Atmadharma magazine - Ank 089
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 37 of 43

background image
: ૧૧૪ : આત્મધર્મ : ૮૯
સાચી ભક્તિનું ફળ મુક્તિ

(૧) ભગવાનની ભક્તિ
વીતરાગદેવ તીર્થંકર ભગવાનની સાચી સ્તુતિ કરનાર જીવ કેવો હોય! તેની વાત આ સમયસારજીની
૩૧ મી ગાથામાં છે; ને આપણે અહીં પણ સીમંધર ભગવાનની ભક્તિનો મોટો પ્રસંગ છે. પાંચ જડ ઈન્દ્રિયો,
તેના વિષયભૂત બાહ્ય પદાર્થો તેમજ તે તરફ વળતા ખંડખંડજ્ઞાનરૂપ ભાવેન્દ્રિયો–તે મારું સ્વરૂપ નહિ, હું તો
અખંડ જ્ઞાયક છું–આમ જે સમજે તે જીવ વીતરાગપ્રભુની સાચી સ્તુતિ કરે છે. આ સિવાય પરને, વિકારને કે
ખંડખંડરૂપ જ્ઞાનને જ જે આત્માનું સ્વરૂપ માને તેણે વીતરાગને ઓળખ્યા નથી. વીતરાગ ભગવાનનો આત્મા
તો અતીન્દ્રિય અખંડજ્ઞાન–આનંદમય છે, તેમની સાચી ભક્તિ કરવા માટે તેવા આત્મસ્વરૂપને ઓળખવું તો
પડશે ને? ઓળખ્યા વિના ભક્તિ કોની કરશે? શુદ્ધ આત્મસ્વરૂપની શ્રદ્ધા અને જ્ઞાન કરવા તે ભગવાનની
પહેલી સ્તુતિ છે. જેવા ભગવાન છે તેના જેવો કાંઈક ભાવ પોતામાં પ્રગટ કરે તો તે ભગવાનનો ભક્ત કહેવાય
ને! ભગવાન ઈન્દ્રિયોથી જાણતા નથી માટે ઈન્દ્રિયોથી ભિન્ન છે, રાગરહિત છે ને પૂર્ણજ્ઞાનમય છે, એવો જ
પોતાનો આત્મા છે, પોતે ભગવાનથી જરાય ઊણો કે અધૂરો નથી એવી શ્રદ્ધાથી ધર્મની શરૂઆત થાય છે ને તે
જ ભગવાનની ભક્તિ છે.
(૨) ભગવાનના દર્શનનું ફળ
જે જીવ ધર્મ કરવા માગે છે તેને ધર્મ કરીને પોતામાં ટકાવી રાખવો છે, પોતે જ્યાં રહે ત્યાં ધર્મ સાથે જ
રહે એવો ધર્મ કરવો છે. ધર્મ જો બહારના પદાર્થથી થતો હોય તો તો તે બાહ્ય પદાર્થ ખસી જતાં ધર્મ પણ ખસી
જાય. –માટે એવો ધર્મ ન હોય. ધર્મ તો અંતરમાં આત્માના જ આશ્રયે છે, આત્મા સિવાય બહારના કોઈ
પદાર્થના આશ્રયે આત્માનો ધર્મ થતો નથી. લોકો ભગવાનના દર્શન કરવા જાય ત્યાં એમ માની લ્યે છે કે અમે
ધર્મ કરી આવ્યા... કેમ જાણે ભગવાન પાસે એનો ધર્મ હોય! અરે ભાઈ! જો બહારમાં ભગવાનના દર્શનથી જ
તારો ધર્મ હોય તો તો તે ભગવાનના દર્શન કરે તેટલો વખત ધર્મ રહે ને ત્યાંથી ખસી જતાં તારો ધર્મ પણ ખસી
જાય.. એટલે ઘરમાં તો કોઈને ધર્મ થાય જ નહિ! જેવા ભગવાન વીતરાગ છે તેવો જ ભગવાન હું છું એમ ભાન
કરીને અંતરમાં ચૈતન્યમૂર્તિ ભગવાનના સમ્યક્ દર્શન કરે તો તે ભગવાનના દર્શનથી ધર્મ થાય છે, ને એ
ભગવાન તો જ્યાં જાય ત્યાં સાથે જ છે એટલે તે ધર્મ પણ સદાય રહ્યા જ કરે છે. જો એકવાર પણ એવા
ભગવાનના દર્શન કરે તો જન્મ–મરણ ટળી જાય.
(૩) આત્મામાં ભગવાનની પ્રતિષ્ઠા કરે તે ભગવાન થાય
ભગવાનની સ્તુતિમાં ઘણા કહે કે ‘હે નાથ! હે જિનેન્દ્ર! આપ પૂર્ણ વીતરાગ છો, સર્વજ્ઞ છો;’ પરંતુ
‘મારો આત્મા પણ રાગરહિત સર્વજ્ઞસ્વરૂપ છે’ એમ પોતાના આત્માની પણ શ્રદ્ધાને ભેગી ભેળવીને જો
ભગવાનની સ્તુતિ કરે તો જ તે સાચી સ્તુતિ છે. અહીં ભગવાનની પ્રતિષ્ઠા થાય છે તેમાં પણ ભગવાનની
ભક્તિમાં આવું લક્ષ રાખવું જોઈએ, જે આવું લક્ષ રાખે તેણે જ ખરેખર ભગવાનને સ્થાપ્યા કહેવાય... તેણે
પોતાના આત્મામાં ભગવાનની પ્રતિષ્ઠા કરી કહેવાય... તે અલ્પકાળે સાક્ષાત્ ભગવાન થઈ જશે.
(૪) આત્માની સમજણ અને ભક્તિનો ભાવ
લોકો ધર્મ કરવાનું માને છે પણ જ્ઞાની તેને આત્માની ઓળખાણ કરવાનું કહે ત્યારે તે કહે છે કે કોણ
જાણે, આત્મા ક્યાં હશે! ને કેવો હશે! તે કાંઈ ખબર પડતી નથી. જ્ઞાની કહે છે કે અરે ભાઈ! જેને ધર્મ કરવો છે
તેને જાણ્યા વગર તું ધર્મ કઈ રીતે કરીશ? આત્માને જાણ્યા વિના આત્મા તરફ વળીશ કઈ રીતે? અને આત્મા
તરફ વળ્‌યા વિના તને ધર્મ ક્યાંથી થશે? સમજ્યા વિના પુણ્યમાં ધર્મ માની લઈશ તેમાં તો ઊંધી દ્રષ્ટિનું પોષણ
થશે. જ્ઞાની ધર્માત્માને ભગવાનની ભક્તિ વગેરેનો ભાવ આવશે પણ તેની દ્રષ્ટિ
(ભગવાન શ્રી સીમંધર જિન–સ્વાગત અંક)