Atmadharma magazine - Ank 066
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 17

background image
: ચૈત્ર : ૨૪૭૫ : આત્મધર્મ : ૧૧૩ :
છે ને નવા નવા જન્મમાં ઊપજે છે. જેમ ચણ્યો સેકતાં તે ઊગે નહિ ને સ્વાદ મીઠો લાગે. તેમ સત્સમાગમે સાચું
જ્ઞાન કરે તો ફરીથી જન્મ–મરણમાં અવતરે નહિ, ને તેને આત્માનો આનંદ પ્રગટે. આવું સમજ્યા વગરનું
મનુષ્યપણું રણમાં પોક મૂકવા સમાન છે. દેહથી ભિન્ન ચૈતન્યતત્ત્વને ઓળખે ને પૂર્વનાં પ્રારબ્ધનાં ફળની પ્રીતિ
છોડે તે ધર્મી છે. બહારમાં પ્રારબ્ધનો સંયોગ હોય પણ ધર્મી તેનો જ્ઞાતા દ્રષ્ટા રહે છે, તેને પોતાનું માનતા નથી.
અને ક્ષણિક શુભભાવ થાય તે પણ આત્માનું સ્વરૂપ નથી. પુણ્યભાવ થાય તેમાં જ ઈતિશ્રી માનીને
સંતોષ કરી લ્યે તો તેનાથી પાર આત્માનો ભરોસો નથી. અંદરની પૂરી શક્તિ છે તેનો જેને વિશ્વાસ નથી તે
ભગવાન પાસે મુક્તિ માગે છે. પણ ભગવાન પરમેશ્વર તો કોઈની મુક્તિ કરતા નથી, ને કોઈને રખડાવતા પણ
નથી.
જેમ પાણી ઊનું થયું હોય તોપણ તેનામાં અગ્નિનો નાશ કરવાની તાકાત છે, તેમ આત્મામાં ક્ષણિક
હાલતમાં જે રાગ–દ્વેષ–ક્રોધ–માન થાય છે તેનો નાશ કરવાની આત્માના સ્વભાવમાં તાકાત છે, ભગવાન જેટલી
આત્માની તાકાત છે, પણ તેનો ભરોસો કરતો નથી તેથી રખડે છે. પોતાની પ્રભુતાને ઓળખે નહિ ને પરવસ્તુ
વગર મારે ચાલે નહિ એમ માને છે. એક વસ્તુ વગર પણ મારે ચાલે નહિ–એમ માને છે, તો–જ્ઞાની કહે છે કે તું
બધી વસ્તુથી જુદો છે–એ વાત કેમ બેસશે? પોતાની શક્તિનો ભરોસો નથી તેથી પરનો ઓશિયાળો થઈને
રખડે છે. માટે હે જીવ! મોહ રહિત નિર્મોહ આત્મા છે તેની પ્રીતિ કરીને ઓળખાણ કર, તો તું જન્મ–મરણ રહિત
થઈ જઈશ. અનંતકાળમાં ઘણીવાર મનુષ્યદેહ મળ્‌યો છે પણ અંદરમાં આત્માની સમજણ એકે ય વાર કરી નથી.
અંતરને ભૂલીને બહારમાં ગોતે છે. દોષ ક્ષણિક છે ને દોષરહિત આત્મા ત્રિકાળ છે, એ બે વચ્ચે વિવેક કરવો તે
જ ધર્મ છે, ને એવો વિવેક કરે તેને જ મુક્તિ થાય છે.
ભૂલ પોતે કરે છે. પોતે ભૂલ કરે છે છતાં અજ્ઞાની ભગવાન ઉપર ઢોળે છે કે ભગવાનની મરજી! પણ
ભાઈ, શું ભગવાન ભૂલ કરાવે છે? પોતે પોતાના દોષથી ભૂલ કરી છે. જેણે પોતાના અંતરમાં મુક્તિ ઉપર દ્રષ્ટિ
લગાવી છે એ સિવાય બીજું કાંઈ જોઈતું નથી–એવા આત્મા જ આ જગતમાં પ્રશંસવા યોગ્ય છે. આત્માના
ભાન વિના બાયડી ઘરબરા છોડીને ત્યાગી થાય તેથી કાંઈ ધર્મી નથી, કેમ કે હજી શરીરથી ભિન્ન ચૈતન્ય તત્ત્વને
જાણ્યું નથી, ને શરીરને પોતાનું માનીને અભિમાન કરે છે, તેની બધી ક્રિયાઓ રાખ ઉપર લીંપણ જેવી છે. –તેને
ધર્મ થતો નથી.
ભાઈ, શુભાશુભ ભાવ હોય છે. પણ તેને સર્વસ્વ ન માન, તેનાથી મુક્તિ થઈ જશે–એમ ન માન.
બહારમાં પૈસા હોય કે પુણ્ય હોય તેની ધર્માત્મા પાસે કાંઈ કિંમત નથી. નૂરજહાં અને જહાંગીરની વાત આવે છે.
નૂરજહાંનું રૂપ જગતમાં પ્રખ્યાત હતું. એક ફકીર જોવા આવ્યો. જોઈને માથુ ધૂણાવ્યું અને કહ્યું–જગત કહે છે તેવું
સુંદરરૂપ નથી. ત્યારે જહાંગીરે કહ્યું– ‘સાંઈ બાવા! આપકી દ્રષ્ટિ સે નહિ, હમારી દ્રષ્ટિ સે દેખો! ’ જુઓ, જેને
સ્ત્રીનો મોહ છે તેને શરીરના રૂપની પ્રીતિ છે. પણ શરીર તો ચામડું છે, અંદર હાડકાં ને લોહી માંસ સિવાય
બીજું કાંઈ નથી. એમ જ્ઞાની પાસે આત્માના સ્વભાવ સિવાય પુણ્યની કે પૈસાની કાંઈ કિંમત નથી. અજ્ઞાનીને
તેની ઊંધી દ્રષ્ટિમાં પૈસા અને પુણ્ય મીઠાં લાગે છે. એકવાર એક સેકંડ પણ આત્માનું ભાન કરે તો મુક્તિ થયા
વગર રહે નહિ. એકવાર મુક્તિ થાય તેને ફરીથી અવતાર થાય નહિ. અવતાર હોય તે તેનો નાશ કરીને મુક્ત
થઈ જાય, તેને પછી અવતાર હોતો નથી. જેમ ઘીનું ફરીથી માખણ થતું નથી તેમ મુક્તજીવને ફરીથી અવતાર
થતો નથી. શિકાર, પરસ્ત્રી સેવન, દારૂ–માંસનો ખોરાક વગેરે મોટા પાપ કરતો હોય ને બંગલામાં રહેતો હોય,
તેને અત્યારે પુણ્યનાં ફળ દેખાય છે, પણ પાપનાં ફળથી તો તે નરકમાં જાય છે, ને ત્યાં મહા આકરાં દુઃખ
ભોગવે છે.
આત્મા ચૈતન્ય છે. બહારમાં શરીર–પૈસાની અનુકૂળતામાં સુખ માને અને પોતાને બાદશાહ જેવો માને.
પણ ભાઈ રે, તારી જાત તો તેં જાણી નથી, અને જડ વસ્તુથી તારી બાદશાહી માનીશ તો તું રાંકો થઈ જઈશ.
બાદશાહી તો તારા ચૈતન્યમાં ભરી છે, તેને ઓળખે તો મુક્તિ થયા વિના રહે નહિ.