Atmadharma magazine - Ank 084
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 21

background image
: આસો : ૨૪૭૬ : ૨૪૩ :
શ્રી દેવ–ગુરુ–શાસ્ત્રને નમસ્કાર “ ભગવતી રત્નત્રયી માતાને નમસ્કાર
સુખ વિષે વિચાર
(શ્રી પ્રવચનસાર ગા. ૨૨ ઉપરના પ્રવચનમાંથી)
હે ભાઈ, તારે સુખી તો થવું છે ને! તો સુખના સ્વરૂપ વિષે તેં કદી વિચાર કર્યો છે? તું એટલો વિચાર
કરી જો, કે તેં જે જે પર વિષયમાં સુખ માન્યું છે તે તે વિષયમાં આગળ ને આગળ જતાં છેવટે શું પરિણામ
આવે છે? –શું તને સુખ મળે છે? કે તેમાં કંટાળો આવી જાય છે? ખાવા–પીવા વગેરે કોઈ પણ વિષયમાં છેવટે
તો કંટાળો જ આવે છે, ને તે છોડીને બીજા વિષય તરફ ઉપયોગ જાય છે. એ રીતે, જો વિષયોના ભોગવટામાં
અણગમો જ આવી જાય છે તો તું સમજી લે કે તેમાં ખરેખર તારું સુખ હતું જ નહિ, પણ તેં માત્ર કલ્પનાથી જ
સુખ માન્યું હતું. જો ખરેખર સુખ હોય તો તે ભોગવતાં ભોગવતાં કદી કોઈને કંટાળો આવે નહીં. જુઓ,
સિદ્ધભગવંતોને આત્માનું સાચું સુખ છે, તો તેને તે સુખ ભોગવતાં ભોગવતાં અનંતકાળે પણ કંટાળો આવતો
નથી.
હે આત્માર્થી! આત્મા સિવાય કોઈ પણ બાહ્ય વિષયમાં સુખ નથી, એ વાત જો તું જરાક વિચાર કરીને
જો તો તને પ્રત્યક્ષ અનુભવગમ્ય થાય તેવી છે. જેમ કે–લાડવા ખાવામાં તેં સુખ માન્યું, –એક લાડવો ખાધો... બે
ખાધા, ત્રણ.... ચાર.... ખાધા.... છેવટે એમ થાય છે કે હવે બસ, હવે લાડવા ખાવામાં સુખ લાગતું નથી. તો
સમજી લે કે પાછળથી જેમાં સુખનો અભાવ ભાસ્યો તેમાં પહેલેથી જ સુખનો અભાવ છે. એ રીતે લાડવાના
સ્થાને કોઈ પણ પર વિષય લઈને વિચાર કરતાં નક્કી થશે કે એ વિષયોમાં સુખ નથી પણ આત્મસ્વભાવમાં જ
સુખ છે. એ સ્વભાવસુખ નક્કી કરીને તેની હા પાડ, ને વિષયોમાં સુખની બુદ્ધિ છોડ.
જેમાં ખરેખર સુખ હોય તેમાં ગમે તેટલું આગળ ને આગળ જતાં ક્યારેય પણ કંટાળો ન આવે;
સ્વભાવમાં સુખ છે તો તેમાં જેમ જેમ આગળ વધે છે તેમ તેમ સુખ વધે છે.... તેમાં કંટાળો આવતો નથી. ને
વિષય સુખોમાં કંટાળો આવ્યા વિના રહેતો નથી.
પર વિષયો બે પ્રકારના છે–શુભ, અશુભ: પાપના ભાવમાં તો કંટાળે છે ને મંદિર, ભક્તિ, દયા વગેરે
શુભના ભાવમાં પણ લંબાતાં લંબાતાં છેવટે થાકે છે, ને ત્યાંથી ખસવાનું મન થાય છે. જો તે શુભમાં સુખ હોય
તો ત્યાંથી ખસવાનું મન કેમ થાય? અજ્ઞાની જીવ શુભથી ખસીને શુદ્ધમાં જતો નથી પણ શુભથી ખસીને પાછો
અશુભમાં જાય છે, એટલે પર તરફના વિષયમાં જ રહીને શુભ ને અશુભમાં જ બદલે છે; પણ, ‘અત્યાર સુધી
પર વલણમાં રહ્યો પણ ક્યાંયથી સુખ અનુભવમાં આવ્યું નહિ, માટે પર તરફના વલણમાં સુખ નથી એટલે
ઈન્દ્રિય–વિષયોમાં સુખ નથી પણ સ્વ તરફના અંર્તમુખ અવલોકનમાં જ સુખ છે–અતીન્દ્રિય જ્ઞાનમાં જ સુખ
છે–’ એમ નિર્ણય કરીને જો સ્વ તરફ વળે તો સિદ્ધભગવાન જેવા આત્માના સુખનો અનુભવ પ્રગટે, ને
વિષયોમાંથી રુચિ ટળી જાય. –આ દશાનું નામ ધર્મ છે.
હે ભાઈ! છેવટે લાંબે કાળે પણ તારે વિષયોમાં (–શુભ કે અશુભમાં) કંટાળીને તેમાં સુખની ના પાડવી
પડે છે, તો વર્તમાનમાં જ સ્વભાવના સુખની હા પાડીને વિષયોમાં સુખની ના પાડ ને! વિષયોના લક્ષે
વિષયોના સુખની ના પાડે છે તેથી તે ‘ના’ ટકતી નથી, ને પાછો બીજા ઈન્દ્રિયવિષયોમાં જ તું લીન થાય છે. જો
સ્વભાવના અતીન્દ્રિય સુખની રુચિથી હા પાડીને તે વિષયસુખની ના પાડે તો તે ‘હા’ અને ‘ના’ બંને યથાર્થ
ટકશે, ને આગળ જતાં પૂર્ણ અતીન્દ્રિય કેવળસુખ પ્રગટશે. એ રીતે આત્માર્થીને પહેલેથી જ સ્વલક્ષે ઈન્દ્રિય
તરફના વલણમાંથી આદરબુદ્ધિ ટળી જવી જોઈએ, ને અતીન્દ્રિય સુખની પરમ આદરપૂર્વક શ્રદ્ધા થવી જોઈએ, તે
જ અતીન્દ્રિય સુખ પ્રગટવાનો ઉપાય છે.
આપનું લવાજમ આ અંકે પૂરું થાય છે. જો નવાવર્ષનું લવાજમ હજી સુધી ન મોકલાવ્યું હોય તો વહેલી
તકે મોકલાવી આપશો.