Atmadharma magazine - Ank 089
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page  


PDF/HTML Page 43 of 43

background image
આત્માર્થીના મનોરથ ગર્ભિત
શ્રી સદ્ગુરુ સ્તુતિ
(હરિગીત)
સંસારસાગર તારવા જિનવાણી છે નૌકા ભલી,
જ્ઞાની સુકાની મળ્‌યા વિના એ નાવ પણ તારે નહીં;
આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો,
મુજ પુણ્યરાશિ ફળ્‌યો અહો! ગુરુ કહાન તું નાવિક મળ્‌યો.
(અનુષ્ટુપ)
અહો! ભક્ત ચિદાત્માના, સીમંધર–વીર–કુંદના!
બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુનાં.
(શિખરિણી)
સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નીરખે,
અને જ્ઞપ્તિમાંહી દરવ–ગુણ–પર્યાય વિલસે;
નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે,
નિમિત્તો, વહેવારો ચિદઘન વિષે કાંઈ ન મળે.
(શાર્દુલવિક્રીડિત)
હૈયું ‘સત સત, જ્ઞાન જ્ઞાન’ ધબકે ને વજ્રવાણી છુટે,
જે વજ્રે સુમુમુક્ષુ સત્ત્વ ઝળકે, પરદ્રવ્ય નાતો તુટે;
–રાગદ્વેષ રુચે ન, જંપ ન વળે ભાવેંદ્રિમાં–અંશમાં,
ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાનમહિમાં હૃદયે રહે સર્વદા.
(વસંતતિલકા)
નિત્યે સુધાઝરણ ચંદ્ર તને નમું હું,
કરૂણા અકારણ સમુદ્ર તને નમું હું;
હે જ્ઞાનપોષક સુમેધ! તને નમું હું,
આ દાસના જીવનશિલ્પી! તને નમું હું
(સગ્ધર)
ઊંડી ઊંડી, ઊંડેથી સુખનિધિ સતના વાયુ નિત્ય વહુંતી,
વાણી ચિન્મૂર્તિ! તારી ઉર–અનુભવના સૂક્ષ્મભાવે ભરેલી;
ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી,
ખોયેલું રત્ન પામું,–મનરથ મનનો; પૂરજો શક્તિશાળી!
– આત્માર્થી વિદ્વાન ભાઈ શ્રી હિંમતલાલ જે. શાહે વ્યક્ત કરેલ ભાવના, માગસર વદ ૧૩