Atmadharma magazine - Ank 079
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 21

background image
: વૈશાખ : ૨૦૦૬ : આત્મધર્મ : ૧૩૭ :
અને પોતે ઠંડુ પાણી પીએ, ત્યાં તૃષા છીપી કે નહિ–તે વૈદને પૂછવું ન પડે, તેમ અનંતકાળથી ભવભ્રમણમાં રખડતા
જીવને સત્સમાગમે ચૈતન્યની અપૂર્વ પ્રતીતિ થઈ ત્યાં મુક્તિની નિઃશંકતા થઈ, તેમાં ‘મારી મુક્તિ થશે કે નહિ’ એમ
ભગવાનને પૂછવું ન પડે. જેને પોતાની પરિણતિ સ્વભાવ તરફ કાર્ય કરી રહી હોય, પુરુષાર્થ સ્વભાવ તરફ ઢળતો
હોય, રુચિ અને જ્ઞાન ક્ષણે ક્ષણે સ્વભાવ તરફનું કાર્ય કરતાં હોય, તેને પોતાને તેની ખબર ન પડે એ કેમ બને? અને
તેને ભવની શંકા ન ટળે–એમ કેમ બને? જેમ બંધનમાં બંધાયેલા કોઈ પુરુષે બળ કરીને બંધનના અમુક બંધન છોડી
નાંખ્યા, અમુક ઢીલા કર્યા અને અમુક છૂટવાની તૈયારીમાં હોય, ત્યાં તે પુરુષને ‘હું છૂટીશ કે નહિ’ એવી શંકા રહેતી
નથી. તેમ ધર્મી જીવને પોતાનો આત્મા દર્શનમાં છૂટો મનાયો, જ્ઞાનમાં શુદ્ધ જણાયો, ચારિત્રમાં અલ્પ શુદ્ધતા પ્રગટી,
અને બાકીનાં અલ્પ રાગ–દ્વેષ રહ્યાં છે તેને પણ સ્વભાવના આશ્રયના જોરે અલ્પકાળમાં ટાળીને મુક્ત થવાનો છે; એને
બંધનની શંકા કેમ હોય? હું મુક્તસ્વરૂપ નથી પણ હું બંધાયેલો છું–એવી જેની મતિ છે તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે. ધર્મી જીવ
અવસ્થાના ક્ષણિક બંધનને જાણતો હોવા છતાં તેને ગૌણ કરીને સ્વભાવની મુખ્યતાના જોરે કહે છે કે હું મુક્તસ્વરૂપ
છું–એવી મારી બુદ્ધિ થઈ છે. –આનું નામ ધર્મ છે, આ અમૃતમાર્ગ છે, આ મુક્તિના રાહ છે.
અજ્ઞાની જીવ મૂઢપણે રાગને અને આત્માના સ્વભાવને એકમેક માને છે પણ જુદા જાણતો નથી, તેથી રાગ
વખતે તેને પોતાનું મુક્તસ્વરૂપ ભાસતું નથી, આખો આત્મા રાગી જ ભાસે છે. જેમ ભૂખ્યો હાથી અવિવેકપણે ચૂરમું
અને ઘાસ ભેગાં ખાય છે, તેમ પશુ જેવો અજ્ઞાની જીવ અવિવેકપણે આત્માના નિર્દોષ સ્વભાવને અને વિકારને
એકપણે અનુભવે છે, એટલે વર્તમાનમાં જ પોતાનો આત્મા મુક્તસ્વરૂપે તેને અનુભવમાં આવતો નથી. ધર્મી જીવ
અંતરની દ્રષ્ટિના વિવેક દ્વારા આત્માના સ્વભાવને અને વિકારભાવોને જુદા અનુભવે છે, એટલે અવસ્થામાં વિકાર
વિદ્યમાન હોવા છતાં વર્તમાનમાં જ પોતાના આત્માને મુક્તસ્વરૂપે તેઓ જાણે છે. દરેક મોક્ષાર્થી જીવોએ પહેલાંં પોતાના
આવા સ્વભાવનું ભાન કરવું જોઈએ. આત્મા તો જાગૃત ચૈતન્યસત્તા છે, તે સ્વ–પરને જાણે છે. પરને અને પુણ્ય–પાપને
પણ તેમાં ભળ્‌યા વગર જાણે છે–એવો સ્વભાવ છે. પોતાના સ્વભાવમાં અભેદ થઈને સ્વને જાણે છે, ને પુણ્ય–પાપમાં
એકમેક થયા વગર તેને જાણે છે. પુણ્ય–પાપને જાણતાં જો જ્ઞાન તેમાં એકમેક થઈ જાય તો તે જ્ઞાન પુણ્ય–પાપને
ખરેખર જાણી શકે નહિ. ધર્મી જીવને નીચલી દશામાં રાગ–દ્વેષ થાય છે તથા સ્વરૂપની સ્થિરતા કરવાની બાકી હોવા
છતાં, શ્રદ્ધામાં તેને પોતાના રાગદ્વેષ રહિત મુક્તસ્વભાવની પ્રતીતિ છે, તેથી તેના આશ્રયે અલ્પકાળે પૂર્ણ સ્થિરતા
પ્રગટ કરીને તે મુક્ત થાય છે.
– પદ્મ. એકત્વ અધિકાર ગા. ૨૭ માગસર વદ ૦) ચૂડા શહેરમાં પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી.
ભવભમ્રણનો
રોગ કેમ ટળે?

હું પરમાં ફેરફાર કરી શકું–એમ અજ્ઞાની જીવ માને છે. પણ હે ભાઈ! તારી ઈચ્છા પ્રમાણે શરીરમાં પણ ફેરફાર
થતો નથી. શરીરને નીરોગ રાખવાની તારી ઈચ્છા હોવા છતાં રોગ કેમ થાય છે? રોગને જલ્દી દૂર કરવાની ઈચ્છા હોવા
છતાં રોગ કેમ મટતો નથી? પરમાં કિંચિત્ ફેરફાર કરી શકે એવી આત્માની તાકાત જ નથી. આત્મા ઈચ્છા કરે, તે
ઈચ્છાની મર્યાદા તો ફક્ત આકુળતા થાય તેટલી જ છે. શુભાશુભ ઈચ્છાઓ તો નવી નવી થાય છે, ને બીજી ક્ષણે તે
પલટી જાય છે; તે ઈચ્છાઓ આત્માનો સ્વભાવ નથી. તે ઈચ્છારહિત આત્મસ્વભાવનું ભાન કરીને પછી તે ઈચ્છા ટળી
જતાં આત્માની પરમાનંદમય સર્વજ્ઞ મુક્તદશા પ્રગટ થાય છે. તે સર્વજ્ઞદશા પ્રગટ્યા પછી તીર્થંકર ભગવાનને “ એવો
અભેદધ્વનિ નીકળે છે, અને તે ધ્વનિમાં આત્મસ્વભાવનું પૂરું રહસ્ય એક સાથે આવે છે. સાધારણ રાગી જીવોની વાણી
ભેદવાળી હોય છે. ભગવાનને જ્ઞાયકસ્વભાવ અખંડ પ્રગટ્યો તેથી વાણી પણ અભેદ નીકળે છે. તે વાણીમાં શું કહ્યું?
તેની વાત ચાલે છે.
જગતમાં અનંત જીવો છે, તે દરેક ભિન્ન ભિન્ન છે. એકેક આત્મા પોતાના સ્વભાવથી પરિપૂર્ણ છે. અનાદિથી
જીવનો જે મૂળ સ્વભાવ છે તે કદી વિકારમય થતો નથી. અનાદિથી તે સ્વભાવને ભૂલીને મિથ્યાત્વમાં ગમે તેટલો કાળ
ગયો, પણ આત્માનો નિર્મળ જ્ઞાનસ્વભાવ છે તે મિથ્યાત્વસ્વરૂપે થઈ ગયો નથી. મિથ્યાત્વભાવ થાય છે તો આત્માની
જ અવસ્થામાં અને આત્માના જ અપરાધથી, પરંતુ આત્માનો સ્વભાવ જ જો તે મિથ્યાત્વસ્વરૂપે થઈ ગયો હોય તો
સ્વભાવનું ભાન કરીને તે મિથ્યાત્વ કદી ટળી શકે નહિ. જેમ શરીરમાં રોગ થાય તે શરીરનું ખરું સ્વરૂપ નથી, તેમ
મિથ્યાત્વ અને રાગદ્વેષભાવો આત્માનો સ્વભાવ નથી પણ અનાદિનો રોગ છે–વિકાર છે, તેથી તે ટળી શકે છે. કઈ રીતે
તે રોગ મટે? તે કહેવાય છે.