હૃદયકમલમાં દયા અનંત ઉભરાય જો...
વદનકમલ પર પ્રસન્નતા પ્રસરી રહી...
ચરણકમલમાં ભક્તિરસ રેલાય જો...
અમારા આંગણે પધાર્યા... પ્રતિષ્ઠા પછી ભગવાન જ્યારે જિનમંદિરમાં પધારતા હતા ત્યારે ભક્તો કહેતા હતા કે
‘પધારો.. હે નાથ! પધારો...’ એ ભક્તો કાંઈ ગાંડપણથી કહેતાં ન હતા પણ ભક્તિના ભાવથી કહેતા હતા. –હે
નાથ! આપ ત્યાં બિરાજો અને અમે અહીં ભરતમાં રહ્યા... પણ હે નાથ! અમ ભક્તોની વિનંતિ સૂણીને આપ
અહીં પધાર્યા... આમ ભાવનાથી ભગવાન સાથે વાતું કરે! ભગવાનને જ્યારે મંદિરમાં સ્થાપે છે ત્યારે ભક્તો
ભાવના કરે છે કે હે ભગવાન આત્મા! હવે અંદરમાંથી તું પ્રગટ થા... આત્મામાં ભગવાનને સ્થાપ્યા હવે
ભગવાનપણું પ્રગટ્યે જ છૂટકો... પોતાના આત્મામાં જેણે ભગવાનપણું સ્થાપ્યું તે એક ક્ષણ પણ ભગવાનને કેમ
ભૂલે? હે નાથ! હે. ચૈતન્યમૂર્તિ ભગવાન! આખી દુનિયા ભૂલાય પણ એક તને કેમ ભૂલાય? તારી
વીતરાગતાને એક ક્ષણ પણ ન ભૂલું. અજ્ઞાની જીવ પોતાની વીતરાગતાને ભૂલીને સાક્ષાત્ તીર્થંકર ભગવાનના
સમવસરણમાં ગયો, પણ તેને કાંઈ લાભ ન થયો. પોતે તત્ત્વને ન સમજે તો ભગવાન પણ શું કરે? જેમ,
પારસમણિનો તો સ્વભાવ એવો છે કે તેનો સ્પર્શ થતાં લોઢામાંથી સોનું થઈ જાય. પણ જો લોઢામાં ઉપર કાટ
હોય તો પારસમણિ શું કરે? અહીં કુંદકુંદભગવાન કહે છે કે હે નાથ! આપની પવિત્રતા પાસે પુણ્ય તો ધોયા છે...
પુણ્યવડે આપની પરમાર્થસ્તુતિ થઈ શકતી નથી. શુદ્ધ જ્ઞાયક આત્માની શ્રદ્ધા, જ્ઞાન ને રમણતા વડે જ આપની
પરમાર્થસ્તુતિ થાય છે. હે ભગવાન! આપ તો પવિત્ર ને આપની સ્તુતિ પણ પવિત્ર. જે જીવ આત્માના
પવિત્રસ્વભાવને ઓળખે છે તે જ કેવળીભગવાનનાં સાચા ગાણાં ગાય છે ને તે જ પરમાર્થસ્તુતિ કરે છે. જેને
પોતાના ગુણની ઓળખાણ થઈ છે તે બીજા વિશેષ ગુણવંતને દેખીને તેના ગુણનું બહુમાન કરે છે ને પોતે પણ
તેવા ગુણ પ્રગટ કરીને પૂર્ણ પરમાત્મા થાય છે; એ રીતે ભગવાનની સાચી ભક્તિનું ફળ મુક્તિ છે. –સોનગઢ
પ્રતિષ્ઠા મહોત્સવના પ્રવચનોમાંથી.