Atmadharma magazine - Ank 085
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 21

background image
કારતક : ૨૪૭૭ : ૧૫ :
શકાતું નથી, તેમ જ એક અભેદ આત્માના અનુભવમાં તે નવતત્ત્વના વિકલ્પો મદદરૂપ નથી. વર્તમાન જ્ઞાનની
દશા અખંડચૈતન્ય તરફ વળીને આત્મસ્વભાવની નિર્વિકલ્પ શ્રદ્ધા થવી તે નિશ્ચયસમ્યગ્દર્શન છે; એવું સમ્યગ્દર્શન
પ્રગટ થયા પહેલાંં નવતત્ત્વનું જ્ઞાન કેવું હોવું જોઈએ તેની વાત કરે છે.
હું જીવ છું; શરીર વગેરે અજીવ છે; દયા, દાન, વ્રત વગેરે ભાવો પુણ્ય છે; પુણ્ય તે જીવ નથી, જીવ તે પુણ્ય
નથી; અજીવથી જીવ જુદો છે. –એ પ્રમાણે નવ તત્ત્વો અભૂતાર્થનયથી છે તેને જેમ છે તેમ જાણવા જોઈએ–આ પણ
શુભભાવ છે, કાંઈ ધર્મ નથી. ધર્મ તો અંતરમાં ભેદનું લક્ષ છોડીને એકરૂપ પરમાર્થસ્વભાવના અનુભવથી થાય છે;
પણ ત્યાર પહેલાંં ઉપર પ્રમાણે નવ તત્ત્વના વિચારરૂપ શુભભાવની પ્રવૃત્તિ આવ્યા વિના રહેતી નથી.
અહો, જીવે કદી પોતાનાં આત્માની દરકાર કરી નથી. જેમ બળદ અને ગધેડા જિંદગી આખી ભાર ખેંચી
ખેંચીને જીવન પૂરું કરે છે, તેમ ઘણા જીવો આ મનુષ્ય ભવ પામીને પણ વેપાર–ધંધામાં ને રસોઈ વગેરેમાં
મજુરી કરી કરીને જીવન ગાળે છે. પરનું કાંઈ કરી તો શકતો જ નથી, મફતનો પરનાં અભિમાન કરે છે. પણ
આત્મા કોણ છે, શું તેનું સ્વરૂપ છે? તે કદી અંતરમાં વિચારતો નથી. હું તો જીવતત્ત્વ ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ છું, ને
શરીરાદિ અજીવતત્ત્વ છે. બંને તત્ત્વો ભિન્ન ભિન્ન છે. બહારમાં પૈસા વગેરે વસ્તુઓ લેવા–દેવાની કે રસોઈ
કરવાની ક્રિયા જડની છે, તે હું કરી શકતો નથી. હું તો જાણનાર તત્ત્વ છું. જીવ અને અજીવ સદાય જુદાં છે. –એ
પ્રકારે નવતત્ત્વના યથાર્થ વિચાર કરવા તે પણ હજી વ્યવહારસમ્યક્ત્વ છે; અને નવતત્ત્વના ભેદના વિકલ્પરહિત,
એક ચૈતન્યસ્વરૂપ આત્માની શ્રદ્ધા કરીને અનુભવ કરવો તે પરમાર્થે સમ્યગ્દર્શન છે. શ્રેણીક રાજાને આવું
સમ્યક્ત્વ હતું, તેના ફળમાં સંસારનો નાશ કરીને એક ભવે મુક્તિ પામશે. આવતી ચોવીશીમાં તેઓ પહેલાં
તીર્થંકર થશે. તેમને વ્રતાદિ ન હતા, પણ અહીં કહેવાય છે તેવું આત્માનું ભાન હતું–સમ્યગ્દર્શન હતું, તેથી તે
એકાવતારી થયા.
તીર્થ એટલે તરવાનો ઉપાય; સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે તારવાનો ઉપાય છે. ને તેની પ્રવૃત્તિમાં
નવતત્ત્વની શ્રદ્ધા તે નિમિત્તરૂપ છે. તે વ્યવહારશ્રદ્ધા કાંઈ મૂળસ્વરૂપ નથી, –તે પોતે તીર્થં કે મોક્ષમાર્ગ નથી; પણ
તે વ્યવહારશ્રદ્ધા પરમાર્થમાં જતાં વચ્ચે આવ્યા વિના રહેતી નથી. કોઈ ઈશ્વર આ જગતના કર્તા છે અથવા બધું
થઈને એક બ્રહ્મસ્વરૂપ જ છે–વગેરે કહેનારા કુતત્ત્વોની શ્રદ્ધાથી છૂટીને, શ્રી સર્વજ્ઞદેવે કહેલા નવ તત્ત્વોની શ્રદ્ધા
કરવી તે વ્યવહારશ્રદ્ધા છે, તેમાં રાગપરિણામ છે અને તે રાગરહિત થઈને અભેદ આત્માની પ્રતીતિ કરવી તે
પરમાર્થ સમ્યગ્દર્શન છે, ને તે ધર્મ છે.
પ્રશ્ન:– એવી પ્રતીતિ મરવા ટાણે કરીએ તો?
ઉત્તર:– ભાઈ, અત્યારે જ આત્માના ભાન વગર તું ક્ષણે ક્ષણે ભાવમરણમાં મરી જ રહ્યો છે; માટે તે
ભાવમરણથી બચવા આત્માના સ્વભાવની ઓળખાણ કર. શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે કે–
“ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે
કાં અહો! રાચી રહો?
હું પરનું કરું, ને વિકારથી લાભ થાય–એમ માનીને, તે ઊંધી માન્યતાથી તારો આત્મા ક્ષણે ક્ષણે ભયંકર
ભાવમરણમાં મરી રહ્યો છે. તે મરણથી બચીને જો તારે આત્માનું જીવન પ્રાપ્ત કરવું હોય તો ચૈતન્યસ્વરૂપ
આત્માની પ્રતીતિ કર. એ ચૈતન્યથી પ્રતીતિ વગર ચૈતન્યજીવન જીવાતું નથી ને ભાવમરણથી બચાતું નથી.
વ્યવહારસમ્યક્ત્વમાં તો ભેદથી નવતત્ત્વની શ્રદ્ધા છે, ને અભેદ પરમાર્થસમ્યક્ત્વમાં તો એકરૂપ અભેદ
આત્માની જ પ્રસિદ્ધિ છે; ‘આત્મખ્યાતિ’ તે નિશ્ચયસમ્યક્ત્વનું લક્ષણ છે.
હે ભાઈ, તારે ભગવાન પાસે આવવું છે કે નહિ? તારે ચૈતન્યભગવાનના સાક્ષાત્ દર્શન કરવાં છે? તો
તારે પ્રથમ વ્યવહારશ્રદ્ધા ચોકખી કરવી પડશે. ચૈતન્યભગવાનનાં દર્શન કરવામાં પહેલાંં દ્વારપાળ તરીકે
વ્યવહારશ્રદ્ધા આવે છે. પરંતુ જો તે દ્વારપાળની પાસે જ રોકાઈ જઈશ તો તને ચૈતન્યભગવાનનાં દર્શન નહિ
થાય. પ્રથમ નવતત્ત્વને બરાબર જાણીને, એક અભેદ આત્માના સ્વભાવ તરફ અંતરવલણ કરીને પ્રતીતિ કરતાં
ચૈતન્યપ્રભુનાં દર્શન થાય છે, તે સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન વડે એ ચૈતન્યભગવાનનાં દર્શન કરતાં તારા ભવનો
અંત આવી જશે. એ ચૈતન્યભગવાનનાં દર્શન વગર ભવનો અંત આવશે નહીં.