: જેઠ: ૨૪૭૭ આત્મધર્મ : ૧૬૩ :
‘શ્રુતદેવતા જયવંત હો!’
[વીર સં. ૨૪૭૫ ના જેઠ સુદ પાંચમે શ્રુતપંચમીના મંગળદિવસે લાઠી શહેરમાં પૂ. ગુરુદેવશ્રીનું માંગળિક–પ્રવચન]
માંગળિક
આજે અહીંના જિનમંદિરમાં ભગવાન શ્રી સીમંધર પ્રભુની પ્રતિષ્ઠાનો દિવસ છે તેથી માંગળિક છે. અને
શ્રુતપૂજાનો પવિત્ર દિવસ (શ્રુત પંચમી) હોવાથી પણ આજે માંગળિક છે. બે હજાર વર્ષ પહેલાંં શ્રુતજ્ઞાનની
પ્રતિષ્ઠાનો મહા મહોત્સવ આજના દિવસે થયો હતો. અને આજે અહીં શ્રી જિનેન્દ્ર ભગવાનની પ્રતિષ્ઠા થાય
છે,–એટલે આજે બમણો માંગળિક મહોત્સવ છે.
શ્રુતપંચમીનો ઈતિહાસ
આ સૌરાષ્ટ્ર દેશમાં આજથી લગભગ બે હજાર વર્ષ પહેલાંં, ગિરનાર પર્વતની ચંદ્રગુફામાં શ્રી ધરસેન
મુનિ નામના મહાન દિગંબર સંત આચાર્ય ધ્યાન કરતા હતા. તેમને અંગ–પૂર્વના એકદેશનું જ્ઞાન હતું. તેઓ
ભારે વિદ્વાન અને શ્રુતવત્સલ હતા.
તેમને એવો ભય થયો કે ‘હવે મારી પાછળ અંગશ્રુત વિચ્છેદ થઈ જશે!’ તેથી, પોતાની પાસેનું
અંગશ્રુતજ્ઞાન કોઈ સમર્થ મુનિઓને ભણાવવાનો વિકલ્પ ઊઠ્યો. તે માટે, દક્ષિણ દેશમાં ધર્મોત્સવ પ્રસંગે ભેગા
થયેલા આચાર્યો ઉપર સમાચાર મોકલ્યા. અને ધરસેનાચાર્યદેવના આશયને સમજીને તે આચાર્યોએ પુષ્પદંત
અને ભૂતબલિ નામના બે મહાસમર્થ અને વિનયવંત મુનિઓને તેમની પાસે મોકલ્યા.
શ્રી વીરપ્રભુના શ્રીમુખથી વહેતી પવિત્ર જ્ઞાનગંગાના
પ્રવાહને અચ્છિન્નપણે વહેતો રાખનારી શ્રુતપંચમી ઉજવો....
જ્યારે તે બે મુનિઓ આવી રહ્યા હતા ત્યારે અહીં ધરસેનાચાર્યદેવે એવું મંગળસ્વપ્ન જોયું કે બે ઉત્તમ
સફેદ બળદો ત્રણ પ્રદક્ષિણા દઈને નમ્રતાપૂર્વક પોતાના ચરણે નમી રહ્યા છે. એ સ્વપ્ન જોતાં ઉત્સાહથી ‘શ્રુતદેવતા
જયવંત હો’ એવું આશીર્વાદ વચન આચાર્યદેવના મુખમાંથી નીકળ્યું. એ જ દિવસે શ્રી પુષ્પદંત અન ભૂતબલિ
મુનિરાજ આવી પહોંચ્યા. શ્રી આચાર્યદેવે હીનાધિક અક્ષરોવાળી વિદ્યા સાધવા આપીને તેમની પરીક્ષા કરી. પછી
સર્વજ્ઞપરંપરાથી ચાલ્યા આવતા શ્રુતજ્ઞાનનો અંશ (ષટ્ખંડાગમ) તેમને ભણાવ્યો. ત્યાર પછી તે પુષ્પદંત અને
ભૂતબલિ આચાર્યભગવંતોએ ષટ્ખંડાગમની રચના કરી. અને જેઠ સુદ ૫ ના રોજ અંકલેશ્વરમાં મહા મહોત્સવ
કરીને ચતુર્વિધ સંઘસહિત એ પવિત્ર શ્રુતજ્ઞાનની પૂજા કરી; ત્યારથી આજનો દિવસ ‘શ્રુતપંચમી’ તરીકે પ્રસિદ્ધ
છે અને તે દર વર્ષે ઊજવાય છે.
એ રીતે આજે શ્રુતની પ્રતિષ્ઠાનો મહા માંગળિક દિવસ છે. અને અહીં પણ શ્રી સીમંધરભગવાનની
પ્રતિષ્ઠાનો મહોત્સવ છે, એ રીતે માંગળિકમાં માંગળિકનો મેળ થઈ ગયો છે.
ક.લ્ય.ણ
જેટલો કાળ પરને માટે ગાળે છે તેટલો કાળ
જો સ્વને માટે ગાળે તો કલ્યાણ થયા વિના રહે નહિ.
ભાઈ રે! અનંત કાળે મહા દુર્લભ મનુષ્યપણું મળ્યું,
તેમાં કલ્યાણ ન કર્યું તો ક્યારે કરીશ?
–સમયસાર–પ્રવચન ભાગ ૧ પૃ. ૯૦
આત્મા ડોલી ઊઠે છે
આ સમયસારમાં મહામંત્રો છે. જેમ મોરલીના
નાદથી સર્પ ડોલી ઊઠે, તેમ ‘સમયસાર’ એટલે શુદ્ધ
આત્માનો મહિમા કહેનાર શાસ્ત્ર; તેના શ્રવણ વડે ‘હું
શુદ્ધ છું’ એમ જિજ્ઞાસુનો આત્મા ડોલી ઊઠે છે.
–સમયસાર–પ્રવચન ભાગ ૧ પૃ. ૨૭