Atmadharma magazine - Ank 066
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 17

background image
: ૧૧૦ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૭૫ :
બપોરે ૩ થી ૪ માહ સુદ ૧૪ શનિ
પદ્મનંદિ [ગાથા ત્રીજી]
ધર્મનું માહાત્મ્ય કરવા માટે તેનું જ્ઞાન કરવું જોઈએ. ઢોર, કાગડાનાં દેહ અનંતવાર મળે છે, તેમાં
મનુષ્યદેહ મોંઘો છે. તે મનુષ્યદેહમાં જો આત્માની સમજણ ન કરે તો તેની કાંઈ કિંમત નથી. વિષયભોગમાં તો
કાગડા કૂતરાં ય જીવન ગાળે છે, મનુષ્ય થઈને પણ ધર્મ ન સમજે અને ભોગમાં જીવન ગાળે તો તેની કાંઈ
કિંમત નથી. આ શરીરની તો રાખ થવાની છે, આત્મા તેનાથી જુદો છે. એવા આત્માને ભૂલીને જીવ રખડે છે,
ને તેને ઓળખે તો પોતે મુક્તિ પામે છે. પણ કોઈ પરમાત્માની અકૃપાથી રખડતા નથી ને પરમાત્માની કૃપાથી
તરતો નથી.
જેમ સરોવરમાં રહેનારો હંસ, કમળ ઉપરની પ્રીતિ છોડીને હંસલી ઉપર પ્રીતિ કરે છે, તેમ શરીરમાં રહેલો
જે આત્મા શરીરાદિની પ્રીતિ છોડીને પોતાના આત્માની પ્રીતિ કરે છે તે જીવ આ જગતમાં ધન્ય છે! સરોવરમાં
કમળો ખીલેલાં હોવા છતાં હંસલો પોતાની હંસલી ઉપરની પ્રીતિ છોડીને તેના ઉપર પ્રીતિ કરતો નથી, તેમ આ
ચૈતન્યરૂપ હંસલો છે, ને તેને પૈસા–મકાન વગેરે બહારની ચીજો છે તે પૂર્વનાં પ્રારબ્ધનું ફળ છે, તેની પ્રીતિ
છોડીને પોતાનો આત્મા સમજવાની પ્રીતિ કરે તો નિર્મળ પરિણતિ પ્રગટે તે આત્માની હંસલી છે.
અરે ભાઈ; બે ઘડી–ચાર ઘડી તું તારા આત્માનો વિચાર તો કર. તારી તને કિંમત નહિ ને તું બીજાની
કિંમત કરે! તે શોભતું નથી. બહારની ચીજો તારી નથી, તે તારી સાથે નહિ આવે. માટે તેનાથી જુદો આત્મા છે
તેની પ્રીતિ કર. ધર્મી જીવને આત્માની પ્રીતિ અને ધ્યાન કરતાં કરતાં અણિમા–મહિમા વગેરે રિદ્ધિ પ્રગટે છે, પણ
તેઓ તેની પ્રીતિ છોડીને આત્માની પ્રીતિ કરે છે. શરીરનું રૂપ મેરુ જેવડું કરી નાંખે ને કંથવા જેવડું પણ કરી
શકે, એક લાડવામાં કરોડો માણસોને જમાડે, શરીરનું વજન કરોડો મણ કરી શકે, ઉપરથી દેવને ઉતારવો હોય
તો ઉતારે–આવી આવી સિદ્ધિઓ ધર્માત્માને પ્રગટી હોય પણ તેની પ્રીતિ તો સંસારમાં રખડવાનું કારણ છે. ધર્મી
જીવ તેની પ્રીતિ કરતા નથી પણ આત્માની પ્રીતિ કરે છે.
એક હતો બ્રાહ્મણ. એકવાર જંગલમાં તેના હાથમાં ચિંતામણિ રતન આવી ગયું. ત્યાં જે તે ચિંતવવા
માંડયો. ખાવાનું, મકાન, પલંગ વગેરે માગવા જ માંડ્યું. ત્યાં એક કાગડો આવ્યો ને તેને ઉડાડવા તેણે તે
ચિંતામણિ રતન ફેંકી દીધું, ત્યાં તરત જ મકાન પલંગ વગેરે બધું વીંખાઈ ગયું, ને હતો તેવો થઈ ગયો. તેમ આ
મનુષ્યદેહ અનંતકાળે જીવને મળ્‌યો છે. આ મનુષ્યદેહ ચિંતામણિ જેવો છે. તેને રળવામાં ને ભોગમાં ગાળે છે,
પણ બે ઘડી આત્માની સમજણ કરતો નથી. બીજે બધે ઠેકાણે ડહાપણ બતાવે છે પણ આત્માની સમજણ તો
કરતો નથી, અનંતકાળે મનુષ્યદેહ મળ્‌યો ને ધર્મની પરીક્ષા પણ કરતો નથી. થોડો વખત રહ્યો, ભાઈ! હવે તું
આત્માની સમજણ કર. નિવૃત્તિ લે; પ્રવૃત્તિ ઘટાડ. અહો મારી મુક્તિ કેમ થાય? મારે જન્મ–મરણ જોઈતાં નથી–
એમ જેને અંતરમાં ભવભ્રમણનો ત્રાસ લાગ્યો હોય, તેણે આત્માની સમજણ કરવી. અનંતકાળમાં બધું પરખ્યું
છે પણ આત્માને ન ઓળખ્યો.
“પરખ્યાં માણેક મોતીયાં
પરખ્યાં હેમ–કપૂર
પણ આત્મા પરખ્યો નહિ
ત્યાં રહ્યો દિગ્મૂઢ.”
અરે ભાઈ, તારું એક રુંવાડું ખેંચાય તો ય તને દુઃખ લાગે છે, તો આખે આખા માણસને રેંસી નાંખવા
તે તો મહાપાપ છે; એવા શિકાર વગેરે મહાપાપ કરનારા નરકમાં જાય છે. મનુષ્ય થઈને આત્માની દરકાર ન
કરે ને વિષય–ભોગ, ક્રોધ, કપટ, લંપટપણું વગેરે મહા અધર્મ કરે તેઓ મનુષ્યપણું હારીને ઢોર ને નરકમાં રખડે
છે, કાંઈક દયા, દાનનાં શુભ કાર્ય કરે તો દેવ કે માણસ થાય છે. પુણ્ય–પાપના ભાવ તો જીવે અનંતકાળથી કર્યા
છે, તે કાંઈ નવું નથી.
જે આત્મવેત્તા હોય કે આત્માવેત્તાની ભક્તિ કરીને આત્મવેત્તા થવાનો કામી હોય તેનું જ જીવન