: ૭૮ : આત્મધર્મ : પોષ–માહ : ૨૪૭૫ :
એટલે ઈશ્વર સંપૂર્ણ સુખી, સંપૂર્ણ જ્ઞાની ને રાગ–દ્વેષ–રહિત છે. આવા સ્વરૂપે ઈશ્વરને ન માનવા તે નાસ્તિકપણું છે.
‘મને ઈશ્વરે બનાવ્યો’ એમ માનનાર નાસ્તિક છે. કેમકે ‘ઈશ્વરે મને બનાવ્યો’ એનો અર્થ એમ થયો કે
‘પહેલાં હું ન હતો’ એટલે કે પહેલાં મારી નાસ્તિ હતી. આમ પોતાની જ હયાતીનો અસ્વીકાર તે નાસ્તિકપણું છે.
આ જગતમાં જેટલા પદાર્થો છે તે બધા ય સ્વભાવથી જ સત્ છે.
પ્રશ્ન:– ઈશ્વર તો સંપૂર્ણ શુદ્ધ વીતરાગ છે, તેથી તેઓ તો પરનું કાંઈ ન કરે, પરંતુ છદ્મસ્થ રાગી જીવો તો
પરનું કાંઈ કરે ને?
ઉત્તર:– રાગી જીવ પણ પરનું કાંઈ કરી શકતો નથી. જેવો એક જીવનો સ્વભાવ તેવો બધાય જીવનો
સ્વભાવ જેવો ઈશ્વરનો સ્વભાવ તેવો બધા ય જીવનો સ્વભાવ; જેમ ઈશ્વર પરનું કાંઈ કરી શકતા નથી પણ જાણે
જ છે તેમ આ વિશ્વના બધાય જીવો પરનું કાંઈ કરી શકતા નથી, પરને તો માત્ર જાણે જ છે. જાણતી વખતે જે
રાગ–દ્વેષાદિ કરે છે તે જીવનો દોષ છે; ખરેખર તો તે રાગને પણ જાણવાનો જીવનો સ્વભાવ છે. આ પ્રમાણે
ઈશ્વરના યથાર્થ સ્વરૂપને ઓળખીને, ઈશ્વરની જેમ પોતાના આત્માને પણ જ્ઞાનસ્વભાવે અને પરના
અકર્તાસ્વભાવે ઓળખે તો જીવને સ્વ–પરનું ભેદજ્ઞાન થાય. અને એ ભેદજ્ઞાનના બળથી રાગ–દ્વેષનો સંપૂર્ણ નાશ
કરીને અને પોતાના જ્ઞાનને સંપૂર્ણ ખીલવીને જીવ પોતે જ ઈશ્વર થાય. આ રીતે, ઈશ્વરની અને આત્માના સ્વરૂપની
યથાર્થ આસ્તિકયતાનું ફળ સાચું ઈશ્વરપણું છે.
જેઓ ઈશ્વરને પરના કર્તા કે રાગી માને છે તેઓ ચોક્કસ પોતાને પણ પરના કર્તા અને રાગી માને છે,
એટલે તેઓ પરના કર્તૃત્વના અહંકારમાં અટકી રહે છે, અને પરના કર્તાપણાના અહંકારથી રહિત પોતાનો માત્ર
જ્ઞાનસ્વભાવ છે તેને માનતા નથી. જ્ઞાનસ્વભાવી આત્માના અસ્તિત્વનો અસ્વીકાર તે પરમાર્થે નાસ્તિકપણું છે.
અને, આ જગતની પર વસ્તુનો બધી સ્વતંત્ર છે, સૌ પોતપોતાથી જ સ્વતંત્રપણે ટકનાર છે, દરેક પદાર્થ
પોતાના સ્વરૂપના સ્વતંત્ર અસ્તિત્વરૂપે ટકીને પોતાનું કામ પોતે જ કરે છે, છતાં તેમના સ્વતંત્ર અસ્તિત્વને ન
માનવું, અને ઈશ્વર તેના કર્તા છે કે હું તેનો કર્તા છું–એમ માનવું તે પણ નાસ્તિકપણું છે.
વસ્તુનો સ્વભાવ જ એવો છે કે એક વસ્તુનું બીજી વસ્તુમાં અકર્તાપણું જ છે. દરેક વસ્તુ પોતાના સ્વરૂપથી
અસ્તિત્વરૂપ છે અને બીજાથી તે નાસ્તિત્વરૂપ છે. એટલે કે દરેક પદાર્થો સંપૂર્ણપણે જુદા જુદા છે. આમ હોવાથી એક
પદાર્થ બીજા પદાર્થનો અકર્તા જ છે. જેમ સર્વજ્ઞ ઈશ્વર પરમાં અકર્તા છે તેમ જગતના બધાય જીવો પરમાં અકર્તા
છે. આવો સ્વતંત્રવાદ જગતના પદાર્થોમાં પ્રવર્તી રહ્યો છે. વિશ્વના બધા પદાર્થોના સ્વતંત્ર અસ્તિત્વને જાણવું તે જ
આસ્તિકપણું છે.
પ્રશ્ન:– બધા થઈને એક જ આત્મા છે અર્થાત્ બધા આત્મા એક ઈશ્વરના જ અંશ છે–એમ માનવું તે
આસ્તિકપણું છે કે નાસ્તિકપણું છે?
ઉત્તર:– તે માન્યતા નાસ્તિકપણારૂપ છે.
પ્રશ્ન:– તેમાં આત્માના અસ્તિત્વને તો માન્યું છે, છતાં તે નાસ્તિક કેમ છે?
ઉત્તર:– ખરી રીતે તેમાં આત્માનું યથાર્થસ્વરૂપે અસ્તિત્વ માન્યું નથી. આ જગતમાં અનંત–અનંત
આત્માઓ છે, ને તે દરેક આત્મા પોતે પરિપૂર્ણ અખંડ છે. આમ હોવા છતાં, બધા થઈને એક જ આત્મા છે એમ
જેણે માન્યું તેણે કોઈ પણ આત્માના સ્વતંત્ર અસ્તિત્વને માન્યું નહિ, અનંત પરિપૂર્ણ આત્માઓ છે તેમને માન્યા
નહિ, એકેક આત્મા પૂર્ણ છે તેને અનંતમા ભાગે માન્યો, –એ રીતે તે નાસ્તિક જ ઠરે છે. આ જગતમાં દરેકે દરેક
જીવ અને દરેકે દરેક જડ વસ્તુઓ સ્વતંત્ર છે, દરેક વસ્તુ પોતાથી જ પરિપૂર્ણ અસ્તિત્વ ધરાવે છે, કોઈ પણ વસ્તુ
બીજી વસ્તુઓના આધારથી નભતી નથી–આમ જાણવું–માનવું તે જ સાચું અસ્તિક્યપણું છે. એવા આસ્તિકને જ
ધર્મ અને મુક્તિ થાય છે.
ખરેખર તો, જે રીતે પોતાના પરિપૂર્ણ શુદ્ધાત્મ–સ્વરૂપનું અસ્તિત્વ છે તે જ રીતે જાણીને જે સ્વીકારે તે જ
સાચા આસ્તિક છે. ભેદજ્ઞાનવડે શુદ્ધાત્માના સ્વરૂપને જે જાણે નહિ તે જરૂર બીજે ક્યાંક આત્માનું અસ્તિત્વ માને.
આત્માના અસ્તિત્વને જાણે નહિ ને બીજી રીતે અસ્તિત્વ માને તો તે પણ નાસ્તિકપણું છે. આત્માના યથાર્થ
સ્વરૂપને સમ્યગ્દ્રષ્ટિ–જ્ઞાનીઓ જ જાણે છે તેથી તેઓ જ સાચા આસ્તિક છે. મિથ્યાદ્રષ્ટિ જીવો આત્માના સ્વરૂપને
સાચી રીતે જાણતા નથી તેથી તેઓ પરમાર્થે નાસ્તિક છે.
જડ પદાર્થોનાં કામ આત્મા કરી શકે એમ જે માને છે તે જડથી જુદું આત્માનું અસ્તિત્વ માનતો નથી તેથી
નાસ્તિક છે.
રાગ થાય તેને જ પોતાનું સ્વરૂપ માને, પણ રાગથી જુદું શુદ્ધચૈતન્યસ્વરૂપ છે તેને ન જાણે તો તે પણ
આત્માના સાચા અસ્તિત્વને નહિ જાણનાર નાસ્તિક છે, જૈન નથી.