Atmadharma magazine - Ank 082
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 21

background image
: ૨૧૪ : આત્મધર્મ–૮૨ : શ્રાવણ : ૨૦૦૬ :
લોકો સેવાળ અને પાણીને જુદા જાણીને, સેવાળ કાઢીને પાણી પીએ છે; તેમ ભગવાન આત્મા ચૈતન્યમૂર્તિ સદા
અતિ નિર્મળ છે ને પુણ્ય–પાપ વિકાર તે સેવાળ જેવા અત્યંત મલિન છે; એ બંનેને એકપણે અનુભવે છે તે
અજ્ઞાની છે. આત્મા અને વિકાર બંનેનો સ્વભાવ જુદો જુદો જાણીને, વિકારરહિત પવિત્ર આત્મસ્વભાવનો
અનુભવ કરવો તે ભેદજ્ઞાન છે, ને તે જ મોક્ષનો ઉપાય છે. અહીં શુદ્ધ આત્મદ્રવ્ય બતાવવું છે તેથી ચૈતન્યમાત્ર
સ્વભાવને જ આત્મા કહ્યો છે, ને વિકારી ભાવોને અશુચિમય કહીને આત્માથી ભિન્ન જણાવ્યા છે. ભગવાન
આવા સ્વભાવનું ભાન કરીને, વિકારથી ખસીને સ્વરૂપમાં ઠર્યા ત્યારે મુક્તિ પામ્યા; આવા મુક્તિના ઉપાયને
સમજવો તે ધર્મ છે. એ સિવાય બીજો મોક્ષનો ઉપાય નથી.
(૫૩) વ્યવહારના આશ્રયે શું થાય?
લોકો અજ્ઞાનભાવે વ્યવહારના આશ્રયને મોક્ષનું સાધન માને છે. પરંતુ વ્યવહારનો આશ્રય તે તો
બંધનનું કારણ છે, તેના આશ્રયે મોક્ષનું સાધન પ્રગટતું નથી. આત્માના પરમાર્થસ્વભાવના આશ્રયે જ મોક્ષનું
સાધન પ્રગટે છે. વિકારી ભાવો તે આત્માના પવિત્ર સ્વભાવથી વિરોધી ભાવ છે, તેમ વ્યવહાર તે પરમાર્થનો
વિરોધી છે. તે વ્યવહારના અવલંબને આસ્રવો ટળતા નથી પણ આસ્રવો ઉત્પન્ન થાય છે; અને આત્માના
સ્વભાવના આશ્રયે જ આસ્રવો અટકી જાય છે.
(૫૪) આત્મા અને આસ્રવોની ભિન્નતા
આત્મા ચૈતન્યસત્તાવાળો હોવાથી સ્વ–પરને જાણે છે, અને વિકારભાવો તો પોતાને કે પરને જાણતા નથી
તેથી તેઓ જડ સ્વભાવવાળા છે. જે વિકારથી જુદો પડીને આત્માના સ્વભાવ તરફ વળ્‌યો તે જીવ પોતાને તેમ જ
વિકારને જાણે છે. અને જે વિકારમાં જ એકપણું માનીને અટક્યો છે તે જીવ પોતાને કે પરને જાણતો નથી. અહીં
આત્મા અને વિકારીભાવો જુદા કઈ રીતે છે? તે સમજાવતાં શ્રી આચાર્યદેવ કહે છે કે આત્મા તો જ્ઞાનસ્વભાવી
હોવાથી સ્વ–પરને જાણે છે ને વિકારી આસ્રવો તો પોતાને કે પરને જાણતાં નથી, પણ બીજો તેને જાણે છે, તેથી તે
વિકારી આસ્રવો તો જડસ્વભાવવાળાં છે. એ રીતે આત્મા અને આસ્રવો ભિન્ન ભિન્ન છે. ચૈતન્યની જાગૃતિને
રોકીને જે ભાવ થાય તેને અહીં જડ કહ્યા છે. જડ એટલે કાંઈ તે પરમાણુમાં થતા નથી, પણ આત્માનો સ્વભાવ
નથી માટે તેને જડ કહ્યા છે. જે ભાવ ચૈતન્યમાં એકતા ન કરે ને ચૈતન્યની રમણતાને રોકે તેને ચૈતન્ય કેમ
કહેવો? પંચમહાવ્રત જે ભાવે થાય તે શુભભાવ પણ આત્માના સ્વભાવમાં નથી તેથી તે જડમાં જાય છે; તે
શુભરાગના ફળમાં જડનો સંયોગ થાય છે. તે રાગ ચૈતન્યની સાથે એકતા ધરાવતો નથી તેમ જ તે ચૈતન્યની
એકતા પ્રગટવાનું કારણ નથી. સાચા દેવ–ગુરુ–શાસ્ત્રની ભક્તિના ભાવ થાય તે પણ અશુચિભાવ છે; આત્માના
સ્વભાવથી વિપરીત ભાવ છે તેથી તે જડ–સ્વભાવ છે. આ રીતે આત્મા અને આસ્રવોને અત્યંત ભિન્નતા છે.
(૫૫) શુભરાગ, અને ધર્મીનું કર્તવ્ય
પ્રશ્ન :– પુણ્યભાવ તે અશુચિ અને જડસ્વભાવ છે એમ કહ્યું, તો ભક્તિ વગેરેનો શુભરાગ કરવો કે
નહિ?
ઉત્તર :– જ્યાંસુધી વીતરાગતા ન થાય ત્યાંસુધી રાગ તેના કાળે થયા વિના રહેશે નહિ; પણ રાગ તે મારો
સ્વભાવભાવ નથી, મારો ચૈતન્યસ્વભાવ રાગરહિત છે–એમ અંતરમાં રાગ અને ચૈતન્યસ્વભાવનું ભેદજ્ઞાન કરવું
જોઈએ. રાગ તો વીતરાગને ન થાય, પણ જે રાગી છે તેને તો રાગના કાળે ભક્તિ વગેરે ભાવ થયા વિના રહે
નહિ. કાં તો તીવ્ર વિષયકષાયમાં પડેલા જીવને શુભરાગ ન થાય અને કાં તો વીતરાગ થઈ ગયા હોય તેને
શુભરાગ ન થાય, પણ નીચલીદશામાં રહેલા પાત્ર જીવને તો ભક્તિ–સ્વાધ્યાય વગેરે શુભભાવો થયા વિના રહે
નહિ. પણ તે રાગ વખતે ધર્મીને અંતરમાં ભાન હોય છે કે આ રાગભાવ છે તે મારા સ્વભાવથી વિરુદ્ધભાવ છે,
મારો સ્વભાવ રાગનો કર્તા નથી. હું તો પવિત્ર ચૈતન્યસ્વરૂપ છું. એ રીતે શુભરાગ થવા છતાં ધર્મી તેને પોતાનું
કર્તવ્ય માનતો નથી, સ્વભાવના આશ્રયે જે વીતરાગભાવ પ્રગટ્યો તેને જ પોતાનું કર્તવ્ય માને છે.
(૫૬) ભેદજ્ઞાન ચક્ષુ
શ્રી આચાર્યદેવ કહે છે કે આત્માને પવિત્ર ચૈતન્યસ્વરૂપે દેખવો અને પુણ્ય–પાપ વગેરે આસ્રવભાવોને
અશુચિરૂપ અને જડ સ્વભાવવાળા દેખવા. અહીં પુણ્ય–પાપને જડસ્વભાવ તરીકે જોવાનું કહ્યું તે કઈ રીતે
જાણાય? આ બહારની આંખથી તે દેખાય નહિ, પણ ચૈતન્ય–સ્વભાવની રુચિ થતાં સ્વભાવના જ્ઞાનચક્ષુ વડે
પુણ્ય–પાપ તે જડસ્વભાવ તરીકે જણાય છે.