Atmadharma magazine - Ank 088
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 13

background image
મહા : ૨૪૭૭ : ૭૫ :
આત્મામાં જે રાગ–દ્વેષની લાગણી થાય તે તેનું મૂળસ્વરૂપ નથી, મૂળસ્વરૂપ તો સિદ્ધસમાન પરિપૂર્ણ જ્ઞાનસ્વરૂપ,
રાગ–દ્વેષ રહિત છે. બહારના લક્ષે થતા શુભાશુભ ભાવથી બાહ્યસંયોગ મળે પણ સ્વભાવ ન મળે. શુભ કે
અશુભ ભાવ આત્માને આકુળતારૂપ દુઃખનું જ કારણ છે. શુભાશુભ ભાવ પરદ્રવ્યના સંયોગનું કારણ છે એમ
કહેવું તે ફક્ત નિમિત્ત–નૈમિત્તિક સંબંધનું કથન છે.
(પ) બંધનભાવ અને ધર્મભાવ
પુણ્ય અને પાપ બંને સંયોગી ભાવો છે, તેનાથી નવું બંધન થાય છે. જે ભાવે આત્માને નવું બંધન થાય
તે ભાવ ધર્મ ન હોય. જે ભાવ ધર્મ હોય તે નવા બંધનનું કારણ થાય નહિ. જો ધર્મભાવથી પણ બંધન થતું હોય
તો તો જેમ જેમ ધર્મ વધતો જાય તેમ તેમ આત્માને બંધન પણ વધતું જાય. તો પછી આત્માની મુક્તિ ક્યારે
થાય? માટે ધર્મ કદી બંધનનું કારણ થાય નહિ. તેમ જ શુભ રાગભાવ તે બંધનનું કારણ છે, તેનાથી ધર્મ થાય
નહિ. જો રાગભાવ ધર્મનું કારણ થતું હોય તો તો જેમ જેમ રાગ વધે તેમ તેમ ધર્મ પણ વધતો જાય, એટલે
કેવળી ભગવાનને ઘણો રાગ થઈ જાય! પરંતુ એમ કદી બને નહિ. જે ભાવથી બંધન થાય તે ભાવથી ધર્મ નહિ
અને જે ભાવથી ધર્મ થાય તે ભાવથી બંધન નહિ. જે ભાવે તીર્થંકર–નામકર્મનું બંધન થાય તે ભાવ પણ
આત્માના સ્વભાવથી વિરુદ્ધભાવ છે, બંધનભાવ છે, ને ચોખ્ખા શબ્દથી કહીએ તો તે પણ અધર્મભાવ છે. કેમ કે
ધર્મભાવ વડે કર્મનું બંધન થાય નહિ.
(૬) અંશે અધર્મ અને આખો અધર્મ
કોઈ કહે કે તીર્થંકરનામકર્મ બંધાયું તે ભાવમાં અંશે તો ધર્મ છે ને?–તો કહે છે કે ના; તીર્થંકરનામકર્મ જે
ભાવે બંધાય તે ભાવ અંશે ધર્મ નથી પણ અંશે અધર્મ છે. અહીં ‘અંશે અધર્મ’ શા માટે કહ્યો? તેનો ખુલાસો :
જે રાગભાવે તીર્થંકર નામકર્મ બંધાયું તે રાગભાવ તો અધર્મ જ છે, તેમાં કાંઈ ધર્મનો અંશ નથી. પરંતુ
તીર્થંકરનામકર્મ સમ્યગ્દ્રષ્ટિને જ બંધાય છે, શુભરાગ વખતે સમ્યગ્દ્રષ્ટિને આત્માનું યથાર્થ જ્ઞાન–શ્રદ્ધાન છે તેટલે
અંશે ધર્મ છે ને જેટલો રાગ છે તેટલો અધર્મ છે. એ રીતે રાગ વખતે પણ તેની સાથે જ્ઞાનીને સમ્યગ્દર્શન–
જ્ઞાનરૂપ ધર્મના અંશો છે તે બતાવવા તેના રાગને ‘અંશે અધર્મ’ કહ્યો છે; રાગ વખતે તેમને મિથ્યાત્વરૂપ અધર્મ
નથી તેથી તેને ‘અંશે અધર્મ’ કહ્યો; અને મિથ્યાદ્રષ્ટિ તો તે રાગને જ ધર્મ માને છે તેથી તેને ‘અંશે અધર્મ નથી,
પણ તેનો તો આખેઆખો અધર્મ છે, ધર્મ જરા પણ નથી.
(૭) અશુદ્ધ ઉપયોગ તે અધર્મ; શુદ્ધ ઉપયોગ તે ધર્મ
સાચા દેવ–ગુરુની ભક્તિ, જીવોની અનુકંપા વગેરેનો ભાવ તે શુભભાવ છે, અને સાચા દેવ–ગુરુથી
વિરુદ્ધ એવા કુમાર્ગની શ્રદ્ધા, કુશ્રવણ, કુવિચાર, કુસંગ તથા વિષય–કષાય વગેરે ભાવો તે અશુભભાવ છે. આ
શુભ ને અશુભ બંને ભાવો આત્માને પરદ્રવ્યના સંયોગનું કારણ છે તેથી તે અધર્મ છે,–અશુદ્ધભાવ છે, અને તે
શુભ–અશુભ ભાવોથી રહિત થઈને આત્માના ધ્યાનમાં લીન થવું તે શુદ્ધભાવ છે, તે ધર્મ છે ને તે આત્માને
મુક્તિનું કારણ છે. તેથી અશુદ્ધ ઉપયોગનો વિનાશ કરવા માટે અને શુદ્ધોપયોગથી આત્મામાં લીન રહેવા માટે
ધર્મી જીવ કેવો અભ્યાસ કરે છે તેનું શ્રી આચાર્યભગવાન વર્ણન કરે છે:–
મધ્યસ્થ પરદ્રવ્યે થતો, અશુભોપયોગ રહિત ને
શુભમાં અયુક્ત હું ધ્યાઉં છું નિજ આત્મને જ્ઞાનાત્મને. ૧પ૯.
‘અન્યદ્રવ્યમાં મધ્યસ્થ થતો હું અશુભોપયોગ રહિત થયો થકો તેમ જ શુભોપયુક્ત નહિ થયો થકો
જ્ઞાનાત્મક આત્માને ધ્યાઉં છું.’–આ પ્રમાણે, પરદ્રવ્યના સંયોગનું કારણ જે અશુદ્ધોપયોગ તેના વિનાશ માટે
જ્ઞાની અભ્યાસ કરે છે. અહીં મુખ્યપણે મુનિની વાત છે.
(૮) ધર્મ અને ધર્મનું મૂળ
આ જ્ઞેય–અધિકાર છે. શ્રી જયસેનાચાર્યદેવે આને દર્શનશુદ્ધિનો અધિકાર પણ કહ્યો છે. સમ્યગ્દર્શન તે
ધર્મનું મૂળ છે, ને ચારિત્ર તે સાક્ષાત્ ધર્મ છે. તે ચારિત્ર કોઈ બાહ્ય ક્રિયાકાંડમાં નથી પણ આત્મામાં મોહ અને
ક્ષોભરહિત વીતરાગી સામ્યભાવ પ્રગટે તે ચારિત્ર છે. વ્રત અને અવ્રત રહિત આત્માનો વીતરાગભાવ તે
ચારિત્રધર્મ છે, તેનું મૂળ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન વગર કદી ચારિત્રધર્મ હોતો નથી. જગતના બધા પદાર્થો
જ્ઞેય છે, ને તે બધાને જાણનાર મારો જ્ઞાનસ્વભાવ છે; એ પ્રમાણે જ્ઞેય પદાર્થોની પ્રતીત સાથે પોતાના પૂર્ણ
જ્ઞાનસ્વભાવની પ્રતીત પણ આવી જાય છે, એટલે