Atmadharma magazine - Ank 085
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 21

background image
કારતક: ૨૪૭૭ : ૯:
મિથ્યાજ્ઞાન થયું. વળી અધૂરા જ્ઞાન જેટલો જ આત્મા માને તો તે પણ અજ્ઞાન છે. શરીરથી જુદો, રાગાદિથી
જુદો ને અધૂરા જ્ઞાન જેટલો પણ નહિ–એવો પૂર્ણ જ્ઞાનસ્વભાવી આત્મા કેવો છે? તેને જાણે તો સમ્યગ્જ્ઞાન
થાય–ધર્મ થાય, ને ભવભ્રમણ મટે. એ સિવાય ધર્મ થાય નહીં ને ભવભ્રમણ મટે નહીં. શરીર વગેરેનું હું કરું છું
અથવા ઈન્દ્રિયોથી મને જ્ઞાન થાય છે–એમ જે માને તેણે પરને આત્મા માન્યો છે, તે અજ્ઞાની છે. ક્ષણિક વિકારને
આખો આત્મા માનવો તે પણ ભ્રમ છે. અને એકલા પર તરફ વળતા જ્ઞાનને આત્મા માનવો તે પણ અજ્ઞાન છે.
પર તરફ વળતા જ્ઞાનથી આત્મા જણાતો નથી, પર તરફ વળતા જ્ઞાનની પ્રતીતિ કરે તો આખો આત્મા
પ્રતીતિમાં આવતો નથી, એટલે તે પણ મિથ્યાત્વ છે. શબ્દ–રૂપ વગેરે આત્મામાં નથી ને પુણ્ય–પાપ વિકાર છે તે
પણ આત્મસ્વભાવમાં નથી માટે તે કોઈ વડે આત્માનો ધર્મ થાય નહિ આત્માના સ્વભાવમાં જે ન હોય તેનાથી
આત્માનો ધર્મ થાય નહિ.
જ્ઞાનનો જે વર્તમાન અલ્પ ઉઘાડ છે તેટલો જ આત્મા નથી. ક્ષયોપશમ જ્ઞાન એટલે જ્ઞાનનો ઉઘાડ. તે
જ્ઞાનનો અંશ છે, તે અંશ પૂરતો આખો આત્મા નથી. પરસન્મુખ થઈને રસ વગેરેને જાણનારું જે જ્ઞાન છે તે
અલ્પજ્ઞતા જેટલો આત્મા નથી. જો અલ્પજ્ઞતા જેટલો જ આત્મા હોય તો અલ્પજ્ઞતા ટાળીને સર્વજ્ઞતા પ્રગટી શકે
નહિ. જે વર્તમાન અલ્પજ્ઞ અંશ છે તેનો પણ ત્રિકાળી સ્વભાવની દ્રષ્ટિએ આત્મામાં અભાવ છે. શરીરાદિ પરનો
અને વિકારનો તો આત્મામાં અભાવ છે, પણ જેમ ૯૯ ને ૧૦૦ માને તો તે મૂર્ખતા છે તેમ જ્ઞાનના અલ્પ
વિકાસને જ આખો આત્મા માને તો તેને ય આત્માનો ખરો સ્વભાવ નહિ સમજાય.
આત્મા ત્રિકાળ આનંદ અને જ્ઞાતાસ્વભાવ છે, તેનું ભાન કરીને તેમાં એકાગ્ર થતાં જ્ઞાન સમસ્ત ભૂત–
ભવિષ્ય–વર્તમાનને જાણે છે; આવો અખંડ જ્ઞાયકસ્વભા હોવા છતાં, વર્તમાન પરસન્મુખ થઈને એક અંશને જ
જાણે તેટલા અલ્પ જ્ઞાનને જે આખો આત્મા માની લ્યે તેણે આત્માનો સ્વભાવ જાણ્યો નથી.
આત્મા જ્ઞાનસ્વભાવી છે, તેની પર્યાયમાં પહેલાંં જ્ઞાન ઓછું હોય ને પછી વધતું દેખાય છે, તો તે જ્ઞાન
ક્યાંથી આવે છે? કોઈ સંયોગમાંથી જ્ઞાન આવતું નથી, શબ્દ જડ છે તે શબ્દના શ્રવણને લીધે જ્ઞાન વધતું નથી,
ઈન્દ્રિયોમાંથી કે રાગમાંથી પણ જ્ઞાન આવતું નથી, તેમ જ પૂર્વપર્યાયમાંથી પણ જ્ઞાન આવતું નથી, જે કાયમી
જ્ઞાનસ્વભાવ છે તેમાંથી જ જ્ઞાનની દશા આવે છે. તે જ્ઞાનની દશા જો જ્ઞાનસ્વભાવ તરફ વળીને આખા
ચૈતન્યસ્વભાવને પ્રતીતમાં લ્યે તો યથાર્થ આત્મા પ્રતીતમાં આવે. એવા આત્મસ્વભાવને પ્રતીતમાં લઈને
સ્વભાવમાં એકત્વરૂપ જે આત્મા થયો તેણે આત્માને ‘અરસ’ જાણ્યો છે. રસસન્મુખ કે પર્યાયસન્મુખ બુદ્ધિ
રાખીને ‘આત્મા અરસ છે’ એમ યથાર્થ જાણી–માની શકાય નહિ. રસ વગેરે તરફના જ્ઞાન જેટલો હું–એમ ન
માનતાં, જેણે પોતાના જ્ઞાનને અખંડ આત્મા તરફ વાળીને અભેદ કર્યું તેણે આત્માના અસલી સ્વભાવને જાણ્યો
છે. અનંતકાળે નહિ સમજેલ આ અપૂર્વ આત્માની વાત સ્વભાવસન્મુખ થતાં સમજવી સુલભ છે. આવા
આત્માની સમજણથી જ અંતરમાં શાંતિ ને આનંદ પ્રગટે છે, અને ભવભ્રમણનો અંત આવે છે.
“મોક્ષની મંડળીમાં ભળી જા!”
હે જીવ, હવે તો ભાવની ગૂલાંટ માર! સર્વજ્ઞ ભગવાને
કહેલું સત્ય સાંભળવા માંગતો હો તો, જેવા પરમાત્મા પૂર્ણ–
પવિત્ર છે તેવો તું પણ છે–તેની હા પાડ, ના પાડીશ નહિ. પ્રથમ
‘હા’ માંથી હા આવશે એટલે કે પૂર્ણનો આદર કરનાર પૂર્ણ થઈ
જશે. ‘હું વિકારરહિત છું ને તું પણ વિકાર–ઉપાધિ વિનાનો
જ્ઞાનાનંદ ભગવાન છો’ –એમ તારા આત્મામાં સિદ્ધપણું
સ્થાપીને–નિર્ણય કરાવીને, આત્મસ્વભાવ કેવો છે તે
સંભળાવતાં આચાર્યદેવ મોક્ષની મંડળી ઉપાડે છે.
[તું પણ
આત્માની રુચિથી હકાર લાવીને મોક્ષની મંડળીમાં ભળી જા!]
શ્રી સમયસાર–પ્રવચનો. ભા. ૧ પૃ. ૪૯