Atmadharma magazine - Ank 074
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 23

background image
: ૩૬: આત્મધર્મ: ૭૪
જ્યાં પોતાના પરિપૂર્ણ સ્વભાવનું ભાન થયું ત્યાં બહારમાં કોનો મહિમા કરે? તેથી પોતે પોતાને જ
નમસ્કાર કરે છે. ખરેખર જ્યારે પોતે પોતાનું સ્વરૂપ સમજીને બહુમાન કરે છે ત્યારે શુભરાગને લીધે
‘તીર્થંકરાદિનું બહુમાન કર્યુ’ એમ ઉપચારથી કહેવાય છે. પરંતુ વિકારને જ જે પોતાનું સ્વરૂપ માને છે તે
પોતાના પવિત્ર નિર્વિકાર સ્વરૂપનો અનાદર કરે છે. અને જે પોતાના પવિત્ર સ્વરૂપનો અનાદર કરે છે તે
અનંતા તીર્થંકરોનો અનાદાર કરે છે; કેમકે ભગવાને જેમ કર્યું અને જેમ કહ્યું તેનાથી તે વિરુદ્ધ કરે છે.
(૧૭) કોઈ પણ સંયોગી ચીજ રાગ–દ્વેષનું કારણ નથી, કેમ કે જો હું પોતે પુરુષાર્થની નબળાઈથી પર
લક્ષ ન કરું ને સ્વભાવમાં ઠરું તો રાગ–દ્વેષ થતા નથી. આમ જાણ્યું ત્યાં અનંતા નિમિત્તોનું પડખું શ્રદ્ધામાંથી
ટળી ગયું–અર્થાત્ નિમિત્ત ઉપરની દ્રષ્ટિ ટળી ગઈ, અને સ્વભાવમાં વળ્‌યો. હવે જેમ જેમ જ્ઞાતા દ્રષ્ટા
સ્વભાવમાં એકાગ્ર થવા માંડયો તેમ તેમ રાગ–દ્વેષ ઓછા થવા માંડયા. સ્વભાવમાં આવતાં રાગ તૂટવા
માંડયો ને પર્યાયની નિર્મળતા વધવા લાગી, તેનું કારણ કોઈ રાગ કે પરનું અવલંબન નથી પણ અંદરની
ત્રિકાળ ચેતનશક્તિ જ છે. બસ, જેટલો દ્રષ્ટા સ્વભાવમાં એકાગ્ર થયો તેટલો તો રાગ ટળ્‌યો અને નબળાઈથી
જે અલ્પ રાગ રહ્યો તેનો જાણનાર રહી ગયો. આમાં નિમિત્ત, પુરુષાર્થની નબળાઈ, પર્યાય અને ત્રિકાળી
સ્વભાવ એ ચારે સિદ્ધ થઈ જાય છે પણ તેમાં આશ્રય તો એક ત્રિકાળી સ્વભાવનો જ કરવાનું આવે છે.
(૧૮) નિમિત્તોને દેખવાથી રાગ–દ્વેષ થતા નથી, કેમ કે કેવળી ભગવાન પણ નિમિત્તોને દેખે છે છતાં
તેમને રાગ–દ્વેષ થતા નથી. સૂંવાળી પથારી તે રાગનું કારણ નથી ને કાંટા ભોંકાય તે દ્વેષનું કારણ નથી. –
આમ બધાય નિમિત્તોમાં લાભ–નુકશાનપણાની તથા રાગ–દ્વેષપણાની માન્યતા છૂટી જતાં વીતરાગી
અભિપ્રાય થયો; ને અનંત નિમિત્તોની દ્રષ્ટિથી પાછો ખસીને પોતાની તરફ જોવા માંડયો.
(૧૯) પોતાની પર્યાયમાં પુરુષાર્થની નબળાઈથી જે રાગ–દ્વેષ થાય છે તે કોના આધારે ટળે? પ્રથમ
તો કોઈ નિમિત્તના કારણે તે રાગ–દ્વેષ થતા નથી માટે નિમિત્તના આધારે તે ટળે નહિ, તેમ જ રાગના
આધારે પણ રાગ ટળે નહિ. રાગ તે સ્વભાવને મદદગાર નથી કેમકે જેમ જેમ સ્વભાવ તરફ વિશેષ વલણ
થતું જાય છે તેમ તેમ રાગ ટળતો જાય છે, ને નિર્મળદશા થતી જાય છે. તે નિર્મળદશાના આધારે (અર્થાત્ તે
પર્યાયના લક્ષે) પણ રાગાદિ ટળતા નથી. પણ તે પર્યાય સામાન્ય સ્વભાવના આધારે આવે છે, તે
સ્વભાવના આધારે જ રાગાદિ ટળી જાય છે. એ રીતે સામાન્યના આધારે વિશેષ છે ને રાગ–દ્વેષના અભાવે
વિશેષ છે, વિશેષની નિર્મળતામાં સામાન્ય સ્વભાવની આશ્રયની અસ્તિ છે ને રાગ–દ્વેષની નાસ્તિ છે,
એકનો આધાર છે ને બીજાનો અભાવ છે. આ રીતે પર્યાયની નિર્મળતા વધવાનું એટલે કે મોક્ષમાર્ગનું ને
મોક્ષનું કારણ કોઈ નિમિત્તો નથી, રાગ નથી પૂર્વ અવસ્થા નથી પણ ત્રિકાળ સામાન્ય સ્વભાવ જ તેનું કારણ
છે. એટલે મોક્ષાર્થીઓએ સામાન્ય સાથે જ વિશેષને એકમેક કરવાનું રહ્યું.–આ જ મોક્ષનો ઉપાય છે. આમાં
સ્વમાં અભેદ કરવાની જ વાત છે, પહેલાંં ભેદનો વિકલ્પ ઊઠે છે પણ તે ઉપાય નથી, ભેદ તોડીને અભેદ થઈ
જવું તે જ ઉપાય છે. અભેદમાં આવતાં જ ભેદ તૂટી જાય છે.
(૨૦) શ્રી કુંદકુંદ પ્રભુજીએ બે હજાર વર્ષ પહેલાંં આ રચના કરી છે, અને એક હજાર વર્ષ પહેલાંં શ્રી
અમૃતચંદ્રાચાર્યદેવે તેની ટીકા રચી છે, તેનો આ વિસ્તાર થાય છે, તે જીવોને સમજી શકાય તે માટે જ છે.
છતાં જે સમજી શકવાની ના પાડે તે જીવ બંનેનો (–સમજાવનાર અને સમજનારનો) અપરાધ–અવિનય કરે
છે, એટલે ખરેખર તે પોતાની સમજણનો જ અપરાધ કરે છે.
આચાર્ય પ્રભુને જે વિકલ્પ આવ્યો છે તે વિકલ્પ સ્વભાવના આશ્રયે ક્ષણેક્ષણે ટળતો જાય છે;
બહારમાં શબ્દોની (ગ્રંથ રચનાની) ક્રિયા સ્વયં થતી જાય છે અને આચાર્ય પ્રભુનું વલણ ક્ષણે ક્ષણે વિશેષ
નિર્મળપણે અંતરમાં ઢળતું જાય છે. આચાર્યદેવને વિકલ્પ ઊઠ્યો ને જે શાસ્ત્રો રચાણાં, –એવા મહાન પવિત્ર
યોગે આ કાળે રચાઈ ગયેલાં આ શાસ્ત્રો સમજવાને લાયક જીવો ન હોય એ તો બને જ કેમ? હજારો પાત્ર
જીવો સમજવાની તૈયારીવાળા છે અને એકાવતારીઓ પણ આ કાળે હોય છે. જો આ કાળે આત્મસ્વભાવ ન
સમજી શકાતો હોય તો સંતોની વાણી, ટીકા, શાસ્ત્રરચનાનો અને કહેનારનો વિકલ્પ એ બધું મફતમાં વ્યર્થ
જાય છે. સમજાય છે આમાં?