જેને ચૈતન્યનો પુરુષાર્થ નથી તે નપુંસક છે
જે ચીજ આત્માથી જુદી હોય તેનાથી આત્માને લાભ થાય નહિ; અને તે પર ચીજોનો લક્ષે પણ આત્માને
લાભ થાય નહિ; આત્માના સ્વભાવના લક્ષે જ આત્માને લાભ થાય. લાભ કહો, શાંતિ કહો, હિત કહો, સુખ
કહો કે ધર્મ કહો, તે એકાર્થ છે. બહારમાં અનુકૂળ સંયોગો આવે તેને અજ્ઞાની જીવ લાભ માને છે અને તે
પદાર્થોમાં સુખ માને છે, પણ પોતાના સ્વભાવમાં સુખ છે તેને નથી માનતો. મારામાં સુખ નહિ ને પૈસામાં
સુખ–એમ માનનાર જીવ પોતાને નિર્માલ્ય–પુરુષાર્થ રહિત માને છે. પોતાના સ્વભાવ સામર્થ્યને જાણવાનો
પુરુષાર્થ નહિ કરનાર અને પરમાં સુખ માનનાર જીવને આચાર્યદેવ નપુંસક કહે છે. પુરુષ તો તેને કહેવાય કે જે
સ્વભાવનો પુરુષાર્થ પ્રગટ કરે. જેઓ શુદ્ધ આત્મ સ્વભાવને નથી જાણતા તેને નામર્દ કહ્યા છે–(સમયસાર પૃ.
૨૦૦) આત્માના અસાધારણ લક્ષણને નથી જાણતા તેને નપુંસક કહ્યા છે.–(સમયસાર પૃ.૭૩) આત્મામાં જ
આનંદ સામર્થ્ય છે, પણ તે આનંદ ભોગવવાની જેનામાં તાકાત નથી તે જીવ પરમાં આનંદ માને છે ને પર
વિષયોને દેખીને રાજી થાય છે, તે નામર્દાઈનું ચિહ્ન છે. સ્વભાવની શ્રદ્ધા નથી કરતા ને પરથી સુખ માને છે
તેમને ચૈતન્યનો પુરુષાર્થ નથી.
આત્મા પોતે પુરુષ છે, અનંતગુણોમાં રહીને આનંદનો સ્વતંત્રપણે ભોગવટો કરનાર પુરુષ છે, ચૈતન્ય
સ્વભાવી ભગવાન છે, પુરુષાર્થનો સાગર છે, તેના અસાધારણ ચૈતન્ય સ્વભાવને જે અનુભવતો નથી અને
પર્યાયમાં પુણ્ય–પાપ થાય તેને જ ધર્મ માને છે તે જીવ ચૈતન્યના પુરુષાર્થરહિત નપુંસક છે. –ભેદવિજ્ઞાનસાર
અહો, ભગવાન કુંદકુંદ! અને જગતનાં મહાભાગ્ય!
અહો, કુંદકુંદાચાર્યદેવની શું વાત કરીએ? કુંદકુંદાચાર્ય દેવ તો ભગવાન કહેવાય. એમનું વચન એટલે
કેવળીનું વચન. અંતરમાં અધ્યાત્મના પ્યાલા ફાટી ગયેલા હતા. એકદમ કેવળ જ્ઞાનની તૈયારી હતી.
વીતરાગભાવે અંતરમાં ઠરતાં ઠરતાં વળી છદ્મસ્થ દશામાં રહી ગયાં. ને વિકલ્પ ઊઠતાં આ સમયસારાદિ મહાન
શાસ્ત્રો રચાઈ ગયાં. –એટલા વળી જગતનાં મહાભાગ્ય! કે તેઓશ્રી દ્વારા આ સમયસાર–પ્રવચનસાર જેવાં
મહાન્ પરમાગમોની રચના થઈ ગઈ. અત્યારે તો તેવી શક્તિ અહીં નથી. કાઠિયાવાડના વળી વિશેષ મહાભાગ્ય
છે કે અત્યારે ગુજરાતી ભાષામાં તે શાસ્ત્રો બહાર આવ્યાં છે. –ભેદવિજ્ઞાનસાર
દેશનાલબ્ધિ અને ભેદવિજ્ઞાનો સાર
આત્મજ્ઞાની પુરુષના ઉપદેશરૂપ દેશનાલબ્ધિ મળતાં આત્મસ્વભાવની જેને રુચિ થઈ તેને મુક્તિ માટે
ભાવિનૈગમનય લાગુ પડી ગયો અર્થાત્ તે જીવ ભવિષ્યમાં મુક્તિ પામશે,––એમ જ્ઞાનીઓ જાણે છે. ધર્મ
પામનાર જીવને દેશનાલબ્ધિ હોય જ એ નિયમ છે. સત્સમાગમે પરમાર્થ આત્મસ્વભાવનું શ્રવણ કરીને તે
સ્વભાવની રુચિપૂર્વક વારંવાર અભ્યાસ કરીને જ્યારે જ્ઞાન સ્વસન્મુખ થઈને આત્માને જાણે છે ત્યારે પહેલાંં તો
મતિજ્ઞાનથી આત્માનો અવગ્રહ થાય છે, પછી તે જ જ્ઞાન ઉપયોગ વિશેષ દ્રઢ થતાં શ્રુતજ્ઞાનનો ઉપયોગ
સ્વભાવમાં ઠરે છે, જે શ્રુતજ્ઞાન સ્વભાવમાં અભેદપણે ઠર્યું તેને નિશ્ચયનય કહેવાય છે, તે જ ધર્મ છે, તે
ભેદવિજ્ઞાનનો સાર છે. સ્વભાવ તરફ ઢળતા જ્ઞાનને જ અહીં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર વગેરે કહ્યું છે.
જે જ્ઞાન, સ્વભાવથી થતી પ્રવૃત્તિ ન કરે અને કર્મના આશ્રયે પ્રવૃત્તિ કરે તે ચેતન નથી. ચેતન
સ્વભાવના આશ્રયે જે ઉત્પન્ન થાય તે ચેતન છે અને ચેતનસ્વભાવના આશ્રયે જે ભાવ ઉત્પન્ન ન થાય તે
અચેતન છે. આવી આત્મસ્વભાવની વાત જગતના જીવોએ સાંભળી નથી, તો અંતરમાં વિચારીને મેળવે
ક્યાંથી? અને ક્યારે તેની રુચિ કરીને આત્મામાં પરિણમાવે?
પર તરફ વળતા અને સ્વ તરફ વળતા મતિ શ્રુતજ્ઞાનને જુદાઈ છે; એમ સમજીને–સ્વ અને પરનું
ભેદજ્ઞાન કરીને અંતર સ્વભાવમાં વળતું જ્ઞાન તે અપૂર્વ આત્મધર્મ છે. –‘ભેદવિજ્ઞાનસાર’
ચૈતન્ય ભગવાનાં દર્શન
જેણે જ્ઞાનને વિકારનું કર્તા માન્યું છે તે જીવે આત્મા અને જ્ઞાન વચ્ચે ભેદરૂપ પડદો રાખ્યો છે. જેમ જિન પ્રતિમા
આડો પડદો નાખીને જુએ તો તેનું રૂપ સ્પષ્ટ દેખાય નહિ, તેમ આ આત્માનો સ્વભાવ ચૈતન્યમય જિન પ્રતિમા
છે; પણ ‘વિકાર મારું સ્વરૂપ’ એવી મિથ્યા માન્યતારૂપી પડદો આડો રાખીને જોનારને પોતે ચૈતન્ય ભગવાન છે
તે દેખાતું નથી પણ વિકારી જ ભાસે છે. તે જીવ જ્ઞાન અને આત્મા વચ્ચે મિથ્યાત્વરૂપી પડદો રાખે છે તેથી તેને
ચૈતન્ય ભગવાનનાં દર્શન થતાં નથી. તે પડદો દુર કરીને સાચી માન્યતાથી જુએ તો પોતાનો જ આત્મા
ભગવાન છે, તે જણાય છે. –ભેદવિજ્ઞાનસાર