Atmadharma magazine - Ank 081a
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 21

background image
: દ્વિતીય અષાઢ: ૨૪૭૬ આત્મધર્મ : ૧૯૯:
ચીજો જતી કરીને છેવટે આ શરીરને પણ જતું કરીને સુખ લેવા માંગે છે. શરીર જતાં તો એકલો આત્મા રહે છે.
એટલે એકલા આત્મામાં જો સુખ ન હોય તો શરીર દૂર કરીને પણ સુખ લેવા માંગે નહીં. એટલે શરીરમાં કે
કોઈ સંયોગમાં સુખ નથી પણ આત્મામાં જ સુખ છે, –પણ અજ્ઞાનીને પોતાના સ્વભાવમાં સુખ છે તેનો વિશ્વાસ
બેસતો નથી, એટલે બહારમાં તેના ઉપાય શોધે છે. જો પોતામાં જ સુખનું અસ્તિત્વ ન હોય તો બહારમાં તેનો
આરોપ કરીને શોધે નહિ. જેણે પરમાં અજ્ઞાનભાવે સુખનો આરોપ કર્યો છે તેના પોતામાં અનારોપ–વાસ્તવિક
સુખ ભર્યું છે. પણ ભાન નથી કે સુખ ક્યાં છે? કદી ઊંડો વિચાર પણ કર્યો નથી. અપમાન થતાં ગળે ફાંસો
ખાઈને પ્રાણ છોડે છે. જુઓ, ત્યાં અપમાનના દુઃખ પાસે પ્રાણ છૂટી જાય તે હળવું લાગે છે. પહેલાંં શરીરનો એક
રૂંવાટો ખેંચાય ત્યાં પણ દુઃખ માનતો, તેને બદલે હવે અપમાનમાં દુઃખની કલ્પના થઈ ગઈ છે તેથી શરીર જતું
કરીને પણ તે દુઃખથી છૂટવા માંગે છે. એ પ્રમાણે સંયોગથી છૂટીને સુખી થવા માંગે છે પણ ક્યાં જઈને લક્ષને
થંભાવવું તેનું તેને ભાન નથી. સંયોગથી છૂટીને સુખ લેવા માંગે છે તેનો અર્થ એ થયો કે સંયોગ વગર એકલા
આત્મામાં રહીને સુખી થવાય છે. સંયોગ વગર એકલા આત્મામાં સુખની સત્તા છે. એટલે જો ચૈતન્યસ્વભાવને
ઓળખીને તેના લક્ષે એકાગ્રતા પૂર્વક શરીરાદિ સંયોગનું મમત્વ છોડે તો આત્મામાં યથાર્થ સુખ થાય.
ચૈતન્યસ્વભાવના લક્ષ વગર, માત્ર બાહ્ય સંયોગોથી છૂટીને સુખી થવા માંગે તો તે સુખનો ઉપાય નથી. કેમ કે
સંયોગને લીધે આત્માને દુઃખ નથી તેથી સંયોગ છૂટે તો દુઃખ છૂટે–એમ નથી. સંયોગથી પાર ચૈતન્યસ્વભાવનું
ભાન કરીને જેટલી એકાગ્રતા પ્રગટ કરે તેટલું સુખ પ્રગટે છે. આ જ સુખનો ઉપાય છે.
–વીર સં. ૨૪૭૬ ના પોષ સુદ ૧ ના રોજ ચૂડા શહેરમાં પદ્મ. એકત્વ અધિકાર
ગાથા ૨૯ ઉપર પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી.
ગયા માસનો ‘આત્મધર્મ’ નો અંક અધિક માસનો હોવાથી વધારાનો હતો, છતાં તેને ભૂલથી ૮૧મો નંબર
અપાઈ ગયો છે; તેથી આ દ્વિતીય અષાડ માસના અંકને ૮૧મા અંકને બદલે “ખાસ અંક” તરીકે પ્રસિદ્ધ કર્યો છે.
– : સુખ : –
દરેક જીવને સુખ પ્રિય છે, એ વિષે તો કોઈને પૂછવા જવું પડે તેમ નથી. દરેક કાર્યમાં સુખને માટે જ
ઝાંવા નાંખે છે. સ્વર્ગના દેવ કે નરકના નારકી, તિર્યંચ કે મનુષ્ય, ત્યાગી સાધુ કે ગૃહસ્થ વગેરે બધા સુખને માટે
જ ઝંખના કરે છે; એ સુખ કેમ થાય? શું એ સુખ બહાર પૈસા વગેરેમાંથી આવતું હશે? તો કહે છે કે–ના; તે
સુખ રાગ–દ્વેષરૂપ ભાવકર્મનો નાશ કરતાં પ્રગટે છે. ભાવકર્મનો નાશ કરતાં આઠે પ્રકારના દ્રવ્યકર્મનો નાશ થાય
છે, અને સર્વકર્મનો નાશ થતાં સ્વતંત્ર સુખ પ્રગટે છે.
સુખ બહારથી આવતું નથી, પણ અંદરથી જ પ્રગટે છે. બહારમાં ક્યાં સુખ છે? શું શરીરના લોચામાં
સુખ છે, પૈસામાં છે, સ્ત્રીમાં છે, ક્યાં છે? બહારમાં તો ધૂળ–જડ દેખાય છે, શું જડમાં આત્માનું સુખ હોય? ન જ
હોય. પણ તે પરવસ્તુઓમાં સુખની ખોટી કલ્પના અજ્ઞાની જીવે કરી છે; પરમાં સુખ છે નહીં, કદી પરમાં સુખ
જોયું પણ નથી, છતાં મૂઢતાએ કલ્પ્યું છે. અયથાર્થને યથાર્થ માને તેથી કાંઈ પરિભ્રમણનું દુઃખ ટળે નહિ.
સુખસ્વભાવની ખબર નથી તેથી સ્વભાવથી વિરુદ્ધ ભાવ કરી રહ્યો છે, અને તેનાં કારણે આઠ પ્રકારનાં કર્મો
બંધાય છે તેથી આકુળતાનો ભોગવટો કરે છે, પણ જો સ્વભાવનું ભાન કરે અને સ્વભાવથી વિરુદ્ધ જે રાગ–
દ્વેષના ભાવ તેનો નાશ કરે તો સર્વ કર્મો ટળી જાય અને દુઃખ ટળીને સુખ થાય. જે પરમાંથી સુખ લેવા માગે છે
તે મૂઢ છે.
જેનો જે સ્વભાવ હોય તેને જેમ છે તેમ, તે રીતે સમજે તો તે પ્રગટે. જેમ કોઈને ભાવનગર જવું હોય તો
ભાવનગરનો રસ્તો જાણવો પડે, પણ ‘રસ્તો જાણવાનું શું કામ છે, એમ ને એમ ચાલવા માંડો’ –એમ
ભાવનગર પહોંચાય નહિ. –આ તો દ્રષ્ટાંત છે. તેમ સુખનો ઉપાય જાણે તો સુખ પ્રગટે, પણ સાચો ઉપાય જાણ્યા
વિના ખોટા જોરથી સુખ પ્રગટે નહીં.
“મુક્તિનો માર્ગ” માંથી–પૃ. ૩–૪