નથી. આ ગ્રંથમાં નવતત્ત્વોનું વર્ણન આવશે ખરું પણ તેમાં મુખ્યતા તો એકરૂપ શુદ્ધ આત્મા જ બતાવવાની છે.
એ રીતે આચાર્યદેવના કથનમાં શુદ્ધ આત્માની મુખ્યતા છે, તેથી શ્રોતાઓએ પણ અંતરમાં એકરૂપ શુદ્ધ આત્માને
લક્ષમાં પકડવાની મુખ્યતા રાખીને શ્રવણ કરવું જોઈએ. વચ્ચે વિકલ્પ અને ભેદનું વર્ણન આવે તેની મુખ્યતા
કરીને ન અટકતાં, શુદ્ધ આત્માને જ મુખ્ય કરીને લક્ષમાં લેવો જોઈએ. નવતત્ત્વને જાણવાનું પ્રયોજન તો આત્મા
તરફ વળવું તે જ છે.
આત્મસ્વભાવને માને તો આસ્રવ–બંધને માન્યાં કહેવાય. સંવર–નિર્જરા–મોક્ષતત્ત્વને ક્યારે માન્યા કહેવાય? કે
સ્વભાવ તરફ વળીને અંશે સંવર–નિર્જરા પ્રગટ કરે તો સંવરાદિને માન્યાં કહેવાય. એ રીતે, નવતત્ત્વને જાણીને
જો અભેદ આત્મા તરફ વળે તો જ નવતત્ત્વને ખરેખર જાણ્યાં કહેવાય; જો અભેદ આત્મા તરફ ન વળે ને
નવતત્ત્વોના વિકલ્પમાં જ અટકી જાય તો નવતત્ત્વને ખરેખર જાણ્યાં કહેવાય નહિ.
એકરૂપ આત્માના અનુભવ વખતે નવતત્ત્વના વિકલ્પો હોતા નથી. આવો અનુભવ પ્રગટે ત્યારે ચોથું ગુણસ્થાન
એટલે ધર્મનું પહેલું પગથીયું કહેવાય છે. આ સિવાય બાહ્ય ક્રિયાથી કે પુણ્યથી ધર્મની શરૂઆત થતી નથી.
એટલે જો વિકલ્પ તોડીને આત્મામાં એકાગ્ર થાય તો નવતત્ત્વને જાણ્યા કહેવાય. બંધતત્ત્વને ક્યારે જાણ્યું
કહેવાય?–કે તેનાથી છૂટો પડે ત્યારે. ‘આ બંધ છે, આ બંધ છે’ એમ ગોખ્યા કરે પણ જો બંધનથી છૂટો ન પડે
તો ખરેખર બંધને જાણ્યું ન કહેવાય. તેમ નવતત્ત્વને ક્યારે જાણ્યા કહેવાય? જો નવતત્ત્વની સામે જ જોયા કરે
તો નવતત્ત્વનું યથાર્થ જ્ઞાન ન થાય, ને આત્માનું જ્ઞાન પણ ન થાય. જો આત્મસ્વભાવ તરફ વળે તો જ
નવતત્ત્વોનું યથાર્થ જ્ઞાન થયું કહેવાય; કેમ કે આત્મા તરફ વળે તે જ્ઞાનમાં જ સ્વ–પરને જાણવાનું સામર્થ્ય હોય
છે. અજીવ સામે જોયા કરવાથી અજીવનું સાચું જ્ઞાન ન થાય, પણ જીવ અને અજીવ ભિન્ન છે એમ સમજીને
અભેદ ચૈતન્યમૂર્તિ શુદ્ધ આત્મા તરફ વળતાં સ્વપરપ્રકાશક જ્ઞાન ખીલે છે, તે જ્ઞાન અજીવાદિને પણ જાણે છે.
જ્ઞાન તો આત્માનું છે, જ્ઞાન કાંઈ નવતત્ત્વના વિકલ્પનું નથી, વિકલ્પથી તો જ્ઞાન જુદું છે. જ્ઞાન તો આત્માનું
હોવા છતાં તે જ્ઞાન જો આત્મા તરફ વળીને આત્મા સાથે એકતા ન કરે ને રાગ સાથે એકતા કરે તો તે જ્ઞાન
સ્વ–પરને યથાર્થ જાણી શકતું નથી એટલે કે તે મિથ્યાજ્ઞાન છે, અધર્મ છે. રાગના આશ્રય વિના જ્ઞાયકનો
અનુભવ કરવો તેને આત્મખ્યાતિ કહે છે, ને તે સમ્યગ્દર્શન છે, ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. અહીં દ્રષ્ટિમાં
પરિપૂર્ણ આત્માનો સ્વીકાર થયો છે, છતાં ત્યારપછી હજી વીતરાગતા કરવાનું કામ બાકી રહી જાય છે.
સ્વરૂપ જીવદ્રવ્ય છું, અજીવતત્ત્વ મારાથી ભિન્ન છે ને બીજા સાત તત્ત્વો છે તે ક્ષણિક છે,–એમ નવતત્ત્વના ભેદનો
વિકલ્પ ધર્મીને પણ આવે છે, પણ તે ધર્મીને તે વિકલ્પમાં એકતાબુદ્ધિ નથી એટલે વિકલ્પની મુખ્યતા નથી પણ
અભેદ ચૈતન્યની જ મુખ્યતા છે. અને આત્મામાં એકાગ્ર થઈને વીતરાગ થતાં તેવા વિકલ્પો થતા જ નથી.