• ધર્મી જીવન મત •
પદ્મનંદિ પંચવિંશતિનો એકત્વ – અધિકાર વંચાય છે.
આત્મા અનાદિ જ્ઞાનસ્વભાવી વસ્તુ છે. ધર્મ અને અધર્મ બંને તેની અવસ્થાઓ છે. આત્માનો ધર્મ કે અધર્મ
આત્માની અવસ્થાથી જુદો ન હોય. આત્મા શું ચીજ છે અને તેને ધર્મ–અધર્મ ક્યાં થાય છે તે વાત જીવોએ
અનંતકાળથી જાણી નથી. આત્મા કોઈ સંયોગી ચીજ નથી પણ સ્વભાવિક વસ્તુ છે. જેમ લાકડું ઘણા પરમાણુઓ ભેગાં
થઈને બનેલી સંયોગી ચીજ છે, તેમ આત્મા ઘણા પદાર્થો ભેગાં થઈને બનેલો નથી, પણ સ્વતઃસિદ્ધ અખંડ પદાર્થ છે. જે
સ્વરૂપે આત્માનું હોવાપણું છે તેના ભાન વિના બીજી રીતે હોવાપણું માન્યું છે, તેથી જીવ સંસારમાં રખડે છે, તે
રખડવાનું કેમ ટળે તેની આ વાત છે.
सयोगेन यदायातं मत्तम्तत्सकलं परम્।
तत्परित्यागयोगेन मुत्तोऽहमिति मे मतिः।। २७।।
સમ્યગ્દ્રષ્ટિ એમ વિચારે છે કે જે વસ્તુઓ સંયોગથી ઉત્પન્ન થઈ છે તે બધી મારાથી ભિન્ન છે. સંયોગથી ઉત્પન્ન
થયેલ તે સમસ્ત વસ્તુઓના ત્યાગથી હું મુક્ત છું–એવી મારી મતિ થઈ છે, અર્થાત્ મારો સ્વભાવ સમસ્ત પર
વસ્તુઓથી ભિન્ન, મુક્ત–સ્વરૂપ છે–એવી મારી મતિ થઈ છે. બસ! આ ‘હું મુક્ત–સ્વરૂપ છું’ એવી મતિ થઈ તે જ
સંસારપરિભ્રમણ મટાડવાનો અને મુક્તદશા પ્રગટાવવાનો ઉપાય છે.
હું રાગી છું, હું શરીરવાળો છું–એવી સયોગબુદ્ધિ તે અધર્મ છે. ધર્મી જીવ પોતાના મતિજ્ઞાનને સ્વભાવ તરફ
વાળીને કહે છે કે ‘मुक्तोऽह इति मे मतिः’ –હું મુક્ત છું એવી મારી મતિ છે. આમ ધર્મીને પોતાને પોતાની નિઃશંકતા
આવી જાય છે. સંયોગે આવેલી કોઈ ચીજ મારી નથી. શરીર, મન, વાણી હું નથી, અને સંયોગ તરફના વલણથી થયેલી
શુભ–અશુભ લાગણીઓ પણ હું નથી.
ધર્મ કરનાર જીવની મતિ કેવી હોય? અથવા કેવી માન્યતાથી જીવને ધર્મ થાય? તેની આ વાત છે. આ
એકત્વઅધિકાર છે; ધર્મી જીવ પોતાના જ્ઞાનનું એકત્વ ક્યાં કરે છે તે વાત આચાર્યદેવે આ ગાથામાં મૂકી છે. શરીર તે હું
કે રાગ તે હું–એમ શરીરમાં કે રાગમાં ધર્મી જીવ જ્ઞાનનું એકત્વ કરતા નથી, પણ હું મુક્તસ્વરૂપ છું–એમ પોતાના
સ્વભાવ તરફ જ્ઞાનનું એકત્વ કરે છે. શરીરની ક્રિયા હું કરું છું ને પુણ્ય કરતાં કરતાં ધર્મ થશે–એવી જેની બુદ્ધિ છે તેને
‘હું મુક્ત છું’ એવી મતિ થાય નહિ એટલે કે સમ્યગ્જ્ઞાન થાય નહિ. સમ્યગ્જ્ઞાની–ચોથા ગુણસ્થાનવાળો ધર્માત્મા એમ
જાણે છે કે શરીર, મન, વાણી કે તેની કોઈ ક્રિયાઓ મારી નથી અને પુણ્ય કે પાપની વૃત્તિનું ઉત્થાન થાય તે પણ
સંયોગે થયેલો વિકાર છે, તે મારી સ્વાભાવિક ચીજ નથી. એ પ્રમાણે સંયોગ અને સંયોગીભાવ તરફનું વલણ છોડીને
અંતરમાં જ્ઞાયકસ્વભાવ સન્મુખ થતાં ‘હું મુક્ત છું’ એવો મારો અનુભવ છે.
જેમ નાળિયેરમાં છોતાં અને કાચલી સફેદ ટોપરાથી જુદાં છે, ને ટોપરા ઉપરની જે રાતી છાલ છે તે પણ
કાચલી તરફનો ભાગ છે, સફેદ અને મીઠો ટોપરાનો ગોટો તે ત્રણેથી ભિન્ન છે. તેમ આ જ્ઞાયકમૂર્તિ આનંદરસનો કંદ
ભગવાન આત્મા, શરીરરૂપી છોતાંથી, કર્મરૂપી કાચલીથી અને રાગદ્વેષરૂપી રાતપથી ભિન્ન છે. ક્ષણિક પર્યાયમાં જે
રાગદ્વેષ થાય છે તે મારા સ્વભાવને આશ્રયે થયેલો ભાવ નથી એટલે તે મારો સ્વભાવભાવ નથી પણ સંયોગના
આશ્રયે થયેલા હોવાથી સંયોગી ભાવ છે. જે કોઈ પણ સંયોગે આવેલા ભાવો છે તે બધા મારાથી પર છે, હું મુક્તસ્વરૂપ
છું–આવી ધર્મીની મતિ હોય છે.
‘હું મુક્તસ્વરૂપ છું’ એવા અભિપ્રાયથી મુક્તિના માર્ગની શરૂઆત થાય કે ‘હું રાંકો છું, હું બંધાયેલો છું, હું રાગી
છું’ એવા અભિપ્રાયથી મુક્તિના માર્ગની શરૂઆત થાય? હું મુક્તસ્વરૂપી છું–એવો સમ્યક્ અભિપ્રાય થયા વગર મુક્તિ
તરફનો પુરુષાર્થ પ્રગટે નહિ. ભગવાન્! ‘આ મારાં ને હું એનો’ એવો જે સંયોગી ચીજનો અહંકાર તે તારા સ્વભાવની
દ્રઢતાનો નાશ કરે છે. ચૈતન્યને ચૂકીને પરમાં અહંબુદ્ધિથી ક્ષણે ક્ષણે તારા જ્ઞાતાભાવમય જીવનનું મરણ થાય છે.
સંયોગબુદ્ધિનું ફળ સંસાર છે, અને હું મુક્ત છું–એવી સ્વભાવબુદ્ધિનું ફળ મુક્તિ છે. દયા, ભક્તિ, હિંસા વગેરે જે વિકારી
ભાવો થાય છે તે પહેલાંં ન હતા ને સંયોગે નવા થયેલા છે એટલે તે ભાવો સંયોગી છે. આત્મા સંયોગે થયેલો નથી પણ
ત્રિકાળી એકરૂપ સ્વાભાવિક પદાર્થ છે. ધર્મ કરવો હોય એટલે કે મુક્તિ કરવી હોય તે જીવને પહેલાં તો એવી મતિ થાય
કે વસ્તુ ત્રિકાળ મુક્ત છે, મોક્ષદશા પ્રગટ થાય પહેલાંં જ વસ્તુસ્વભાવે તો હું મુક્ત જ છું. જેમ ટોપરામાં રતાશ અને
કાચલી તેનો સ્વભાવ નથી તેથી તે જુદાં પડી જાય છે, પણ ધોળાશ અને મીઠાસ તેનો સ્વભાવ છે તેથી તે જુદાં પડી
શકતાં નથી. તેમ આ ચૈતન્યમૂર્તિ આત્મામાં રાગાદિ ભાવો થાય તે તેનો સ્વભાવ નથી તેથી મુક્તદશામાં તે ટળી જાય
છે, પણ જ્ઞાન અને આનંદ તો તેનો સ્વભાવ છે, તે કદી ટળતો નથી. આમ ઓળખીને, રાગાદિ સંયોગીભાવ તે હું નહિ
પણ રાગરહિત વીતરાગ જ્ઞાતાદ્રષ્ટા મુક્તસ્વરૂપ તે હું–આવી પ્રતીત કરવી તે મુક્તિનું સાધન છે.
– પદ્મ. એકત્વ અધિકાર ગા. ૨૭ માગસર વદ ૧૪ ચૂડા શહેરમાં પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી.