Atmadharma magazine - Ank 082
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 21

background image
: શ્રાવણ : ૨૦૦૬ : આત્મધર્મ–૮૨ : ૨૧૭ :
વીર સં. ૨૪૭૩ ભાદરવા વદ ૧, શ્રી જિનેન્દ્ર મહાઅભિષેક અને ઉત્તમ ક્ષમાવણીનો દિવસ
[૧૭૨] આત્મા ચૈતન્યચમત્કાર ચિંતામણિ છે
આત્માનો સ્વભાવ સિદ્ધ જેવો જ છે. સિદ્ધ ભગવાનને સમય–સમયની આનંદ–જ્ઞાનરૂપ અવસ્થા
ચૈતન્યચમત્કાર ચિંતામણિમાંથી જ પ્રગટે છે; આ આત્મા પણ તેવો જ ચૈતન્યચમત્કાર ચિંતામણિ છે, તેમાંથી જ
નિર્મળ અવસ્થા પ્રગટે છે. પોતે જ્ઞાનાદિ શક્તિનો પિંડ છે તેની સન્મુખ વળતાં શુદ્ધદશા પ્રગટે છે. ચિંતામણિ
ચૈતન્યચમત્કાર શુદ્ધ જ્ઞાનાદિનો જ આધાર છે, તેની પાસેથી જ્ઞાન સિવાય બીજું કાંઈ મંગાય નહિ. રાગની
મહત્તા નથી પણ ચૈતન્યની જ મહત્તા છે. ચૈતન્ય–ચિંતામણિને ચિંતવતાં કેવળજ્ઞાન પ્રગટે છે, એવો તેનો
ચમત્કાર છે.
[૧૭૩] ચૈતન્ય પદાર્થને પર પદાર્થો વગર જ ચાલે છે
આત્મા પોતે ચૈતન્ય પદાર્થ છે, તેને બધાય પર પદાર્થો વગર જ ચાલે છે. આ આત્મા બીજા અનંત
આત્માઓથી જુદો છે તેમ જ જડથી પણ જુદો જ છે. અનાદિકાળથી તેને પર વગર જ ચાલ્યું છે. પણ મારે
પરની જરૂર પડે એમ અનાદિકાળથી મિથ્યા માન્યતા કરી રહ્યો છે, તેથી માત્ર વિકારી ભાવ વગર પર્યાયમાં
અનાદિકાળથી ચલાવ્યું નથી. ચૈતન્યચમત્કાર સ્વભાવ તો ક્ષણિક વિકાર વગર જ નભેલો છે. પણ તે સ્વભાવનું
ભાન નથી તેથી પર્યાયમાં વિકારથી ચલાવે છે. અજ્ઞાન–દશામાં પણ શરીરાદિ વગર જ આત્માને ચાલે છે. જીવને
સંયોગરૂપે અનંત શરીર આવ્યા અને પાછા છૂટી ગયા, પણ જીવ તો તે ને તે જ છે, એટલે જીવને શરીર વગર
જ ચાલે છે. જેના વગર એક ક્ષણ પણ નહિ ચાલે એમ માન્યું હતું તે જ પદાર્થ વગર જીવે અનંતકાળ કાઢ્યો છે,
છતાં જીવનો નાશ થઈ ગયો નથી. જીવને પૈસા, સ્ત્રી વગેરે પદાર્થો વગર જ ચાલી રહ્યું છે. અને શરીરનું અંગ
કપાઈ જાય તોપણ આત્માને ચાલે જ છે. શરીરનું અંગ કપાતાં કાંઈ આત્માનું જ્ઞાન કપાઈ જતું નથી તેમજ
ચૈતન્યનો નાશ થઈ જતો નથી.
[૧૭૪] ત્રિકાળી ચૈતન્યસ્વરૂપ વિકારના આધારે ટકેલું નથી અને વિકારથી તેમાં નુકસાન
થતું નથી
પર્યાયમાં અનાદિથી વિકાર હોવા છતાં ચૈતન્યતત્ત્વ તે વિકારના આધારે ટકેલું નથી. તેમ જ તે વિકારથી
ચૈતન્યતત્ત્વનો નાશ પણ થઈ ગયો નથી. ચૈતન્યચમત્કાર સ્વરૂપમાં રાગાદિ પણ નથી, તેથી રાગાદિ વગર જ
આત્માને ચાલે છે. કોઈએ પણ પર દ્રવ્યનું કર્યું હોય એવું કદી બન્યું જ નથી. કર્મ વગેરે પર દ્રવ્ય આત્મને
નુકસાન કરે–એવી સ્થૂળ વાત તો દૂર રહો,–એ તો મિથ્યાત્વ છે જ. અને અવસ્થાના ક્ષણિક વિકારથી ત્રિકાળી
ચૈતન્ય દ્રવ્યમાં નુકસાન થઈ ગયું એમ જે માને તે પણ મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે. તેને ચૈતન્યચિંતામણિ
આત્મસ્વભાવનું ભાન નથી. ક્ષણિક અવસ્થામાં વિકારથી નુકસાન થાય છે પણ અહીં તો ત્રિકાળી
ચૈતન્યસ્વભાવની વાત છે. ચૈતન્યસ્વભાવને પુણ્ય–પાપથી લાભ તો નથી, અને ત્રિકાળી ચૈતન્યદ્રવ્યને પુણ્ય–
પાપથી નુકસાન પણ થતું નથી. પુણ્ય–પાપથી તે સમયના પર્યાયને નુકસાન થાય છે પણ ત્રિકાળી દ્રવ્યને
નુકસાન થતું નથી. પર્યાયના ક્ષણિક વિકારથી ત્રિકાળી ચૈતન્યસ્વભાવને નુકસાન થયું એમ માનવું તે પર્યાયદ્રષ્ટિ
છે, પર્યાયદ્રષ્ટિથી જ મિથ્યાત્વ છે. માટે તું પુણ્ય–પાપની દ્રષ્ટિ છોડીને ત્રિકાળી ચૈતન્યસ્વભાવને જ દ્રષ્ટિમાં
સ્વીકાર. હે પ્રભાકરભટ્ટ! તું સિદ્ધમાં ને તારા આત્મામાં કાંઈ ભેદ ન પાડ. સિદ્ધ જેવો સ્વભાવ અને તેવી જ
અવસ્થાનું સામર્થ્ય તારામાં ત્રિકાળ છે. તારું પદ સદા સિદ્ધસમાન છે.–એમ આત્માને ઓળખ. પર્યાયદ્રષ્ટિ છોડીને
અત્યારે જ તારા આત્માને સિદ્ધસમાન પૂરો ધ્યાવ.
આત્મા ચૈતન્યચમત્કાર ચિંતામણિ છે, તેમાંથી જ્ઞાનની જ અવસ્થા ઉત્પન્ન થાય છે, વિકાર કદી તેમાંથી
થતો નથી. ક્ષણિક પર્યાયમાં પરાશ્રયે જે વિકાર થાય છે તે ચૈતન્યસ્વભાવમાં નથી. વિકારથી પાર એવા
ચૈતન્યચમત્કારનું ધ્યાન તે જ મુક્તિનો ઉપાય છે.