: ૨૧૮ : આત્મધર્મ–૮૨ : શ્રાવણ : ૨૦૦૬ :
[૧૭૫] પોતાનો આત્મા જ નમન, સ્તુતિ ને ધ્યાન કરવા યોગ્ય છે
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ મોક્ષપ્રાભૃતમાં કહે છે કે–
णमिएहिं जं णमिज्जइ झाइज्जइ झाइएहिं अणवरयं।
थुव्वंतेहिं थुणिज्जइ देहत्थं किं पि तं मुणह।। १०३।।
નમસ્કાર કરવા યોગ્ય એવા મુનિરાજ વગેરે સંત પુરુષો દ્વારા પણ જે નમસ્કાર કરવા યોગ્ય છે, અને
સ્તુતિ કરવા યોગ્ય એવા સત્પુરુષો દ્વારા પણ જેની સ્તુતિ કરવામાં આવી છે, તથા ધ્યાન કરવા યોગ્ય
આચાર્યાદિક વડે પણ જે ધ્યાન કરવા યોગ્ય છે–એવો આ ભગવાન આત્મા દેહમાં વસે છે, તેને તું પરમાત્મા
જાણ અને તેને જ નમન કર, તેની જ સ્તુતિ કર તથા તેનું જ ધ્યાન કર.
આમાં નિશ્ચય વ્યવહાર બંને આવી જાય છે. ત્રિકાળ મુક્તસ્વરૂપ આત્મા તે નિશ્ચય છે, અને તેના
આશ્રયે જે નિશ્ચયમોક્ષમાર્ગરૂપ શુદ્ધદશા પ્રગટી તે વ્યવહાર છે.
આ ચૈતન્યચમત્કાર ભગવાન આત્મા છે, તેને ગણધરો પણ નમસ્કાર કરે છે. શ્રી ગણધરદેવ જગતના
જીવોથી વંદ્ય છે, અને એ ગણધરદેવ પણ પોતાના ચૈતન્યચમત્કાર આત્માને જ નમે છે,–ત્રિકાળી
આત્મસ્વભાવમાં જ પરિણમે છે. પોતાના અંર્તસ્વરૂપમાં પરિણમવું તે જ સાચા નમસ્કાર છે. આ જ મુક્તિનો
ક્રમ છે. ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ તે અક્રમ છે અને તેનો આશ્રય કરતાં જે નિર્મળદશા પ્રગટી તે ક્રમ છે.
આ ચૈતન્યસ્વરૂપ આત્મા પોતાના સ્વભાવે સત્ છે, તેની અપેક્ષાએ લોકાલોક અસત્ છે. લોકાલોકમાં
તો લોકાલોક છે, પણ આત્મામાં તેનો અભાવ છે. ચૈતન્યના હોવાપણાને લીધે કાંઈ જગતના છ દ્રવ્યોનું
હોવાપણું નથી. એમ પરથી ભિન્ન પોતાના ચૈતન્યસ્વરૂપની દ્રષ્ટિ કરીને તેમાં જ પરિણમવું યોગ્ય છે.
સ્તુતિ કરવા યોગ્ય જે ગણધરાદિક સંત પુરુષો છે તે સંતોએ પણ એક ચૈતન્યની જ સ્તુતિ કરી છે.
પરમાર્થે પોતાનો ત્રિકાળ મુક્તસ્વભાવ જ ભજવા યોગ્ય છે. બાહ્ય વૃત્તિને ટાળીને ભગવાન આત્મામાં જ ઢળવું
તે જ સાચી સ્તુતિ છે. ધ્યાન કરવા યોગ્ય આચાર્ય, ઉપાધ્યાય ને સાધુઓ પણ આ ચૈતન્યસ્વરૂપનું જ ધ્યાન કરે
છે. સ્વસંપત્તિના સંપૂર્ણ સામર્થ્યવાળો અને પરના અભાવ સ્વરૂપ ચૈતન્યચમત્કાર ચિંતામણિ જ ધ્યાન કરવા
યોગ્ય છે.
[૧૭૬] ક્ષમાવણી
ઉપર કહ્યા પ્રમાણે પોતાના શુદ્ધ ચૈતન્યતત્ત્વની ઓળખાણ અને ધ્યાન કરવાં તે જ ઉત્તમ ક્ષમા છે.
ચૈતન્યને વિકારી માનીને અનાદિથી તેના ઉપર ક્રોધ કર્યો હતો અને તેનો અપરાધ કર્યો હતો. હવે
ચૈતન્યભગવાન પાસે એમ ક્ષમા માંગો કે હે ચૈતન્ય પ્રભુ! તું ત્રિકાળ પવિત્ર જ્ઞાયકમૂર્તિ છે, તારા સ્વરૂપમાં કદી
વિકાર નથી; સંસાર ટાળું ને મોક્ષદશા પ્રગટ કરું–એવા બે ભેદ પણ તારામાં નથી. ચૈતન્યચિંતામણિ એવા તને
વિકલ્પનો આશ્રય માન્યો હતો તે મારા મહાન દોષની ક્ષમા કરજે. અનાદિથી ચૈતન્યતત્ત્વને વિકારરૂપે માનીને
ચૈતન્યપ્રભુનો અનાદર કર્યો તે અનંત ક્રોધ છે. હવે શુદ્ધ ચૈતન્યતત્ત્વના પરમ આદર વડે તે માન્યતા ટાળવી તે જ
પોતાના અપરાધની ક્ષમા છે. જેણે દોષ ર્ક્યો તે જ પોતે પોતાને ક્ષમા કરે છે. [અપૂર્ણ]
તમે વાંચ્યું?
જેમાં જૈનધર્મના ઊંડા ઊંડા આધ્યાત્મિક રહસ્યને સચોટપણે વિસ્તારપૂર્વક સમજાવવામાં આવ્યા છે, પૂ.
ગુરુદેવશ્રી જેને “જૈન–ગીતા” નું ઉપનામ આપે છે, જેના સ્વાધ્યાયથી અનેક અનેક જિજ્ઞાસુઓ ઉલ્લાસ સહિત
અત્યંત આશ્ચર્યનિમગ્ન થઈ ગયા છે, અને હરેક જિજ્ઞાસુ પાઠકોને જે વિનામૂલ્ય ભેટ તરીકે મોકલવામાં આવે છે–
તે “વસ્તુવિજ્ઞાનસાર” તમે વાંચ્યું કે નહિ? આજ સુધી હજારો–હજારો જિજ્ઞાસુઓએ તેનો લાભ લીધો છે. હજી
સુધી તમે ન વાંચ્યું હોય તો તુરત મંગાવીને જિજ્ઞાસાભાવે તેનો અવશ્ય સ્વાધ્યાય કરો. શ્રીસર્વજ્ઞદેવની ખરી
શ્રદ્ધા ક્યારે થઈ કહેવાય? તે તેમાં વિશિષ્ટ રીતે સમજાવ્યું છે, તે સમજ્યા વિના સર્વજ્ઞદેવની ખરી શ્રદ્ધા થતી
નથી. આ પુસ્તક હિંદી તેમ જ ગુજરાતી બંને ભાષામાં છપાયું છે.
પુસ્તક મંગાવાનું સરનામું : – શ્રી જૈન સ્વાધ્યાયમંદિર સોનગઢ (સૌરાષ્ટ્ર)