Atmadharma magazine - Ank 074
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 21 of 23

background image
: ૩૮: આત્મધર્મ: ૭૪
આ જ ધર્મનો ઉપાય છે. હે જીવ! “મારાથી આ ન થાય” એમ ના ન પાડીશ. હા જ પાડજે. સ્વભાવના હકારથી
ઉપડ્યો તો આ સમજાશે, અસ્તિના જોરે જ આવી દશા પ્રગટી જશે. પણ ના પાડીશ તો નાસ્તિમાંથી આ દશા
કદી આવશે નહિ. માટે પહેલેથી પરાણે હા પાડવી. ‘પરાણે હા પાડવી’ એટલે કે અંતરમાં હા પાડીને સમજવાનો
પુરુષાર્થ કરવો. જો પહેલેથી જ ના પાડશે તો તેનો પુરુષાર્થ આઘો નહિ ચાલે.
(૨૭) વિકલ્પ હોવા છતાં ધર્મી જીવ વિચારે છે કે આ વિકલ્પમાં અટકતો ભાવ મારૂં સ્વરૂપ નથી, હું તો
સળંગ દ્રષ્ટા–જ્ઞાતા સ્વરૂપ જ છું. દ્રષ્ટા–જ્ઞાતા સિવાય બીજું મારું કર્મ નથી. હું કર્તા અને દ્રષ્ટા–જ્ઞાતાપણાની ક્રિયા
તે મારું કર્મ એવા બે ભેદનો વિકલ્પ પણ મારા સ્વરૂપમાં નથી. મારા એક સ્વભાવમાં બે પ્રકાર નથી.
પહેલાંં ‘હું દેખું જ છું’ એમ હકારથી વાત લીધી ને પછી ‘હું નથી દેખતો’ એમ ભેદના નકારથી વાત
લીધી, એ બંનેમાં રાગનો વિકલ્પ છે. સ્વરૂપમાં એકાગ્રતા વખતે વિકલ્પ હોતો નથી. અહીં ભેદના નકારનો
વિકલ્પ વર્તતો હોવા છતાં તે નકારના વિકલ્પ પાછળ જે અસ્તિ સ્વભાવ છે તે જ્ઞાનમાં અભેદપણે આવે છે અને
તે અભેદ તરફ વલણના જોરે જ ભેદનો વિકલ્પ તૂટી જવાનો છે.
(૨૮) અહીં, કોઈ જડ કર્મો આત્માને અનુભવ કરતાં રોકે છે–એમ નથી કહ્યું, પણ ભેદનો વિકલ્પ આડો
આવે છે–એમ કહ્યું છે. અજ્ઞાનીઓ માને છે કે વ્યવહાર મદદગાર છે પણ અહીં તો કહે છે કે ભેદના વિકલ્પરૂપ
વ્યવહાર વચ્ચે આવે છે તે અભેદ સ્વભાવના અનુભવને રોકે છે. પોતાના સ્વરૂપની અનુભૂતિમાં વચ્ચે જે
વિકલ્પ આડો આવી પડે છે તેને અભેદના લક્ષે છોડી દેવાની વાત કરીને અભેદમાં સ્થિરતા કરવાનું બતાવે છે.
(૨૯) અનુભવમાં કારકભેદના વિકલ્પ નથી. એમ નકારથી કહ્યું, પરંતુ ત્યાં છે શું? અનુભવ કરનાર
કેવો અનુભવ કરે છે? તે કહે છે. ‘સર્વ વિશુદ્ધ દર્શનમાત્ર એક નિર્મળભાવ છું’ એવો નિર્વિકલ્પ અનુભવ થાય
છે. આ અનુભવ વખતે ‘હું સર્વ વિશુદ્ધ દર્શનમાત્ર છું’ એવો વિકલ્પ પણ છૂટી ગયો છે. પહેલાંં અવ્યક્તપણે જે
વાત પ્રતીતમાં લીધી છે તેને ભાવનામાં વ્યક્ત કરે છે–પ્રગટ અનુભવ કરે છે. આ ભાવના તે નિર્મળ પર્યાયરૂપ
છે. મોક્ષમાર્ગ તે દ્રવ્ય કે ગુણ નથી પણ નિર્મળ પર્યાય જ છે. વિકલ્પ પર્યાય ફેરવીને અભેદમાં ઢળે છે. જે જીવે
સતનું શ્રવણ કરીને અભેદ સ્વભાવને લક્ષમાં લીધો તથા ઠેઠ સ્વભાવના વિકલ્પ સુધી આવ્યો તે હવે સ્વભાવનો
પ્રગટ અનુભવ કર્યા વગર પાછો જાય... એમ બને જ નહિ. વિકલ્પ કરતાં કરતાં આગળ વધતો નથી, પણ
પહેલેથી જ જે અભેદના લક્ષે ઉપડ્યો છે તે વિકલ્પ તોડીને અભેદને પહોંચી વળે છે.
(૩૦) પ્રશ્ન:– આ બધું કોને સંભળાવો છો?
ઉત્તર:– આ જેનાથી થઈ શકે તેમ છે તેને કહેવાય છે. આ જીવની વાત છે. તે દરેક જીવથી થઈ શકે તેવી
છે માટે કહેવાય છે; કાંઈ જડની સામે આ વાત સમજાવાતી નથી. ચેતનમાં બધું જ સમજવાની તાકત છે અને ન
સમજાય એ કેમ બને? હે જીવ! ભગવાને જે કહ્યું છે તે બધું તારાથી થઈ શકે છે માટે જ કહ્યું છે. તારામાં જેટલી
શક્તિ જોઈ છે તેટલું જ ભગવાને કહ્યું છે, તારાથી ન થઈ શકે એવું કાંઈ પણ ભગવાને કહ્યું નથી. માટે ‘મને
નહિ સમજાય’ એમ ના પાડવી જ નહિ. તું ચેતન સમજવાની શક્તિવાળો છે અને તને સમજવાનું જ કહ્યું છે,
પણ કાંઈ ચેતનમાંથી જડ થઈ જવાનું તને કહ્યું નથી, કેમ કે તે તારાથી થઈ શકતું નથી. પણ સમજણ તો તારું
સ્વરૂપ જ છે અને તે તારાથી થઈ શકે છે.
લોકોમાં પણ જેનાથી મણીકા ઊપડી શકે તેમ હોય તેને કહે છે કે વખારેથી મણીકું લઈ આવ, પણ કાંઈ બે
વરસના બાળકને તેમ કહેતા નથી. તેમજ જેને રાંધતાં આવડે તેવી બહેનને રસોઈ કરવાનું કહે છે, કાંઈ છ
મહિનાની બાળકીને કોઈ રસોઈ કરવાનું કહેતાં નથી. કેમકે ત્યાં સામાની શક્તિ જોઈને જ કામ બતાવે છે. અરે
ભાઈ! ત્યાં તો જોનારા અજ્ઞાની પણ હોય છે, પરંતુ અહીં તો ત્રણ લોકના નાથ, પરમ પિતા ચૈતન્યમૂર્તિ સર્વજ્ઞ
ભગવાન તારી લાયકાત જોઈને તને કહે છે કે ‘તું આત્મા છે, જ્ઞાન દર્શનમય છે, તારામાં પરિપૂર્ણ જ્ઞાન દર્શનની
તાકાત છે, માટે જ્ઞાન–દર્શન સિવાય બધા પરભાવોને છોડી દે અને એકલા જ્ઞાયક–દર્શક આત્માની જ પ્રતીત
કરીને તેનો જ અનુભવ કર. એ જ મુક્તિનો ઉપાય છે.’ ભગવાને એવો ઉપદેશ કર્યો અને જો તું એમ કહે કે એ
મારાથી કેમ થાય? તો તેં સર્વજ્ઞને જ માન્યા નથી અને તારા આત્માને પણ માન્યો નથી.