Atmadharma magazine - Ank 074
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 23

background image
માગશર: ૨૪૭૬ : ૩૭:
(શ્રોતા: જી હા, સાહેબ! સમજાય છે તો ખરું. પણ આમાં ધ્યાન બહુ જ રાખવું પડે છે!)
(૨૧) કયે ઠેકાણે ધ્યાન રાખ્યા વગર સમજાય? પૈસા પેદા થવાની, કે સગપણ વગેરેની જે વાત પોતાને
ગોઠે છે તેમાં કેવું ધ્યાન રાખે છે? તો સ્વભાવ સમજવા માટે તો અપૂર્વ એકાગ્રતા જોઈએ જ. વકીલાતનું જ્ઞાન
તેમાં ધ્યાન રાખ્યા વગર થતું નથી, રસોઈ કેમ થાય તેનું જ્ઞાન તેમાં ધ્યાન રાખ્યા વગર થતું નથી તેમ આત્માની
સમજણ પણ ધ્યાન વગર થતી નથી. ધ્યાન રાખવું એટલે કે જ્ઞાનને તે તરફ એકાગ્ર કરવું. જો સ્વભાવ તરફ
જ્ઞાનને એકાગ્ર કરે તો જરૂર સમજાય.
(૨૨) જેટલી દેખવાની નિર્મળ અવસ્થા થાય તેની એકતા આત્મામાં છે, પણ જે પુણ્યની વૃત્તિ ઊઠે–
ગુણ–ગુણી ભેદની શુભ વૃત્તિ ઊઠે તેની એકતા આત્મામાં નથી. પુણ્ય–પાપ રહિત જેટલી સ્વભાવદશા છે તે જ
મુક્તિમાં જઈને મળે છે, પુણ્ય પાપના ભાવો તો બીજી જ ક્ષણે છૂટી જાય છે. આ રીતે, પરથી તો જુદો પાડયો
અને પોતામાં પણુ ભંગભેદનો આશ્રય છોડાવીને અભેદ અનુભવમાં લાવે છે. આ પ્રમાણે ઠેઠ મુક્તિની નજીક
લાવ્યા. અભેદનો અનુભવ તે જ મોક્ષનો ઉપાય છે. હે જીવ! બધા પરાશ્રય ભાવ અને ભેદભંગને પડતા મૂકીને
અભેદ સ્વભાવ તરફ વળ. અજ્ઞાની જીવ પણ પરનું કાર્ય તો કરી શકતો નથી. તો પછી જ્ઞાની તો તે વિકલ્પ પણ
કેમ કરે? પર લક્ષે થતા વિકલ્પથી પણ ખસીને નિર્વિકલ્પ સ્વભાવ તરફ ઢળવું તે જ મુક્તિનો ઉપાય છે. હું
દેખતા માટે જ દેખું છું’ એટલે કે દેખનારની પર્યાય દેખવારૂપ સ્વભાવમાં જ ટકી રહે એ માટે હું દ્રષ્ટાપણે દેખું જ
છું. ચેતનાનું સળંગપણું છે તે સ્વભાવની એકતામાં જાય છે.
(૨૩) જુઓ, આ અંતરની સૂક્ષ્મ વાત છે. આત્માનો મોક્ષ કેમ થાય તેની આવાત છે. આત્મા ને પરથી
તથા પુણ્ય–પાપથી છૂટો ઓળખીને સ્વભાવનો અનુભવ કેમ કરવો તેની આ વાત છે. સ્વરૂપમાં ઢળીને એકદમ
મોક્ષ લેવાની આ વાત છે. હું દ્રષ્ટાસ્વરૂપે દેખું જ છું, દેખતાને જ દેખું છું, દેખતામાં–દેખતાવડે–દેખતા માટે જ દેખું
છું–ઈત્યાદિ છ કારક સંબંધી વિકલ્પો વચ્ચે આવી જાય છે પરંતુ તે વિકલ્પમાં અટક્યા વગર, ચેતનાને સ્વભાવ
તરફ લંબાવીને–એકાગ્ર કરીને–ચેતન માત્ર ભાવમાં સ્થિર થઈને હું મને દેખું છું–આવો અભેદ અનુભવ કરવાની
આ જાહેરાત છે, આચાર્ય ભગવાન અભેદ સ્વરુપનો અનુભવ કરવા માટે મોક્ષાર્થી જીવોને આમંત્રણ કરે છે.
(૨૪) હું દેખું છું–મને દેખું છું–ઈત્યાદિ છ કારક ભેદના વિકલ્પ હોવા છતાં તે છએ કારકમાં દેખનારો તો
એક જ કાયમ સળંગ છે, દેખનાર છ ભેદરૂપ થઈ જતો નથી. અહીં નિમિત્તથી દેખું છું કે રાગથી દેખું છું કે
ઈન્દ્રિયોથી દેખું છું –એવી તો વાત જ નથી, કેમકે એ બધાનું લક્ષ છોડીને હવે સ્વભાવ તરફ વળે છે, ને સ્વભાવ
તરફ વળતાં વળતાં વિકલ્પ ઊઠે છે તેનો નિષેધ કરે છે.
હવે છ કારક ભેદના જે વિકલ્પ ઊઠે છે તેનો નિષેધ કરે છે. –“હું નથી દેખતો, નથી દેખતો થકો દેખતો,
નથી દેખતા વડે દેખતો, નથી દેખતા માટે દેખતો, નથી દેખતામાંથી દેખતો, નથી દેખતામાં દેખતો કે નથી
દેખતાને દેખતો. પરંતુ સર્વ વિશુદ્ધ દર્શનમાત્ર ભાવ છું.” આ રીતે ધર્મી આત્માનો અનુભવ કરે છે અને તે જ
મોક્ષનો ઉપાય છે.
(૨પ) અહીં “હું નથી દેખતો” ઈત્યાદિ પ્રકારો કહ્યા છે તેમાં કાંઈ દેખવાપણાનો નકાર કર્યો નથી પરંતુ
‘હું’ અને ‘દેખનાર’ એવા જે ગુણગુણી ભેદ પડે છે તેનો નકાર કર્યો છે. અનુભવ વખતે આત્મામાંથી દ્રષ્ટા
શક્તિ ચાલી જતી નથી પરંતુ ‘હું દ્રષ્ટા છું’ એવો વિકલ્પ હોતો નથી. અહીં દ્રષ્ટા શક્તિ સંબંધી વિકલ્પ તોડીને
અભેદમાં ઠરવા માટે આ વાત લીધી છે. ભેદનો નકાર કરવામાં પણ વિકલ્પ છે. ‘મારામાં ભેદ નથી’ એમ
ભેદનો નકાર કરવામાં પણ નિષેધનો વિકલ્પ છે. માટે ખરેખર ‘ભેદનો નિષેધ કરું’ કે ‘વિકલ્પ ટાળું એવા લક્ષે
ભેદનો વિકલ્પ ટળતો નથી, પણ અભેદના અનુભવમાં ઠરતાં જ ભેદનો વિકલ્પ ટળી જાય છે. પરંતુ સમજાવવું
કઈ રીતે? કથનમાં તો ભેદ પડ્યા વિના રહે નહિ. અનુભવ વખતે વિકલ્પ ન હોય પણ જ્યારે અનુભવનું વર્ણન
કરવા બેસે ત્યારે તો (છદ્મસ્થને) વિકલ્પ હોય છે ને કથનમાં ભેદ આવે છે. જો સમજનાર પોતે આશયને
સમજીને અભેદને લક્ષમાં લઈ લ્યે તો જ તે વસ્તુને અનુભવી શકે.
(૨૬) ધર્માત્મા જીવ અથવા તો ધર્મી થવાની તૈયારીવાળો જીવ ભાવના કરે છે કે હું એક અખંડ
ચેતનાર સ્વભાવ છું. ‘હું’ અને ‘દેખનાર’ એવા બે ભેદ મારામાં કેવા? આમાં ચેતનાને વિશેષ લંબાવીને
સ્વભાવ સાથે એકતા કરીને વિકલ્પ તોડવાના પુરુષાર્થની ઉગ્રતા છે.