તેથી તેની યથાર્થ વાત સાંભળતાં તે સમજવી કઠણ લાગે છે. જો પાત્ર થઈને પરિચય કરે તો આ વાત સમજાય તેવી
છે. પોતાના આત્માને કેવા સ્વરૂપે ઓળખવાથી ધર્મ થાય તેની આ વાત ચાલે છે.
દ્વેષ વગેરે વિકારભાવો છે. ત્યાં વિકાર તે જ હું એમ માનીને વિકારબુદ્ધિથી જીવ સંસારમાં રખડે છે. ધર્મી જીવની દ્રષ્ટિ
એમ છે કે હું જ્ઞાનસ્વભાવી મુક્ત છું, રાગ–દ્વેષ થાય તે મારા સ્વભાવમાં નથી. જેમ સ્ફટિકમણિ સ્વભાવથી તો
ઉજ્જવળ છે, કાળા–રાતા પદાર્થોના સંયોગે જે રંગની ઝાંઈ દેખાય છે તે તેનો સ્વભાવ નથી, પણ વિભાવ છે. તેમ મારો
આત્મા ત્રિકાળી ચૈતન્યમૂર્તિ, પુણ્ય–પાપ રાગ–દ્વેષ રહિત મુક્તસ્વરૂપી છે; અવસ્થામાં પર તરફના વલણથી જે રાગ–દ્વેષ
થાય છે તે મારું સ્વરૂપ નથી, પણ ક્ષણિક વિકાર છે. તે ક્ષણિક વિકાર જેટલો હું નથી. સ્વભાવપણે હું મુક્ત છું–એવી
મારી મતિ છે. હું રાગી–દ્વેષી છું એવી મારી મતિ નથી પણ હું મુક્ત છું એવી મારી મતિ છે. એટલે કે મારું જ્ઞાન
વિકારસન્મુખ નથી પણ સ્વભાવસન્મુખ છે. પુણ્ય–પાપની લાગણીઓ થાય તે મારા મૂળ સ્વરૂપમાંથી આવતી નથી.
આ પ્રમાણે વિકારની રુચિ ટળીને સ્વભાવમાં જેની દ્રષ્ટિ પડી છે તે જ સમ્યગ્દ્રષ્ટિ–ધર્માત્મા છે; આવી દ્રષ્ટિ થયા વગર
બીજું ગમે તેટલું કરે તોપણ જરાય ધર્મ થતો નથી.
સ્વાશ્રયથી સ્વભાવની કબૂલાત છે. પોતાને પોતાની ખબર ન પડે–એવી વાત લીધી નથી. ધર્મી પોતે પોતાની
નિઃશંકતાથી કહે છે કે સ્વભાવની દ્રષ્ટિએ હું મુક્ત છું એવી મારી મતિ થઈ છે. પોતાને નિઃશંકતા થઈ છે, તેમાં કોઈ
બીજાને પૂછવું પડતું નથી. હજી પર્યાયમાં મુક્તિ થઈ નથી છતાં ધર્મી કહે છે કે હું મુક્ત છું. પર્યાયમાં અધૂરાશ અને
રાગદ્વેષ છે તેનો જ્ઞાનમાં ખ્યાલ વર્તે છે, પણ પર્યાયમાં રાગદ્વેષ થવા છતાં હું તેનો આશ્રય નથી કરતો, હું ત્રિકાળી
સ્વભાવનો જ આશ્રય કરું છું. એ પ્રમાણે સ્વભાવના આશ્રયે ધર્મી કહે છે કે હું મુક્ત છું. અંતરમાં આવા આત્માનું જ્ઞાન
કરવું તે જ મુક્ત થવાનો રસ્તો છે. અંતરમાં જે મુક્તસ્વરૂપની હા પાડે તેને તેમાંથી મુક્તદશા પ્રગટશે. પણ
મુક્તસ્વરૂપની જે ના પાડે છે તેને મુક્તદશા આવશે ક્યાંથી?
જાણનારું જ્ઞાન પોતે પુણ્ય–પાપથી બંધાયું નથી પણ જ્ઞાન તો પુણ્ય–પાપથી મુક્ત જ છે. આમ પુણ્ય–પાપ રહિત મુક્ત
જ્ઞાનસ્વભાવની પ્રતીત કરવી જોઈએ. જેમ માલ લેતી વખતે ભાવ અને તોલ નક્કી કરે છે તેમ આ ચૈતન્યને સમજવા
માટે જ્ઞાનદ્વારા નયપ્રમાણથી તેનું બરાબર માપ કરવું જોઈએ, બધા પડખાંથી નિર્ણય કરવો જોઈએ. જો માપ કરનારું
જ્ઞાન જ ખોટું હોય તો વસ્તુનું માપ સાચું આવે નહિ. તોલા અને કાંટો જ ફેરવાળા હોય ત્યાં સાચું માપ ક્યાંથી આવે?
એમ સાચા જ્ઞાન વગર જગત ધર્મ કરવા માગે તે ધર્મ ક્યાંથી થાય? અહો! અત્યારે તો ચૈતન્યસ્વભાવનું માપ કરનારા
જગતના કાંટા જ ખાદીલા થઈ ગયા છે. આત્મા પરનું કરે અને આત્મા પરને છોડે એવી રીતે આત્માનું માપ કરે છે, તે
મિથ્યાજ્ઞાન છે, તેમાં આત્માનું સાચું માપ ક્યાંથી આવે? બાહ્ય ત્યાગથી કે પુણ્યથી ધર્મનું માપ નથી પણ અંર્તદ્રષ્ટિથી
જ ધર્મનું માપ છે. ધર્મી જીવ પોતાના યથાર્થ જ્ઞાનથી આત્માને કેવો જાણે છે? તે અહીં કહે છે.
સ્વભાવમાં ભવ નથી. ભવનું કારણ વિકાર છે, તે વિકાર આત્માના સ્વભાવમાં નથી તેથી સ્વભાવદ્રષ્ટિમાં ધર્મીને
ભવની શંકા હોતી જ નથી. આમાં કેવળી ભગવાનને પૂછવા જવું પડતું નથી, પણ જ્યાં પોતાની જ્ઞાનપરિણતિ સ્વભાવ
તરફ વળી અને મુક્તસ્વભાવનો સ્વીકાર કર્યો ત્યાં નિઃશંકપણે ખબર પડે છે કે હવે અલ્પકાળે આ સ્વભાવના આશ્રયે
મુક્તદશા પ્રગટવાની છે. તૃષા લાગી હોય