Atmadharma magazine - Ank 081a
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 21

background image
: ૧૯૬: આત્મધર્મ : દ્વિતીય અષાઢ: ૨૪૭૬
થઈને અંતરના હકાર પૂર્વક આ વાતનું વારંવાર શ્રવણ કરવું જોઈએ. હે જીવ! સત્સમાગમે સત્યનું શ્રવણ કરીને
એક વાર યથાર્થ રુચિથી હા પાડ. સત્યસ્વભાવની ‘હા’ પાડતાં પાડતાં, તેની ‘લત’ લાગતાં હા માંથી હાલત
થઈ જશે. જેવો પોતાનો સ્વભાવ છે તેની રુચિ કરીને હા પાડતાં તેવી હાલત પ્રગટ થઈ જશે. સત્યસ્વભાવની
હા પાડ તો સિદ્ધદશા થશે, અને સત્યસ્વભાવની ના પાડીને તેનો અનાદર કરતાં નરક–નિગોદ દશા થશે. સત્ય
વસ્તુસ્વભાવને લક્ષમાં લઈને તેની રુચિથી હા પાડવામાં પણ અપૂર્વ પાત્રતા છે.
ક્રોધાદિ અશુભભાવ કે દયાદિ શુભભાવ તે બંને આસ્રવ છે, જીવના સ્વભાવથી ભિન્ન છે. હું શરીરાદિ
પરનો કર્તા–એ બુદ્ધિ તો બહુ સ્થૂળ અજ્ઞાન છે. પરંતુ હું ક્રોધાદિ વિકારનો કર્તા અને તે ક્રોધાદિ મારું કર્મ–એવી
કર્તાકર્મપણાની બુદ્ધિ પણ અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે, અજ્ઞાનીને એવી કર્તાકર્મની પ્રવૃત્તિ અનાદિથી ચાલી આવે
છે, તે જ અધર્મ અને સંસારનું મૂળ છે. તે કર્તાકર્મની પ્રવૃત્તિ ક્યારે ટળે તે વાત અહીં આચાર્યદેવે સમજાવી છે.
ક્રોધાદિક ભાવોને અને આત્માને નિશ્ચયથી એક વસ્તુપણું નથી, બંનેનો સ્વભાવ ભિન્ન ભિન્ન છે. એ પ્રમાણે જીવ
જ્યારે આસ્રવો અને આત્માનું ભેદજ્ઞાન કરે છે ત્યારે અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તાકર્મની પ્રવૃત્તિ નિવૃતિ થાય છે.
ક્રોધાદિ ભાવો આત્માથી ભિન્ન વસ્તુ છે; એમ અહીં ક્રોધાદિ ભાવોને પણ ‘વસ્તુ’ કેમ કીધી? કેમ કે તે
ક્રોધાદિ અવસ્થામાં વીતરાગી અવસ્થાની નાસ્તિ છે, તે એક અવસ્થામાં બીજી અનંત અવસ્થાની નાસ્તિ છે, ને
તે અવસ્થાની પોતાપણે અસ્તિ છે, એવો તેનો અસ્તિનાસ્તિ સ્વભાવ છે, તેથી તે પણ વસ્તુ છે. તે ત્રિકાળી
દ્રવ્યરૂપ વસ્તુ નથી પણ ક્ષણિક પર્યાયરૂપ વસ્તુ છે. વિકાર વિકારપણે છે ને સ્વભાવપણે નથી, પૂર્વની કે પછીની
અવસ્થાપણે નથી, જડકર્મપણે નથી; એટલે પોતાના સ્વરૂપે તે વિકારની અસ્તિ અને બીજા અનંત પદાર્થોપણે
નાસ્તિ–એવા અનંત ધર્મ તેનામાં સિદ્ધ થયા. એક દ્રવ્યના અનંત ગુણો, અને તે એકેક ગુણોની અનંત પર્યાયો, તે
એકેક પર્યાયમાં અનંત અવિભાગ પ્રતિચ્છેદો, અને એકેક અવિભાગપ્રતિચ્છેદ અંશમાં બીજા અનંત અવિભાગ–
અંશની નાસ્તિ છે એટલે એકેક અવિભાગ પ્રતિચ્છેદ અંશમાં અનંત અસ્તિ–નાસ્તિ ધર્મ છે.
અહીં આત્માનો અને ક્રોધાદિક આસ્રવોનો ભિન્ન ભિન્ન સ્વભાવ બતાવીને આસ્રવોને આત્માથી ભિન્ન
વસ્તુ સિદ્ધ કરી છે. એટલે આ પ્રમાણે જાણીને આત્માના સ્વભાવ તરફ વળતાં આસ્રવોનો નિષેધ થઈ જાય છે.
આત્માના સ્વભાવ તરફ વળતાં વિકારનો નાશ કરવો પડતો નથી પણ થઈ જાય છે. સ્વભાવદ્રષ્ટિમાં આત્મા
વિકારનો કર્તા નથી, તેમ તેનો છોડનાર પણ નથી. આત્મા પરનું તો ગ્રહણ કે ત્યાગ કરતો નથી પણ ખરેખર
વિકારનું પણ ગ્રહણ કે ત્યાગ આત્માના સ્વભાવમાં નથી. દરેક આત્મામાં ‘ત્યાગોપાદાનશૂન્યત્વ’ નામની શક્તિ
ત્રિકાળ છે, એટલે આત્મા સ્વભાવથી વિકારનું ગ્રહણ કે ત્યાગ કરતો નથી. હું વિકારનો કરનાર છું–એવી જેની
બુદ્ધિ છે તે તો મિથ્યાદ્રષ્ટિ છે જ. પણ હું વિકારને છોડું–એવી જેની બુદ્ધિ છે તે પણ પર્યાયમૂઢ મિથ્યાદ્રષ્ટિ છે. કેમ
કે ‘હું વિકારને છોડું’ એવા લક્ષે વિકાર છૂટતો નથી પણ વિકારની ઉત્પત્તિ થાય છે, છતાં તેને વિકાર ટાળવાનો
ઉપાય માને છે તે જીવ પર્યાયબુદ્ધિ છે. વિકારને હું ટાળું–એવા લક્ષે પણ થાય છે તો વિકારની ઉત્પત્તિ, અને તે
જીવ માને છે એમ કે હું વિકારને ટાળું છું–એટલે તેણે વિકારના લક્ષે લાભ માન્યો, તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે. પણ
વિકારથી ભિન્ન મારો ચૈતન્યસ્વભાવ છે–એમ જ્ઞાનવડે ભેદ પાડીને આત્મસ્વભાવ તરફ વળતાં વિકારની ઉત્પત્તિ
જ થતી નથી. સ્વભાવ તરફ વળતાં આત્મા અને વિકારની ભિન્નતારૂપ પરિણમન સહેજે થતું જાય છે.
ધર્મી જીવ રાગને જાણે છે પણ ‘રાગ તે હું’ એમ તે રાગનો કર્તા થતો નથી. રાગની સન્મુખ થઈને
રાગને જાણતો નથી, પણ સ્વભાવની સન્મુખ રહીને રાગને જાણી લે છે. સ્વભાવ તરફ વળતાં સ્વને તેમ જ
વિકારને–પરને જાણે એવી સ્વ–પરપ્રકાશક જ્ઞાતાશક્તિ પ્રગટ થાય છે, તેથી તેમાં પરનું જ્ઞાન થઈ જાય છે, પણ
પરસન્મુખ વળીને પરને જાણવા જતો નથી.
જુઓ, આમાં ઘણા ન્યાયો આવી જાય છે. સ્વસન્મુખ થતાં જે સ્વપરપ્રકાશક જ્ઞાન ખીલ્યું તે જ્ઞાન સ્વને
જાણતાં, પરનિમિત્ત કેવા હતાં–સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર કેવાં હોય–તેને પણ યથાર્થપણે જાણી લે છે.
શ્રી પદ્મનંદી આચાર્ય કહે છે કે–
तत्प्रति प्रीतिचितेन येन वार्ताऽपि हि श्रुताः।
निश्चित स भवेद्भव्यो भावि निर्वाण भाजनम्।।