Atmadharma magazine - Ank 086
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 21

background image
: ૨૬ : આત્મધર્મ : ૮૬
સંયોગ તેના કારણે ન થાય તેનું નામ ઉપવાસ છે. તેને બદલે બાહ્ય ક્રિયામાં ઉપવાસ ને ધર્મ મનાવે છે તે
મિથ્યાદ્રષ્ટિ, સંસારતત્ત્વ છે. તે ભલે દ્રવ્યલિંગી શ્રમણ હોય તોપણ અનંત ભાવાંતરરૂપે પરાવર્તન પામતા થકા
અસ્થિર પરિણતિવાળા રહેશે, તેથી તે સંસારતત્ત્વ છે; વર્તમાનમાં તો તેની પરિણતિ અસ્થિર છે ને ભવિષ્યમાં
પણ તે અસ્થિર પરિણતિવાળા જ રહેશે. પરિણતિ સ્વરૂપમાં ઠરે તો તે મોક્ષનું કારણ છે. પણ જ્યાં સ્વરૂપનો
યથાર્થ નિર્ણય નથી ત્યાં પરિણતિ સ્વરૂપમાં ઠરે ક્યાંથી? એટલે વિકારમાં જ પરિણતિ બદલ્યા કરે છે, તે જ
સંસાર છે. વિકારી ભાવ એક સરખો રહેતો નથી, પણ ક્ષણે ક્ષણે ફર્યા કરે છે. ક્યારેક એવો શુભભાવ કરે કે
નવમી ગ્રૈવેયકનો દેવ થાય, વળી ક્યારેક અશુભભાવ કરીને નરકે જાય. ઘડીકમાં પુણ્ય ને ઘડીકમાં પાપ, ક્યારેક
મોટો રાજા થશે ને વળી ઘડીકમાં નિગોદ થશે–આમ ઊંધી શ્રદ્ધાવાળો જીવ અનંત ભાવાંતરના પરાવર્તનમાં રખડે
છે, તેથી તે સંસારતત્ત્વ છે.
અજ્ઞાનીઓ, વ્રતાદિનો શુભરાગ બંધનું કારણ હોવા છતાં તેને મુક્તિનું કારણ માને છે. જે ભાવથી બંધન
થાય તે ભાવ મુક્તિનું સાધન હોય નહીં. પાંચમા–છઠ્ઠા ગુણસ્થાને પણ સાત–આઠ કર્મો બંધાય છે, બંધનભાવ
વગર (અર્થાત્ બંધના કારણરૂપ ભાવ વગર) કર્મો બંધાય નહિ, તો ત્યાં પાંચમે–છ
ઠ્ઠે ગુણસ્થાને ક્યો બંધનભાવ
છે?–ત્યાં જે વ્રતાદિનો શુભભાવ છે તે બંધનનો ભાવ છે, તેનાથી કર્મો બંધાય છે. છતાં તે બંધનભાવને મુક્તિનું
કારણ માને છે તેઓ મિથ્યાદ્રષ્ટિ છે એટલે કે નિગોદના ભાવને સેવનારા સંસારતત્ત્વ છે.
છઠ્ઠા ગુણસ્થાને પણ સાત કે આઠ કર્મો બંધાય છે–એમ ભગવાને કહ્યું છે, તો તે કયા ભાવથી બંધાય છે?
અશુભભાવ તો ત્યાં હોય નહિ, ને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રનો જે શુદ્ધભાવ પ્રગટ્યો છે તે બંધનું કારણ થાય
નહિ, એટલે વ્રતાદિનો જે શુભભાવ છે તેનાથી જ કર્મો બંધાય છે, તેથી તે બંધનું કારણ છે; અને રાગરહિત
જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરીને તેમાં લીનતા કરવી તે કર્મને તોડવાનું–મુક્તિનું કારણ છે. આમ હોવા છતાં જે
રાગને ધર્મનું કે મુક્તિનું કારણમાને છે તે અનવસ્થિત પરિણતિવાળા રહેવાને લીધે સંસાર તત્ત્વ જ છે. કોઈની
કૃપાથી જીવને મોક્ષ મળતો નથી ને કોઈની અકૃપાથી તે સંસારમાં રખડતો નથી; મિથ્યાશ્રદ્ધાથી જીવની અસ્થિર
પરિણતિને સંસાર કહ્યો છે.
આત્માનું વાસ્તવિક જ્ઞાનમય સ્વરૂપ છે તેનો જેણે નિર્ણય પ્રગટ કર્યો નથી તે જીવ ભલે ત્યાગી હો કે
ભોગી હો, તે બધા સંસારમાં રખડનારા સંસારતત્ત્વ છે–એમ જાણવું. એ રીતે સંસારતત્ત્વનું સ્વરૂપ બતાવ્યું, હવે
તે સંસારતત્ત્વથી વિરુદ્ધ એવા મોક્ષતત્ત્વનું વર્ણન ૨૭૨મી ગાથામાં કરશે.
।।૨૭૧।।
હોંશથી હા પાડો.....
હે ભવ્ય! તારામાં શક્તિ છે એમ જોઈને આચાર્યભગવાન કહે
છે કે આત્મા આવો છે તેને તું જાણ. જ્ઞાની જેનામાં ત્રેવડ ભાળે તેને
આત્મા જાણવાનું કહે છે, કાંઈ પત્થરને અજડને કે પાડાને કહેતા નથી કે
તું આત્માને જાણ! માટે, ‘અમે સમજીએ નહિ’ એવો નકાર લાવશો
નહિ. હું હમણાં તૈયાર નથી, મારે માટે સારો અવસર કે સારો સંયોગ
નથી એમ ઓથ લેશો નહિ. બરાબર ન્યાય, યુક્તિ, પ્રમાણથી શુદ્ધ
આત્માનું સ્વરૂપ કહેવામાં આવશે, તેની હોંશ લાવી હા જ પાડજો. જેમ
બૂંગિયો ઢોલ વાગે ત્યારે રજપૂત છૂપે નહિં, બૂંગિયો ઢોલ સાંભળીને
સાડાત્રણ ક્રોડ રોમેરોમમાં રજપૂતનું શૌર્ય ઊછળી જાય છે. તેમ તત્ત્વનો
મહિમા સાંભળતાં પાત્ર ચૈતન્યનું વીર્ય ઊછળી જાય છે. સિદ્ધ ભગવંતો
પૂર્ણ નિર્મળદશાને પામ્યા તેની નાત–જાતનો વારસદાર હું છું, મેં મારી
સ્વતંત્રતાનો બૂંગિયો સાંભળ્‌યો–એ પ્રમાણે, સ્વતંત્રતાની વાત સાંભળી
હે જીવ! તેનો મહિમા લાવ! શ્રી કુંદકુંદ ભગવાન સમયસારના બૂંગિયા
વગાડી ગાણાં ગાય છે, તે સાંભળી તું ન ઊછળે એ કેમ બને?
–શ્રી સમયસાર પ્રવચનો ભા. ૧ પૃ. ૬૨–૬૩