘઉંને વાવવાથી તેમાંથી ઘઉં જ ઊગે છે, પણ ઘઉંમાંથી બાજરો ઊગતો નથી. તેમ જીવ સદા જીવરૂપે
રહીને જ પરિણમે છે, પણ જીવ પરિણમીને કદી જડ થઈ જતો નથી. પદાર્થો પોતે પોતાના સ્વભાવથી જ
પોતાના મૂળસ્વરૂપમાં ટકી રહે છે. તેવી જ રીતે જડ પદાર્થો પલટીને કદી જીવરૂપે થઈ જતા નથી. જીવ પોતાનું
જીવપણું કદી છોડતો નથી ને જડ પોતાનું જડપણું કદી છોડતું નથી.
બધા પદાર્થોમાં ઉત્પાદ્વ્યયધ્રુવત્વ નામની શક્તિ છે, તેથી બધા પદાર્થો પોતાના સ્વરૂપથી જ નવી નવી
હાલતરૂપે ઊપજે છે, જુની જુની હાલતોનો નાશ થાય છે અને પદાર્થ પોતાના મૂળ સ્વરૂપે સદાય ટકી રહે છે.
આવી રીતે દરેક પદાર્થોમાં વ્યવસ્થિત ફેરફાર (–ઉત્પાદ્–વ્યય) થયા જ કરે છે; કોઈ ઈશ્વર તે ફેરફારના કર્તા
નથી પણ પદાર્થો પોતાના સ્વભાવથી જ તેવા છે. ઉત્પાદ્ સ્વભાવ વસ્તુમાં કાંઈક નવા કાર્યની ઉત્પતિ કરે છે,
વ્યય સ્વભાવ વસ્તુના જુના કાર્યનો નાશ કરે છે અને ધ્રુવ સ્વભાવ વસ્તુને તેનાં મૂળસ્વરૂપમાં સદા ટકાવી રાખે
છે. બધી વસ્તુઓમાં સ્વભાવથી જ આ પ્રમાણે થયા કરે છે. વસ્તુસ્વભાવ પોતે જ પોતાનો ઈશ્વર છે. આવા
યથાર્થ વસ્તુસ્વભાવને જાણીને, પરના કર્તાપણાનો અભિપ્રાય છોડવો ને જ્ઞાતાપણે રહેવું તે જ ધર્મ છે, તેમાં જ
સુખ–શાંતિ છે, તે જ પરમાત્મા થવાનો ઉપાય છે.
આત્માનું જ્ઞાન અને કર્મનું જ્ઞાન
આત્માનો આશ્રય છોડીને જે જ્ઞાન કર્મને જાણવામાં રોકાય તે અચેતન છે. કર્મના લક્ષે જે કર્મને
જાણવાનો ઉઘાડ થયો તે આત્માનો સ્વભાવ નથી. કર્મ મને નડે છે એમ જેણે માન્યું છે તેનું કર્મને જાણનારું જ્ઞાન
અચેતન છે.
અજ્ઞાનીઓ કહે છે કે પહેલાં આત્માનું નહિ પણ કર્મનું જ્ઞાન કરવું જોઈએ. અહીં આચાર્ય ભગવાન કહે
છે કે કર્મના જ્ઞાન ઉપર ધર્મનું માપ નથી. કર્મને જાણવાથી ધર્મ થતો નથી. મંદ કષાયથી કર્મના લક્ષે જે જ્ઞાન
થાય તે પણ મિથ્યાશ્રુતજ્ઞાન છે, તેથી અચેતન છે. કર્મને તથા તેના કહેનારા કેવળી ભગવાન, ગુરુ તથા શાસ્ત્રને
માને ત્યાં સુધી પણ મિથ્યાશ્રુત છે, કેમ કે તે જ્ઞાન પરના આશ્રયે થાય છે; તે જ્ઞાને સ્વભાવમાં એકતા નથી કરી
પણ રાગમાં ને પરમાં એકતા કરી છે; સ્વભાવમાં એકતા નથી પણ વિકારમાં એકતા છે તેથી ક્રમેક્રમે વિકાર
વધીને તે જ્ઞાન અત્યંત હીણું થઈને નિગોદદશા થશે. પણ તે જ્ઞાન આત્મામાં એકતા કરીને કેવળજ્ઞાન તરફ નહિ
ઢળે. પૂર્ણ ચૈતન્ય સ્વભાવનો આશ્રય કરીને જે શ્રુતજ્ઞાન થાય છે તે આત્મામાં એકતા કરીને, ક્રમે ક્રમે વધીને
કેવળજ્ઞાન પ્રગટ કરે છે.
આઠે પ્રકારના કર્મો અચેતન છે, ને તે અચેતનના લક્ષે થતું જ્ઞાન પણ અચેતન છે. આત્મા પરિપૂર્ણ
ચૈતન્ય સ્વરૂપ છે, તેના દ્રવ્ય–ગુણ તો ત્રિકાળ એકરૂપ છે, તેમાં કર્મની અપેક્ષા નથી; પણ વર્તમાન પર્યાયમાં એક
સમય પૂરતો વિકાર છે, તેમાં કર્મ નિમિત્તરૂપે છે એટલે વિકારને અને કર્મને એક સમય પૂરતો નિમિત્તનૈમિત્તિક
સંબંધ છે; આમ જાણવું જોઈએ. પરંતુ, જો કર્મનું લક્ષ રાખીને જ એમ જાણે તો સમ્યક્શ્રુતજ્ઞાન થાય નહિ એટલે
કે ધર્મ થાય નહિ. ત્રિકાળી ચૈતન્યસ્વભાવ કર્મથી ને રાગથી ભિન્ન છે, ક્ષણિક પર્યાય જેટલો પણ નથી–એમ
જાણીને તે સ્વભાવ સાથે એકતા કરતાં જે જ્ઞાન થાય તે સમ્યગ્જ્ઞાન છે. તે જ્ઞાન કર્મને જાણતી વખતે પોતાના
જ્ઞાનસ્વભાવ સાથે એકતા રાખીને જાણે છે તેથી તે વખતે પણ તેને શુદ્ધતાની વૃદ્ધિ જ થાય છે. –આનું નામ ધર્મ
છે. એવું સ્વભાવ તરફ વળતું જ્ઞાન જ આ આત્માને મુક્તિનું કારણ છે, તે જ્ઞાનથી જ આ આત્મા પોતે
ભગવાન્–પરમાત્મા થાય છે.
–શ્રી સમયસાર ગા. ૩૯૦ થી ૪૦૪ ઉપરના પ્રવચનોમાંથી.