Atmadharma magazine - Ank 080
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page  


PDF/HTML Page 21 of 21

background image
ATMADHARMA Regd. No. B. 4787
ચૈતન્યનો નિર્મળ વિપાક થાય છે.
અહીં કર્મને નિશાચર કહ્યા છે. નિશાચર એટલે રાત્રિના અંધકારમાં ફરનારા ચોર તો રાત્રિના
અંધકારમાં નુકસાન કરે, પ્રકાશમાં ચોરનું જોર ચાલે નહીં. તેમ શુભાશુભ કર્મો નિશાચર છે એટલે કે જ્યાં મિથ્યા
ત્વરૂપી અંધકાર હોય ત્યાં તેઓ નિમિત્તપણે નુકસાન કરે એમ કહેવાય; પણ મારા આત્મામાં તો મિથ્યાત્વ
અંધકાર ટળીને ચૈતન્યપ્રકાશ પ્રગટ્યો છે, તો તે પૂર્વ–કર્મરૂપી રાત્રિના ચોરો મને કાંઈ નુકસાન કરવા સમર્થ
નથી. ત્યાગ કે ચારિત્રદશા થયા પહેલાંં સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનની આ વાત ચાલે છે. ગૃહસ્થપણામાં રહેલા
ધર્મીને પણ આવી દ્રષ્ટિ અંતરમાં હોય છે.
અહો, ચિદાનંદ પ્રભુ! તું જ્ઞાતાદ્રષ્ટા, જગતનો સાક્ષી. પુણ્ય–પાપની લાગણીઓ પણ તારા જ્ઞાનનું જ્ઞેય છે.
પુણ્ય–પાપની લાગણીઓ તારા જ્ઞાનસ્વભાવ સાથે એકાકાર થતી નથી. આવા તારા જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ
કરીને તું જાગ્યો, ત્યાં પૂર્વ પ્રારબ્ધરૂપી ચોર તને શું કરશે? તારા આત્મામાં અજ્ઞાનરૂપી રાત્રી ટળીને જ્ઞાન–પ્રકાશ
ખીલ્યો છે, તો હવે રાત્રિમાં ફરનારા શુભાશુભ કર્મરૂપી નિશાચર તને શું કરશે? અહીં એમ સમજવું કે ધર્મી
જીવના વલણની મુખ્યતા કર્મના ઉદય તરફ નથી પણ પોતાના સ્વભાવ તરફ જ છે; તેથી ખરેખર તેને પૂર્વ
કર્મનું ફળ આવતું નથી પણ ક્ષણે ક્ષણે સ્વભાવ જ ફળે છે. જગતની કોઈ ચીજમાં મારે કાંઈ ફેરફાર કરવાનો
નથી, હું તો જ્ઞાતા મુક્ત છું. –આમ જ્યાં સમ્યગ્દ્રષ્ટિ જાગ્યો ત્યાં તે કહે છે કે પ્રારબ્ધ મને શું કરશે? પૂર્વના
પ્રારબ્ધ બાહ્ય સંયોગ ભલે આપે, પણ સંયોગમાં ઈષ્ટ–અનિષ્ટપણાની બુદ્ધિ મને ટળી ગઈ છે. મારા
જ્ઞાયકસ્વભાવમાં જગતની બધી ચીજો તો એક જ્ઞેય તરીકે જ છે. સાક્ષાત્ અરિહંત ભગવાન હો, કે છરો લઈને
માથું કાપનાર હો–બંને મારા જ્ઞાનના જ્ઞેયો જ છે અરિહંત ભગવાન ઈષ્ટ અને માથું કાપનાર અનિષ્ટ–એવા બે
પ્રકાર મારા જ્ઞાનસ્વભાવમાં નથી. અહીં મારો જ્ઞાયક સ્વભાવ એક અખંડ છે, તેમાં રાગ–દ્વેષ નથી, તેમ સામે
બધા જ્ઞેયો પણ એક જ પ્રકારે છે, આ ઈષ્ટ અને આ અનિષ્ટ–એવું તેમાં નથી. આ રીતે જ્ઞાનીને સંયોગમાં ઈષ્ટ–
અનિષ્ટપણાની બુદ્ધિ હોતી નથી. જે પદાર્થ જેમ હોય તેમ તેને જાણી લેવાનો જ્ઞાનનો સ્વભાવ છે. જગતના
પદાર્થોમાં ઈષ્ટ–અનિષ્ટપણું નથી, ને જ્ઞાનના સ્વભાવમાં પણ ઈષ્ટ–અનિષ્ટપણાની કલ્પના નથી. એક પ્રકારનો
(–રાગદ્વેષ રહિત) જ્ઞાતાસ્વભાવ છે, તેને બદલે પરમાં ઈષ્ટ–અનિષ્ટપણાની કલ્પના કરીને બે ભાગ પાડે તે
મિથ્યાદ્રષ્ટિ છે. ધર્મી તો જાણે છે કે જગતના કોઈ સંયોગો મને ઈષ્ટ–અનિષ્ટ નથી, હું તો અસંયોગી, રાગદ્વેષ
રહિત જ્ઞાયક મુક્તસ્વરૂપ છું,–આવી સ્વભાવદ્રષ્ટિમાં પૂર્વકર્મરૂપી ચોર મને કાંઈ કરવા સમર્થ નથી.
–પદ્મ૦ એકત્વ અધિકાર ગા. ૨૮ માગસર વદ ૦ાા
ચૂડા શહેરમાં પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી.
કોણ પ્રશંસનીય છે?
આ જગતમાં જે આત્મા નિર્મળ સમ્યગ્દર્શનમાં પોતાની બુદ્ધિ નિશ્ચળ રાખે છે તે,
કદાચિત્ પૂર્વના પાપકર્મના ઉદયથી દુઃખિત પણ હોય અને એકલો પણ હોય તોપણ,
ખરેખર પ્રશંસનીય હોય છે. અને એથી ઊલટું, જે જીવ અત્યંત આનંદને દેનાર એવા
સમ્યગ્દર્શનાદિ રત્નત્રયથી બાહ્ય છે અને મિથ્યામાર્ગમાં સ્થિત છે એવા મિથ્યાદ્રષ્ટિ મનુષ્યો
ભલે ઘણા હોય અને વર્તમાનમાં શુભ કર્મના ઉદયથી પ્રસન્ન હોય તોપણ તેઓ પ્રશંસનીય
નથી. માટે ભવ્યજીવોએ સમ્યગ્દર્શન ધારણ કરવાનો નિરંતર પ્રયત્ન કરવો જોઈએ.
પદ્મનંદી–દેશવ્રતોદ્યોતન અધિકાર–૨
મુદ્રક:– ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય: મોટા આંકડિયા: સૌરાષ્ટ્ર તા. ૮–૫–૫૦
પ્રકાશક:– શ્રી જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા: સૌરાષ્ટ્ર.