Atmadharma magazine - Ank 081a
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 21

background image
: દ્વિતીય અષાઢ: ૨૪૭૬ આત્મધર્મ : ૧૯૭:
જે જીવે પ્રસન્ન ચિત્તથી આત્મસ્વભાવની વાત પણ સાંભળી છે તે જીવ ભવિષ્યમાં થનારી મુક્તિનું
અવશ્ય ભાજન થાય છે. અહીં श्रुताः એટલે કે સાંભળી છે–એમ કહેવામાં સૂક્ષ્મ ન્યાય છે. સાંભળવાનું કહેતાં,
સંભળાવનાર નિમિત્ત કેવા હોય તેનું જ્ઞાન પણ આવી જાય છે. પોતે જાગીને ભાન કરે ત્યાં સામે કયું નિમિત્ત
હતું, કેવા દેવ–ગુરુ–શાસ્ત્ર નિમિત્તરૂપે હોઈ શકે તેનું પણ યથાર્થ ભાન થયા વગર રહેતું નથી. એવો
સ્વપરપ્રકાશક જ્ઞાનસ્વભાવ છે.
જુઓ ભાઈ, આ વાત સૂક્ષ્મ છે; પણ આ વાત સમજવાની દરેક જીવમાં તાકાત ભરી છે. એકેક આત્મા
સિદ્ધ ભગવાન જેવો છે. તેનો વિશ્વાસ લાવીને હોંશપૂર્વક શ્રવણ અને મંથન કરવું જોઈએ. ‘મને નહિ સમજાય’
એવી નમાલી માન્યતા છોડી દેવી જોઈએ. ભગવાન આચાર્યદેવે સમયસારની પહેલી ગાથામાં જ આત્મામાં
સિદ્ધપણું સ્થાપ્યું છે કે હું સિદ્ધ છું અને તું સાંભળનાર પણ સિદ્ધ છે. અમે તારા જ્ઞાનમાં તારા આત્માનું સિદ્ધપણું
સ્થાપીએ છીએ. માટે તું પણ તારા જ્ઞાનમાં એ વાત બેસાડીને પહેલે ધડાકે સિદ્ધપણાની હા પાડ. પૂર્ણતાના લક્ષે
શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે. પહેલેથી આત્માને સિદ્ધ જેવો સ્થાપીને જ વાત ઉપાડી છે. આવા
વાસ્તવિક વસ્તુસ્વભાવના ભાન વિના ધર્મની શરૂઆત થાય નહીં.
સુવર્ણપુરી – સમાચાર
(૧) પૂ. ગુરુદેવશ્રીનું સોનગઢમાં આગમન :– રાજકોટ શહેરમાં પંચકલ્યાણક મહોત્સવ પૂર્ણ કરીને, તેમજ
સૌરાષ્ટ્રમાં મહાન ધર્મપ્રભાવના કરીને, અને શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્રની યાત્રા કરીને પ્રથમ અષાડ સુદ ૬ ના રોજ
પૂ. ગુરુદેવશ્રી સોનગઢ પધાર્યા છે. પૂ. ગુરુદેવશ્રી પધાર્યા તે પ્રસંગે સર્વે મુમુક્ષુસંઘે અંતરના ઉમળકાથી ભાવભર્યું
સ્વાગત કર્યું હતું. પૂ. ગુરુદેવશ્રી સુખશાંતિમાં સોનગઢ બિરાજે છે.
(૨) સમયસાર–પ્રવચનસારજીની શરૂઆત :– અષાડ સુદ ૮ ના રોજ પ્રવચનમાં સવારે શ્રી પ્રવચનસારજી તથા
બપોરે શ્રી સમયસારજીની પહેલેથી મંગળ શરૂઆત થઈ છે. સમયસાર અને પ્રવચનસાર જેવા બે પવિત્ર
પરમાગમોના વાંચનની એક જ દિવસે શરૂઆત થવાનો આ પહેલો જ પ્રસંગ હોવાથી મુમુક્ષુઓને તે પ્રસંગે ઘણો
ઉત્સાહ હતો.
(૩) પુસ્તક વેચાણ વિભાગ :– બહારગામથી પુસ્તકો મંગાવનાર જિજ્ઞાસુઓ હવે સોનગઢથી પુસ્તકો મંગાવી
શકશે. સોનગઢમાં પુસ્તક વેચાણ વિભાગ પહેલાંંની માફક જ શરૂ થઈ ગયેલ છે.
(૪) પ્રેસ સમાચાર :– હાલમાં શ્રી સમયસાર–પ્રવચનો (બંધ અધિકાર) તેમ જ શ્રી નિયમસાર–પ્રવચનો
(શુદ્ધભાવ અધિકાર) પ્રેસમાં છપાય છે. એ સિવાય એક નવી સ્તવનમાળા પણ છપાય છે. નિયમસાર ગુજરાતી
તેમજ સમયસાર ગુજરાતી (બીજી આવૃત્તિ) છાપવાનું થોડા વખતમાં શરૂ થશે. ચિદ્દવિલાસ ગુજરાતીનું
છાપકામ લગભગ પૂરું થવા આવ્યું છે, તે તૈયાર થયે આત્મધર્મના ગ્રાહકોને ભેટ મોકલી દેવામાં આવશે.
(૫) પ્રવચનની રેકર્ડ :– રાજકોટમાં ચૈત્ર વદ ૫ ના રોજ શ્રીમદ્ રાજચંદ્રજીના સમાધિ દિને પૂ. ગુરુદેવશ્રીનું ખાસ
પ્રવચન થયું હતું; તે પ્રવચનના શરૂઆતના ભાગની એક ગ્રામોફોન–રેકર્ડ ઉતરેલી છે. રેકર્ડની કિંમત રૂા. ૨–૨–૦
છે. રેકર્ડ સોનગઢથી મળી શકશે.
(૬) પ્રૌઢવયના ગૃહસ્થો માટે શ્રી જૈનદર્શન શિક્ષણવર્ગ :– ગયા વર્ષની માફક આ વર્ષે પણ શ્રાવણ સુદ ૫ તા.
૧૮–૮–૫૦ શુક્રવારથી શરૂ કરીને શ્રાવણ વદ ૧૦ તા. ૬–૯–૫૦ બુધવાર સુધી, સોનગઢમાં શ્રી જૈન
સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ તરફથી સાચા તત્ત્વજ્ઞાનના અભ્યાસની શરૂઆત કરનારા ભાઈઓ માટે એક જૈનદર્શન
શિક્ષણવર્ગ ખોલવાનું નક્કી કર્યું છે. આ વર્ગ ખાસ પ્રૌઢ ઉમરના જૈન ભાઈઓને માટે ખોલવામાં આવ્યો છે. જે
મુમુક્ષુ ભાઈઓને વર્ગમાં આવવા ઈચ્છા હોય તેઓએ પોતાનું નામ “શ્રી જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ સોનગઢ” એ
સરનામે મોકલી દેવું.