: ૧૩૮ : આત્મધર્મ : વૈશાખ : ૨૦૦૬ :
આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ સુજાણ; ગુરુઆજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન.
શરીરમાં રોગ થાય તેનું દુઃખ આત્માને નથી, પણ આત્મ–સ્વરૂપની ભ્રાંતિથી પરમાં પોતાપણું માને છે. તે ઊંધી
માન્યતાનું અનંત દુઃખ છે. સત્સમાગમે આત્માની યથાર્થ ઓળખાણવડે જ તે દુઃખ ટળે છે. આ આત્માનો ચિદાનંદ
સ્વભાવ છે, તે બધા પર સંયોગથી જુદો છે; તેથી કોઈ પ્રતિકૂળ સંયોગનું તેને દુઃખ નથી, તેમ જ કોઈ અનુકૂળ
સંયોગનું સુખ નથી. પણ સંયોગમાં ‘આ હું, અને આ મને થયું’ એવી જે એકત્વબુદ્ધિ છે તે જ દુઃખ છે. એ જ પ્રમાણે
નિર્ધનતા તે દુઃખ નથી, ને સધનતા તે સુખ નથી. નિર્ધનપણું તે કાંઈ અવગુણ નથી. શરીરમાં રોગ થાય તે દુઃખ નથી,
ને શરીરની નીરોગતા તે સુખ નથી. સ્ત્રી–પુત્રાદિનો વિયોગ થાય તે દુઃખ નથી, ને તેના સંયોગમાં સુખ નથી. લોકોએ
બાહ્ય સંયોગથી સુખ–દુઃખની કલ્પના કરી છે, તે ભ્રાંતિ છે. અને એ ભ્રાંતિથી જ જીવને દુઃખ છે. એ ભ્રાંતિ જીવે પોતે
અજ્ઞાનભાવે ઊભી કરી છે, તેથી તેનું દુઃખ મટાડવા બીજો કોઈ સમર્થ નથી. જીવ પોતે સત્સમાગમે સાચી સમજાણ
પ્રગટ કરીને તે ભ્રાંતિ ટાળે તો જ તેનું દુઃખ મટે. આ પ્રમાણે, હું કોઈ બીજાનું દુઃખ દૂર ન કરી શકું અને કોઈ બીજો મારું
દુઃખ દૂર ન કરી શકે એમ સમજે તો પોતામાં સ્વભાવનું શરણ લઈને સુખ–શાંતિ પ્રગટ કરે. પણ, હું પરનાં દુઃખ ટાળું ને
પર મારાં દુઃખ ટાળે–એમ જે માને તેને પર સામે જ જોયા કરવાનું રહ્યું, પરથી ખસીને પોતાના સ્વભાવ તરફ
આવવાનો અવકાશ રહ્યો નહિ. પર સાથેની એકત્વબુદ્ધિ તે સંસારનું મૂળ છે. શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે કે–
ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતાં વિલય થતાં નહિ વાર.
આત્માને ભૂલીને પરમાં અને વિકારમાં એકત્વબુદ્ધિ તે દુઃખ છે, તે જ સંસારનું મૂળ છે. અને પરથી ભિન્ન તેમ
જ વિકારરહિત અંતર્મુખ ચૈતન્યસ્વભાવના ભાનવડે આત્મામાં અપૂર્વ સુખ પ્રગટે છે. કોઈ સંયોગમાં આત્માનું સુખ કે
દુઃખ નથી. મિથ્યાત્વરૂપ મોહથી પરમાં સુખ–દુઃખની કલ્પના કરે છે તે મોહ જ આ સંસારનું મૂળ છે. અંર્તસ્વભાવ
તરફ વળતાં ક્ષણમાત્રમાં તે મોહનો નાશ થઈને અલ્પકાળે મુક્તદશા પ્રગટે છે. અંર્તસ્વભાવના ભાન વિના કદી મુક્તિ
થાય તેમ નથી.
આ જડ શરીર, સ્ત્રી, પૈસા, મકાન, વસ્ત્ર વગેરેમાં આત્માનો સંસાર નથી. પણ ‘આ મારું, આ મને ઈષ્ટ છે, આ
મને અનિષ્ટ છે’ –આવા જે મોહના વિકલ્પ જીવ કરે છે તે જ સંસાર છે. જીવનો સંસાર જીવથી જુદો ન હોય. સંસાર
ક્યાં રહેતો હશે? જીવનો સંસાર ક્યાંય બહારમાં નથી રહેતો, પણ જીવની અરૂપી વિકારી અવસ્થા તે જ સંસાર છે,
અને મરતાં તે વિકારીભાવરૂપ સંસારને સાથે લઈ જાય છે, શરીર વગેરે તો અહીં પડ્યાં રહે છે. જો શરીર, સ્ત્રી
વગેરેમાં જીવનો સંસાર હોય તો, મરતાં તે બધું છૂટી જાય છે તેથી જીવનો સંસાર છૂટીને તેની મુક્તિ થવી જોઈએ!
પરમાં સંસાર નથી, પણ મિથ્યાભ્રાંતિનો ભાવ જીવની અવસ્થામાં થાય છે તેને ભગવાન મુખ્યપણે સંસાર કહે છે.
આથી એમ ન સમજવું કે જગતમાં બીજા પદાર્થો જ નથી. જગતમાં શરીરાદિ જડ પદાર્થો છે ખરા, તે કાંઈ ભ્રમ નથી.
પરંતુ તે પરપદાર્થથી જીવને સુખ–દુઃખ માનવું તે ભ્રમ છે. જીવના મોહ અને વિકલ્પથી જ સંસાર ઊપજે છે, અને
અંર્તસ્વભાવની તરફ વળતાં સંસાર ટળે છે.
નજીકમાં નજીક રહેલા આ દેહને પણ સુધારવાની તાકાત આત્મામાં નથી, તો પછી તે બીજા જીવોનું કે દેશ
વગેરેનું શું કરી શકે? કોને મરવાની ઈચ્છા છે? કોને શરીરમાં રોગ લાવવાની ઈચ્છા છે? કોને કાળામાંથી સફેદવાળ
કરવાની ઈચ્છા છે? જીવની ઈચ્છા ન હોવા છતાં તે બધું થાય છે. શરીર ઉપર પણ જીવની સત્તા નથી ચાલતી, છતાં
દૂરના પદાર્થોનાં કામ હું કરી દઉં એમ જીવ માને છે તે મોટું પાખંડ અને અધર્મ છે. અંતરમાં પરનું હું કરું એમ માને
અને બહારમાં લક્ષ્મી–વસ્ત્ર વગેરે છૂટી જાય તેથી કાંઈ સંસાર છૂટી જતો નથી, કેમકે સંસાર બહારના પદાર્થોમાં નથી
પણ ઊંધી માન્યતામાં છે. અંર્તસ્વભાવની દ્રષ્ટિથી મોહ અને વિકલ્પનો નાશ થતાં સંસાર ટળી જાય છે.
– પદ્મ. એકત્વ અધિકાર ગા. ૨૬ માગસર વદ ૧૩ ચૂડા શહેરમાં પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી.
• મોક્ષ અને બંધનુ કારણ •
સાધક જીવને જ્યાંસુધી રત્નત્રયભાવની પૂર્ણતા નથી થતી ત્યાંસુધી તેને જે કર્મનું બંધન થાય છે તેમાં
રત્નત્રયનો દોષ નથી. રત્નત્રય તો મોક્ષના જ સાધક છે, તે બંધના કારણ થતાં નથી. પરંતુ તે વખતે રત્નત્રયભાવનો
વિરોધી એવો જે રાગાંશ હોય છે તે જ બંધનું કારણ છે.
જીવને જેટલા અંશે સમ્યગ્દર્શન છે તેટલા અંશે બંધન થતું નથી, પણ તેની સાથે જેટલા અંશે રાગ છે તે
રાગાંશથી તેટલા અંશે બંધન થાય છે.
(પુરુષાર્થસિદ્ધિ ઉપાય ગા. ૨૧૨, ૨૧૫)