Atmadharma magazine - Ank 072
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 17

background image
: ૨૦૬ : આત્મધર્મ : આસો : ૨૪૭૫ :
કાળે દુર્લભ છે. પ્રભો! આવા સંસારમાંથી મારો આત્મા કેમ નીકળે! કઈ રીતે વીતરાગ સ્વરૂપની પ્રાપ્તિ થાય! –
એમ શિષ્ય ધગશથી પૂછે છે. સુખ અનુભવ્યા પહેલાંં દુઃખનો ત્રાસ લાગે છે તે શુભરાગ છે, તે પણ સ્વભાવની
અપેક્ષાએ તો વિકાર છે. પરંતુ સ્વભાવ સમજ્યા પહેલાંં તેની અંતર ખોજ અને વૈરાગ્ય આવવો જોઈએ.
મારા આત્મામાં અવતાર ન હોય એવું અવતાર વગરનું સ્વરૂપ મારે જોઈએ છીએ આવી ધગશથી શિષ્ય
કહે છે કે પ્રભો, આ સંસારમાં ચાર ઈન્દ્રિયપણું પામવું દુર્લભ છે, અને પંચેન્દ્રિય પામવું અત્યંત દુર્લભ છે, તેનાથી
પણ સંજ્ઞીપણું પામવું અત્યંત દુર્લભ છે. સંજ્ઞીપણું પામ્યા વગર હિત–અહિતનો વિચાર જ થઈ શકે નહિ. અહીં
બહારની વાત નથી પણ આત્મામાં રાગ ઘટીને જ્ઞાનનો ઉઘાડ થાય તે દુર્લભ છે, અને જ્ઞાનના ઉઘાડ અનુસાર
બહારમાં અધિકરણ હોય છે. અહીં ધર્મની દુર્લભતા વર્ણવવી છે; પરંતુ એ ઈન્દ્રિયો કે શરીરની નીરોગતા વગેરેથી
ધર્મ થાય છે–એમ ન સમજવું. આ સંસારમાં સંજ્ઞી પંચેન્દ્રિય થાય તો પણ તેમાં છ પર્યાપ્તિની પૂર્ણતા દુર્લભ છે
અને તેમાં પણ મનુષ્યપણું અત્યંત દુર્લભ છે. તેમાં પણ આર્યક્ષેત્ર, ઉત્તમકુળ અને પાંચ ઈન્દ્રિયોથી પૂર્ણ શરીર તે
મળવું દુર્લભ છે. સંતમુનિઓના દર્શન અને તેમની વાણીનું શ્રવણ કરવાની શક્તિ મળવી દુર્લભ છે. વળી લાંબુ
આયુષ્ય દુર્લભ છે. એ બધું દુર્લભ છે એમ જાણીને ધર્મનું મહાત્મ્ય કરે છે. એ બધું મળવા છતાં જૈનદર્શનનો
સંયોગ મળવો દુર્લભ છે. જૈનદર્શન વગર જીવ ધર્મ પામી શકે નહિ.
જૈનધર્મની પ્રાપ્તિ તે બધાથી પણ દુર્લભ છે; એ બધું મળ્‌યા પછી પણ શ્રેષ્ઠ બુદ્ધિ દુર્લભ છે.
આત્મકલ્યાણનો વિચાર કરવાની બુદ્ધિ તે શ્રેષ્ઠ બુદ્ધિ છે. તે બુદ્ધિ હોય તો શ્રેષ્ઠ ધર્મનું શ્રવણ પામવું દુર્લભ છે.
શ્રેષ્ઠ ધર્મનુ એટલે કે આત્માના સત્સ્વભાવનું શ્રવણ દુર્લભ છે. તે શ્રવણ પછી ગ્રહણ અને ધારણ કરવું દુર્લભ છે.
ધર્મ સાંભળી જાય પણ અંતરમાં કાંઈ ધારી ન શકે તો સમજી શકે નહિ. જૈનધર્મનું શ્રવણ કરીને તેની ધારણા
પણ કરી રાખે પણ તેની વ્યવહાર શ્રદ્ધા કરવી દુર્લભ છે, ત્યાર પછી કંઈક વૈરાગ્ય, અને વિષય સુખોથી નિવૃત્તિ
એટલે કે તેમાં તીવ્ર ગૃદ્ધિનો ત્યાગ કરવો દુર્લભ છે. અને ક્રોધાદિ કષાયોની મંદતા થવી પણ દુર્લભ છે. આ બધું
ઉત્તરોત્તર દુર્લભ છે, પરંતુ હજી અહીં સુધી ધર્મ નથી, અહીં સુધી તો શુભભાવ છે. આટલે સુધી આવ્યો હોય તે
જીવ તો ધર્મ સમજવાની પાત્રતા વાળો છે. હવે ધર્મની વાત કરે છે.
–અને તે બધાયમાં ઉત્કૃષ્ટ શુદ્ધાત્મ ભાવના રૂપ વીતરાગ નિર્વિકલ્પ સમાધિ થવી બહુ જ દુર્લભ છે.
પુણ્ય–પાપ રહિત, નિરપેક્ષ શુદ્ધાત્મ સ્વભાવની ભાવના કરવી, એકાકાર સ્વભાવની શ્રદ્ધા અને જ્ઞાન–કરવું તે
મહાન દુર્લભ છે. આમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર સમજવા.
આત્મસ્વભાવની ભાવનારૂપ સમાધિ તે દુર્લભ છે, કેમકે મિથ્યાત્વ–વિષય કષાય વગેરે વિભાવ
પરિણામો તેના શત્રુ છે. કર્મને શત્રુ કહ્યા નથી પણ પોતાના ઊંધા પરિણામ જ શત્રુ છે. તેને લીધે જીવને
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની પ્રાપ્તિ થતી નથી.
એ સમયગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની પ્રાપ્તિ તે બોધિ છે. આ જીવને પૂર્વે કદી તેની પ્રાપ્તિ થઈ નથી; એવા
સમ્યગ્દર્શનાદિ બોધિની નિર્વિઘ્નપણે પ્રાપ્તિ તે સમાધિ છે. નિર્વિઘ્નપણે એટલે શું? મરતાં પણ તે બોધિ અખંડપણે
સાથે ચાલુ રહે અને કેવળજ્ઞાન થતાં સુધી તેમાં વચ્ચે વિઘ્ન ન આવે, એવા અપ્રતિહતભાવે બોધિ ટકી રહે તેનું
નામ સમાધિ છે, તે અત્યંત દુર્લભ છે. એ રીતે નિગોદથી શરુ કરીને ઉત્તરોત્તર દુર્લભતા બતાવતાં કેવળજ્ઞાન
સુધીની વાત કરી; વર્તમાનમાં આરાધકભાવ પ્રગટ કરવો તે બોધિ છે, અને ભવિષ્યમાં કેવળજ્ઞાન થતાં સુધી તે
અખંડપણે ટકી રહે એ સમાધિ છે.
હવે પ્રભાકરભટ્ટ શિષ્ય શ્રીગુરુને કહે છે કે ‘किमपि सुख न प्राप्तं मया’ –હું આ સંસારમાં જરા પણ સુખ
પામ્યો નથી. બોધિ અને સમાધિનો મારામાં અભાવ છે તેથી બોધિ અને સમાધિવડે પ્રાપ્ત એવા પરમાનંદમય
સુખની મને કિંચિત્ પ્રાપ્તિ થઈ નથી, હું દુઃખ જ પામ્યો છું. અહીં પાત્ર શિષ્યને એટલું ખ્યાલમાં આવી ગયું છે કે
હું અનાદિથી છું અને મારી પર્યાયમાં અનાદિથી દુઃખ જ છે. હું મારો સ્વભાવ સમજ્યો નથી તેથી જ દુઃખ છે. તે
દુઃખ ટાળીને પરમાનંદમય સુખ પ્રગટ કરવાનો ઉપાય બોધિ અને સમાધિ છે એટલે કે મારા પરમાનંદ–
સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર રૂપ રત્નત્રયની અખંડપણે આરાધના તે જ મારા પરમાનંદ સુખનો ઉપાય છે.