કારતક: ૨૪૭૭ : ૧૩:
છે. હું પરિપૂર્ણ પરમાત્મા જેવો છું, રાગાદિરહિત ચૈતન્યસ્વરૂપ છું, નિમિત્તનો મારામાં અભાવ છે ને રાગાદિનો
નિષેધ છે;–એ પ્રમાણે પહેલાંં રાગસહિત વિચારથી જીવને માને છે, તેને પણ હજી મિથ્યાત્વ છે. તો પછી, પહેલાંં
જે વ્યવહારથી–રાગમિશ્રિત વિચારથી એટલું પણ જાણતો નથી તે તો એક ચૈતન્યતત્ત્વનો અનુભવ કઈ રીતે
કરશે? વસ્તુસ્વરૂપને સમજવા તથા સમજાવવા જતાં નવતત્ત્વના ભેદનો વિકલ્પ આવ્યા વગર રહેતો નથી. ભેદ
પાડ્યા વગર સમજાવવું કઈ રીતે? પરંતુ તે ભેદના આશ્રયે સમ્યગ્દર્શન થતું નથી.
હું જીવ છું, શરીરાદિ પદાર્થો મારાથી ભિન્ન અજીવતત્ત્વ છે. એ અજીવ વસ્તુ તેના દ્રવ્ય–ગુણ પર્યાયવાળી
છે, એટલે તેની પર્યાય તેના પોતાથી જ થાય છે, મારાથી થતી નથી. શરીરની ક્રિયા જીવને લીધે થતી નથી–આમ
જીવ અને અજીવ તત્ત્વો જુદાં છે. એ પ્રમાણે તે તત્ત્વોને જુદા જુદા માને ત્યારે તો જીવ–અજીવ વગેરે તત્ત્વોને
વ્યવહારે માન્યાં કહેવાય. નવતત્ત્વોને નવપણે જુદાં જુદાં માનવા તેને વ્યવહારશ્રદ્ધા કહેવાય છે, પણ જીવ–
અજીવ બધાને એકમેક માનવા અર્થાત્ જીવ અજીવનું કરે–એમ માનવું તે તો વ્યવહારશ્રદ્ધા નથી. આત્મા
શરીરની ક્રિયા કરી શકે છે એમ જે માને તેને તો જીવ–અજીવતત્ત્વની વ્યવહારશ્રદ્ધા પણ નથી. નવતત્ત્વોને
નવતત્ત્વ તરીકે જુદા માનવા તે રાગસહિત શ્રદ્ધાને વ્યવહારસમ્યક્ત્વ કહેવાય છે; ને નવતત્ત્વના વિકલ્પથી પાર
થઈને અભેદ ચૈતન્યતત્ત્વની અંતરદ્રષ્ટિ કરે તે પરમાર્થશ્રદ્ધા છે. આ અપૂર્વ વાત છે.
પ્રશ્ન:– પણ સાહેબ, આત્માની સમજણમાં બુદ્ધિ પરોવાતી નથી?
ઉત્તર:– જુઓ ભાઈ, બુદ્ધિ બીજામાં તો પરોવાય છે ને? તો બીજે ઠેકાણે બુદ્ધિ પરોવાય ને આત્મામાં
બુદ્ધિ ન પરોવાય–એનું કાંઈ કારણ? સંસારના ભણતર ને વેપાર–ધંધા વગેરેમાં તો બુદ્ધિ પરોવે છે ને અંતરના
ચૈતન્યને સમજવામાં બુદ્ધિને પરોવતો નથી, તો તેને તેમાં પોતાનું હિત ભાસ્યું નથી. ચૈતન્યતત્ત્વની સમજણમાં
જ મારું હિત છે એમ જો ખરેખર ભાસે તો તેમાં પોતાની બુદ્ધિ લાગ્યા વગર રહે જ નહીં. અહો, આમાં મારું
કલ્યાણ છે, આમાં મારા પ્રયોજનની સિદ્ધિ છે–એમ તેને ચૈતન્યતત્ત્વનો મહિમા ભાસ્યો નથી. જો ચૈતન્યની રુચિ
થાય તો તેમાં બુદ્ધિ લાગ્યા વગર રહે નહિ અને ન સમજાય એમ બને નહિ.
• સિદ્ધપણાના લક્ષે સાધકપણાની શરૂઆત •
આ આત્મસ્વભાવની અપૂર્વ શરૂઆત સમજ્યા વિના જીવ અનંતવાર નવમી ગ્રૈવેયકે
પુણ્યના ફળથી ગયો. ‘હું સ્વાધીનસ્વરૂપ છું, પરના આશ્રય વિનાનો છું’ એ ભૂલીને જૈનના
મહાવ્રતાદિ પણ કર્યાં, વસ્ત્રના તાણા વગર નગ્ન દિગંબર દશા ધારી ઉગ્ર શુભભાવ સહિત પાંચ
મહાવ્રત અનંતવાર પાળ્યાં, ઉત્કૃષ્ટ તપ કર્યાં, કોઈ અગ્નિથી બાળી નાંખે છતાં જરા પણ ક્રોધ ન
કરે–એવી ક્ષમા શુભભાવથી રાખી, તો પણ સર્વજ્ઞભગવાન કહે છે કે એવું અનંતવાર કર્યું પણ ધર્મ
ન થયો. માત્ર તેવા ઊંચા પુણ્ય કરી અનંતવાર સ્વર્ગમાં ગયો, પણ હું પરથી નિરાળો છું, પુણ્ય–
પાપની વૃત્તિ ઊઠે તેનાથી પરમાર્થે જુદો જ છું, મનની–રાગની સહાયતાથી હું શુદ્ધદશા પ્રગટ કરી
શકું નહિ, –એમ સ્વરૂપની પૂર્ણ સ્વાધીનતાની વાત બેઠી નહિ.
–તેથી અહીં સમયસાર શાસ્ત્રની શરૂઆતમાં આચાર્યદેવ સર્વ સિદ્ધોને ભાવ તથા દ્રવ્યસ્તુતિ
કરીને પોતાના તથા પરના આત્માને સિદ્ધસમાન સ્થાપીને તેનું વિવેચન કરે છે... કોઈને આ મોટી
વાત લાગે, પણ પૂર્ણસ્વરૂપ કબૂલ્યા વિના પૂર્ણની શરૂઆત કેમ થાય? લોકોને જ્ઞાની કહે–તું પ્રભુ
છે’ તે સાંભળતાં ભડકી ઊઠે છે, અને કહે છે કે–અરે! આત્માને પ્રભુ કેમ કહ્યો? જ્ઞાની કહે છે કે
બધા આત્મા પ્રભુ છે. બાહ્ય વિષય–કષાયમાં જેની દ્રષ્ટિ છે તેઓ આત્માને પ્રભુ માનવાની ના કહે
છે. પણ અહીં કહે છે કે– ‘હું સિદ્ધ છું’ –એમ વિશ્વાસ કરીને હા પાડો. પૂર્ણતાના લક્ષ વિના
વાસ્તવિક શરૂઆત નથી. ‘હું પામર છું, ઊણો છું’ એમ માની જે કાંઈ કરે તેને પરમાર્થે કાંઈ
શરૂઆત નથી. ‘હું પ્રભુ નથી’ એમ કહેવાથી ‘ના’ માંથી હા નહિ આવે અર્થાત્ સાધકપણાની
શરૂઆત નહિ થાય. અણશીયાને કોઈ દૂધ–સાકર પાય તો પણ તે નાગ ન થાય. તેમ પ્રથમથી
આત્માને હીણો માની પૂર્ણતાનો પુરુષાર્થ કરવા માગે તો ન થાય. કણો અણશીયા જેવડો હોય છતાં
ફૂંફાડા મારતો નાગ છે, તે કડક વીર્યવાળો હોય છે. નાનો નાગ પણ ફણીધર સાપ છે, તેમ આત્મા
વર્તમાન અવસ્થામાં નબળાઈવાળો દેખાય છતાં સ્વભાવે તો સિદ્ધ જેવો પૂર્ણ છે, તે પૂર્ણતાના લક્ષે
ઉપડેલો સાધક પૂર્ણ થયા વિના રહે નહીં. માટે શ્રી આચાર્યદેવ પ્રથમથી જ પૂર્ણ સિદ્ધ સાધ્યપણાથી
વાત શરૂ કરે છે. કેટલી હોંશ છે!! –શ્રી સમયસાર–પ્રવચનો ભાગ–૧ પૃ. ૨૮–૨૯.