Atmadharma magazine - Ank 075
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 21

background image
પોષ: ૨૪૭૬ : ૫૯:
–પાપ કરીને અનંતવાર સ્વર્ગમાં ને નરકમાં ગયો, ઢોર ને મનુષ્ય પણ થયો. નરકગતિ નીચે છે. જે શિકાર,
માંસ, દારુ, તથા પરસ્ત્રીસેવન વગેરે આકરાં પાપ કરે છે તે નરકમાં જાય છે. ત્યાં મહા દુઃખ છે.
અનંતકાળમાં આ ચૈતન્યતત્ત્વની સમજણ દુર્લભ છે. તે માટે અંતરમાં ઊંડો વિચાર જોઈએ. અંતરદ્રષ્ટિથી
એક સેકંડ પણ આત્માને જાણ્યો નથી. આત્મા કેવો છે તેનું આ વર્ણન ચાલે છે.
આત્મા નિત્ય છે અને અનિત્ય પણ છે. આત્મદ્રવ્ય કાયમ ટકનાર છે, આ શરીર તો નાશવાન છે.
શરીરમાં રોગ થાય છે, તેને જીવ મટાડી શકતો નથી. ‘આ રોગ ઝટ મટી જાય’ એવી ઈચ્છા થવા છતાં રોગ
મટતો નથી, માટે એવો નિયમ થયો કે આત્માની ઈચ્છા પરચીજમાં કામ કરતી નથી. અને તે ઈચ્છા નવી નવી
થાય છે, માટે તે આત્માનું કાયમી સ્વરૂપ નથી. દેહની સ્થિતિ પૂરી થતાં તેને રાખવા કોઈ સમર્થ નથી. માટે દેહથી
ભિન્ન અને ઈચ્છારહિત આત્માનું સ્વરૂપ છે; તે કાયમ ટકીને ક્ષણે ક્ષણે તેની અવસ્થા બદલ્યા કરે છે, એવો તેનો
સ્વભાવ છે. એવા સ્વભાવની ઓળખાણથી જ ધર્મની શરૂઆત થાય છે. એ સિવાય શરીરની ક્રિયાથી કે પુણ્યથી
ધર્મની શરૂઆત થતી નથી.
આ આત્મા કાયમ રહીને પલટયા કરે છે. આત્માની વિકારીદશા તે સંસાર છે અને આત્માની નિર્મળદશા
તે મોક્ષ છે. શરીર તો સંયોગી છે, તે તારો સ્વભાવ નથી, ને ક્ષણિક વિકાર પણ તારો સ્વભાવ નથી, પણ
ત્રિકાળી સ્વભાવનું વેદન થાય એવો તારો સ્વભાવ છે. આત્મામાં અનિત્યસ્વભાવ કાયમ છે, વિકારી પર્યાય
સદાય રહેતી નથી માટે તે ખરેખર આત્માનો અનિત્યસ્વભાવ નથી, પણ ક્ષણે ક્ષણે છે જાણવાની પર્યાય થયા કરે
છે તે જ આત્માનો અનિત્યસ્વભાવ છે; નવી નવી જ્ઞાન પર્યાયો સદાય થયા જ કરે છે, –એવો આત્માનો
અનિત્ય સ્વભાવ છે.
આ વાત શ્રવણ–કરીને અંતરમાં તેનું મંથન કરવું જોઈએ. જેમ દરિયો ઉપરથી સરખો લાગે પણ અંદર
ઘણો ઊંડો છે, કાંઠે ઊભા ઊભા તેની ઊંડાઈનું માપ આવે નહિ. તેમ કેટલાકને આત્માની વાત કાને પડે છે, પણ
અંદરની જે ઊંડપ અને ગંભીરતા છે તેને ઓળખતા નથી. કાઠે ઊભા ઊભા જુએ ને ક્ષણિક રાગ–દ્વેષ જેટલો
આત્મા માને તો આત્માની ઊંડપનું માપ આવે નહિ. પણ અંદર પરમાત્મશક્તિ છે, તેને ઓળખીને તેનો વિશ્વાસ
કરે તો આત્માનો મહિમા સમજાય. ઓછું જ્ઞાન છે ને રાગ–દ્વેષ છે તે તો કાંઠો છે, અંદરમાં તો પરમાત્મશક્તિ
ભરી છે. શરીર હું નહિ, પુણ્ય–પાપ–ક્રોધાદિ હું નહિ, અલ્પજ્ઞ હું નહિ. મારા સ્વભાવમાં પરિપૂર્ણ જ્ઞાનશક્તિ ભરી
છે, એવો પોતાની પ્રભુતાનો વિશ્વાસ તે જ પરમાત્મા થવાની કળા છે. એ સમજવા માટે અંદરમાં ધગશ થવી
જોઈએ કે અરેરે! મારું શું થશે? હું ક્યાં જઈશ? આ તો બધું અહીં પડ્યું રહેશે, પણ હું અહીંથી ક્યાં જઈશ?
મારે તો આત્મા સમજવો છે. –એમ અંતરમાં ધગશ કરીને સત્સમાગમ કરે તો આવો આત્મા સમજાય, ને જન્મ–
મરણ ટળે. આ આત્મા તો બાળ–ગોપાળ બધાને સમજાય તેવો છે. ખેડૂતના આત્માને પણ સમજાય તેવી વાત
છે. બધા આત્મા ભગવાન છે, પણ પોતે કોણ છે તેની ખબર નથી એટલે બીજે અભિમાન કરીને સુખ માને છે.
શરીરથી જુદો પોતે કેવો છે તેની ખબર નથી તેથી તેનું અભિમાન કરે છે ને તેમાં સુખ માને છે. જો
શરીરથી જુદો આત્મા છે તેને યથાર્થપણે જાણે તો શરીરનું અભિમાન ટળી જાય, ને ધર્મની શરૂઆત થાય.
તેમ પાપ વગરનો પોતે કેવો છે તે જાણતો નથી તેથી પાપકાર્યોમાં–વિષયોમાં સુખ માને છે ને તેનો
અહંકાર કરે છે, જો પાપરહિત આત્મસ્વભાવને ઓળખે તો તે અભિમાન ટળી જાય.
વળી પુણ્ય વગરનો પોતે કેવો છે તે જાણતો નથી, તેથી પુણ્યનાં અભિમાન કરીને તેમાં સુખ માને છે,
પણ આત્મા પુણ્ય વગરનો પૂરો જ્ઞાનસ્વરૂપ છે, તેને ઓળખે તો પુણ્યનાં અભિમાન ઊડી જાય.
અને પોતાનું પૂરું જ્ઞાનસ્વરૂપ છે તેને ઓળખતો નથી તેથી ઓછા જ્ઞાનનું અભિમાન કરીને અટકે છે, જો
પોતાના પૂરા જ્ઞાનસ્વરૂપને જાણે તો ઓછાનું અભિમાન ટળી જાય. એ રીતે પૂર્ણતાના લક્ષે શરૂઆત થાય છે.
પોતાનો પૂર્ણસ્વભાવ છે તેના લક્ષે જ ધર્મની શરૂઆત થાય છે.
એક બાળક રાત્રે ઘરે મોડો આવે તો પોતાને સરખી ઊંઘ આવતી નથી ને ગોતાગોત કરે છે, પણ આત્મા
પોતે પ્રભુ છે, તેને ભૂલી ગયો છે, પોતે ખોવાઈ ગયો છે તેને કદી ગોતવાની દરકાર કરતો નથી. પોતાની
પ્રભુતાને ભૂલીને નિરાંતે ઊંઘે છે, પણ પોતાની પ્રભુતાને સમજવાની દરકાર કરતો નથી. પોતાના આત્માની
પ્રભુતાની ઓળખાણ કરવી તેને ધર્મ કહેવાય છે.