Atmadharma magazine - Ank 089
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 38 of 43

background image
ફાગણ : ૨૪૭૭ : ૧૧૫ :
આત્મા ઉપર પડી છે, –તેને આત્માનું ભાન છે, તે ભાનમાં તેને ક્ષણે ક્ષણે ધર્મ થાય છે. સાચું સમજે તેને
વીતરાગીદેવ–ગુરુ–શાસ્ત્ર ઉપર ભક્તિનો પ્રશસ્ત રાગ આવ્યા વિના રહેશે નહિ. ભગવાનની ભક્તિના ભાવનો
નિષેધ કરીને જે ખાવા–પીવા વગેરેના ભૂંડા રાગમાં જોડાય તે તો મરીને દુર્ગતિમાં જશે. વીતરાગી આત્માનું લક્ષ
થાય અને આકરા રાગ ન ટળે એ કેમ બને? મારું સ્વરૂપ જ્ઞાન છે, રાગ મારું સ્વરૂપ નથી એમ જે સત્યને જાણે
છે તેને લક્ષ્મી વગેરેની મમતા ઉપર સહેજે કાપ મૂકાઈ જાય છે, ને ભગવાનની ભક્તિ–પ્રભાવના વગેરેનો ભાવ
ઊછળે છે. છતાં ત્યાં તે જાણે છે કે આ રાગ છે, આ કાંઈ ધર્મ નથી. અંતરમાં શુદ્ધ ચિદાનંદસ્વરૂપને જાણીને તે
પ્રગટ કર્યા વિના જન્મ–મરણ ટળશે નહિ.
(પ) સીમંધર ભગવાનની સાચી ભક્તિ ને એ ભક્તિનું ફળ મુક્તિ
જુઓ... ધર્મની આ યથાર્થ વાત મળવી બહુ મોંઘી છે.. બાહ્ય સાધુ થઈને બધું છોડી જંગલમાં જઈને
સૂકાઈ જાય તોય આ વસ્તુદ્રષ્ટિ મળે તેમ નથી... અત્યારે લોકોને સત્ય વાત સાંભળવા મળવી પણ દુર્લભ થઈ
ગઈ છે. જેને સ્વ ઉપર દ્રષ્ટિ પડી નથી તેને ધર્મ ક્યાંથી થાય? ધર્મ તો આત્મામાંથી થાય છે એટલે પહેલાંં પરથી
નીરાળા આત્મસ્વભાવની શ્રદ્ધા કરે તો ધર્મ થાય; એ સિવાય બહારથી કાંઈ મળે તેમ નથી.–આવું ભાન કરવું તે
જ સીમંધરભગવાનની સાચી ભક્તિ છે ને એ ભક્તિનું ફળ મુક્તિ છે.
(સોનગઢ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ફાગણ સુદ બીજના પ્રવચનમાંથી વી. સં. ૨૪૬૭)
ભગવાની ભાવના કોને જાગે?
ધર્માત્મા પોતાના ભાવને જુએ છે, પોતાના ભાવમાં રાગ ટળીને વીતરાગતાની વૃદ્ધિ કેમ થાય?
તે જ જુએ છે. વીતરાગતાના નિમિત્ત તો નિમિત્તને કારણે હોય છે. અંદર પોતે ભગવાન જ બેઠો છે, તે
ભગવાનપણું જેને ગોઠવ્યું છે તે બાહ્યમાં વીતરાગી પ્રતિબિંબમાં ભગવાનતે સ્થાપે છે. પોતાના ભાવનો
નિક્ષેપ કરીને કહે છે કે ‘આ ભગવાન છે.’ ત્યાં ભાવ તો પોતાનો છે ને! પ્રતિષ્ઠા પછી જ્યારે સીમંધર
ભગવાન જિનમંદિરમાં પધારતા હતા ત્યારે ભક્તો કહેતા હતા કે પધારો... ભગવાન પધારો! હે
ભગવાન... આપને અમે અહીં પધરાવીએ છીએ... એટલે હવે અંદરથી આપના જેવું સ્વરૂપ છે તે પ્રગટ્યે
છૂટકો... બહારમાં તો ભગવાનની સ્થાપના છે ને અંદરમાં સાક્ષાત્ ભગવાન છે.. જેને ભાવમાં
ભગવાનપણું ગોઠયું છે તે નિમિત્તમાં ‘આ ભગવાન છે’ એમ સ્થાપે છે... તે અંદરના ભગવાનને
સ્વીકારતો... ભગવાનપણું પ્રગટ કર્યા વિના રહેશે નહિ. અહો! જે ક્ષણે આત્મામાં ભગવાનપણું પ્રગટે તે
ઘડી ને તે પળને ધન્ય છે... આવી ભાવના કોને જાગે? –કે જેને અંતરમાં ભગવાન જેવો પોતાનો
સ્વભાવ ભાસ્યો હોય તેને આવી ભાવના થાય, ને તે અલ્પકાળે ભગવાન થયા વિના રહે નહિ.
(–સોનગઢ પ્રતિષ્ઠા મહોત્સવનાં પ્રવચનોમાંથી)
પ્રકાશ પહેલાંની સંધ્યા
ચેતન જડ ન થાય ને જડ ચેતન ન થાય. જડના સ્વભાવમાં ચેતનપણું ન હોય ને ચેતનના
સ્વભાવમાં જડપણું ન હોય. જડના સંયોગે થતો વિકાર પણ ખરેખર ચેતનનો સ્વભાવ નથી. જેવા
સર્વજ્ઞદેવ વીતરાગ બિંબ છે તેવો જ આત્માનો સ્વભાવ છે. –આવા લક્ષસહિત વીતરાગ ભગવાનની
ભક્તિ વગેરેનો રાગ આવે તે સવારની સંધ્યા જેવો છે. જેમ સવારની સંધ્યા પાછળ સૂર્ય ઊગે છે ને
સાંજની સંધ્યા પાછળ સૂર્ય અસ્ત થઈ જાય છે. તેમ વીતરાગતાના લક્ષપૂર્વક ભગવાનની ભક્તિ
વગેરેનો જે શુભરાગ છે તે સવારની સંધ્યા જેવો છે, તેની પાછળ ઝળહળતો ચૈતન્ય સૂર્ય ઊગવાનો છે.
જેને વીતરાગતાનું લક્ષ નથી, વીતરાગદેવની ભક્તિ નથી અને એકલા શરીરાદિ જડના રાગને જ પોષે
છે તેને તો તે સંધ્યા પાછળ અંધારું આવશે, તેનાથી ચૈતન્યસૂર્ય ઢંકાઈ જશે. જ્યાં સ્વભાવનું લક્ષ છે
ત્યાં વર્તમાન રાગની રાતપની મુખ્યતા નથી; પણ, આ રાગ મારું સ્વરૂપ નથી–એમ વીતરાગસ્વરૂપના
લક્ષે તે રાગ ટળીને ચૈતન્યપ્રકાશ પ્રગટશે ને પૂર્ણ કેવળજ્ઞાન થશે.
(–સોનગઢ પ્રતિષ્ઠા મહોત્સવનાં પ્રવચનોમાંથી)
(ભગવાન શ્રી સીમંધર જિન–સ્વાગત અંક)