Atmadharma magazine - Ank 066
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 17

background image
: ચૈત્ર : ૨૪૭૫ : આત્મધર્મ : ૧૨૧ :
કેવા વક્તાનો ઉપદેશ સાંભળવો યોગ્ય છે?
જેમાં લાખો અને કરોડોનો વહીવટ ચાલતો હોય એવી પેઢીનો વહીવટ દસ રૂપિયાના પગારવાળો
મંદબુદ્ધિ જીવ સંભાળી શકે નહિ. પણ મોટા પગારવાળો બુદ્ધિશાળી જીવ હોય તે વહીવટ સંભાળે. તેમ જેમને
પૂર્ણ પરમાત્મદ્રશ રૂપ સ્વરૂપલક્ષ્મી પ્રગટી છે એવા શ્રી વીતરાગદેવની પરંપરામાં રહીને સમ્યગ્દર્શન જ્ઞાન–
ચારિત્રરૂપ વીતરાગ ધર્મનો ઉપદેશ કરનાર જીવ શ્રદ્ધા–જ્ઞાનાદિ અનેક ગુણના ધારી હોવા જોઈએ, અને
અધ્યાત્મવિદ્યામાં પારંગત હોવા જોઈએ. અધ્યાત્મરસદ્વારા પોતાના સ્વરૂપનું અનુભવન જેને ન થયું હોય
એવા જીવો વીતરાગી જિનધર્મનો ઉપદેશ યથાર્થ આપી શકે નહિ, અને એવા વક્તા પાસેથી શાસ્ત્રશ્રવણ
કરવાથી જીવને આત્મલાભ થાય નહિ. માટે યથાર્થ આત્મજ્ઞાની પુરુષને ઓળખીને તેમની પાસે
આત્મસ્વભાવનો ઉપદેશ સાંભળવો યોગ્ય છે.
જે વક્તા હોય તે પ્રથમ તો જૈનશ્રદ્ધાનમાં દ્રઢ હોવા જોઈએ. રાગ–દ્વેષરૂપ દોષ મારી અવસ્થામાં ક્ષણિક છે
અને તેને જીતનાર મારો ત્રિકાળી સ્વભાવ શુદ્ધ છે–આવી શ્રદ્ધા હોય તેનું નામ જૈનશ્રદ્ધા છે. જે પોતાના શુદ્ધ
સ્વભાવની શ્રદ્ધા જ્ઞાન અને એકાગ્રતા વડે રાગ–દ્વેષ મોહને જીતે છે તેને જૈનપણું પ્રગટે છે. જેને પોતાના
શુદ્ધાત્મ–સ્વભાવની પ્રતીત ન હોય તે અન્ય જીવોને શુદ્ધાત્મ સ્વભાવનો ઉપદેશ કઈ રીતે આપી શકે?
કોણ જૈન છે?
જૈન એટલે જીતનાર; કોને જીતવું છે અને કોણ જીતનાર છે એ જાણવું જોઈએ. પરદ્રવ્યોથી તો આત્મા
ભિન્ન છે, પણ એક આત્મામાં બે પડખાં છે–એક તો ત્રિકાળી સ્વભાવ છે અને બીજું વર્તમાન અવસ્થા છે. તેમાં
જે ત્રિકાળસ્વભાવ છે તે તો શુદ્ધ જ છે, તેમાં કાંઈ જીતવાનું નથી, પણ વર્તમાન અવસ્થામાં દોષ છે તે દોષને
જીતવાના છે. કોઈ પર પદાર્થોને જીતવા નથી–જીતી જ શકાતા નથી, તેમ જ કોઈ પર પદાર્થોની મદદથી પણ
જીતવું નથી–જીતી શકાતું નથી; પણ પોતાની વર્તમાન અવસ્થા પરલક્ષે થતી હોવાથી દોષવાળી છે, તે અવસ્થાને
સ્વભાવ તરફ વાળીને દોષને જીતવા છે, અને તે પોતાથી થઈ શકે છે. પોતાના ત્રિકાળી સ્વભાવના યથાર્થ
શ્રદ્ધા–જ્ઞાનપૂર્વક સ્વસ્વરૂપમાં સ્થિરતા કરીને અવસ્થાના દોષને જીતવાના છે. એ રીતે, જીતનાર આત્મા છે. અને
જીતવાનું પણ પોતામાં જ છે. આ રીતે બન્ને પડખાંને પોતામાં જાણીને ત્રિકાળી સ્વભાવની રુચિના પુરુષાર્થથી
વર્તમાન પર્યાયના દોષને જે જીતે તે જૈન છે. આ રીતે જૈનપણું કોઈ વાડામાં, સંપ્રદાયમાં, વેશમાં કે શરીરની
ક્રિયામાં નથી પણ આત્માસ્વરૂપની ઓળખાણમાં જ જૈનપણું છે. હું મારા ત્રિકાળી સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન
સ્થિરતાવડે વર્તમાન ક્ષણિક અવસ્થાના દોષને જીતનાર છું એમ જે જીવ આભ્યંતર માર્ગમાં શ્રદ્ધાવાન્ છે તે જ
વીતરાગ ધર્મનો ઉપદેશ આપી શકે.
હું મારા સ્વભાવથી પરિપૂર્ણ છું, મારા ગુણો પરિપૂર્ણ જ છે, ગુણ કાંઈ ઘટી ગયા નથી, અને પર્યાયમાં
મારા દોષથી વિકાર છે પણ તે વિકાર મારા ગુણસ્વભાવમાં નથી. વિકાર ટાળીને નિર્મળ પર્યાય બહારથી
લાવવાની નથી પણ મારા પરિપૂર્ણ ગુણો વર્તમાન છે તેમાં એકાગ્રતા કરતાં પર્યાયનો વિકાસ થઈને નિર્મળતા
પ્રગટે છે. કોઈ બીજાના કારણે વિકાર થયો નથી અને કોઈ બીજાના અવલંબને તે ટળતો નથી. આમ પોતાની
પરિપૂર્ણ ગુણોની પ્રતીત દ્વારા, અવસ્થાના અવગુણને જાણીને જે ટાળે છે તે જૈન છે. ચોથા ગુણસ્થાને
સમ્યગ્દર્શન પ્રગટતાં વાસ્તવિક જૈનપણું શરૂ થાય છે અથવા તો સમ્યગ્દર્શનની સન્મુખ જે જીવ હોય તેને પણ
જૈન કહેવાય છે; અને તેરમા ગુણસ્થાને જે જિનદશા પ્રગટે છે તે સંપૂર્ણ જૈનપણું છે, તેમને રાગ–દ્વેષ જીતવાના
બાકી રહ્યા નથી. જૈનધર્મ એ વસ્તુનું સ્વરૂપ છે; જગતના જડ–ચેતન પદાર્થોનું યથાર્થ સ્વરૂપ બતાવનાર
જૈનદર્શન તે વિશ્વદર્શન છે. સંપૂર્ણ રાગ–દ્વેષને જીતનાર પોતાના વીતરાગસ્વરૂપનું જેને ભાન છે પણ હજી પૂર્ણ
રાગ–દ્વેષ જીત્યા નથી તે છદ્મસ્થ જૈન છે અને વીતરાગસ્વરૂપના ભાનપૂર્વક જેણે સંપૂર્ણ રાગ–દ્વેષ જીત્યા છે તે
પૂર્ણ જૈન છે. આવા પુરુષો જ જૈનદર્શનના રહસ્યના વક્તા થઈ શકે.