Atmadharma magazine - Ank 092
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 21

background image
: ૧૬૮: આત્મધર્મ ૨૪૭૭: જેઠ:
આત્માર્થીનું પહેલું કર્તવ્ય–૬
નવ તત્વન સ્વરૂપ:
–તેમાં–
જીવ અજીવના પરિણમનની સ્વતંત્રતા
વીર સં. ૨૪૭૬ ભાદરવા સુદ ૩ ગુરુવાર

આ ધર્મની વાત ચાલે છે. સૌથી પહેલો ધર્મ સમ્યગ્દર્શન છે. તે સમ્યગ્દર્શન કેમ થાય તેની વાત આ
તેરમી ગાથામાં છે. જેને આત્માનો ધર્મ કરવો છે તેણે પ્રથમ નવતત્ત્વોનું પૃથક્ પૃથક્ જ્ઞાન કરવું જાઈએ. તે નવ
તત્ત્વો પર્યાયપૂરતા છે, ત્રિકાળ સ્વભાવની દ્રષ્ટિમાં તે નવ પ્રકારના ભેદ નથી. તેથી સ્વભાવના અનુભવના
આનંદ વખતે તો નવતત્ત્વનું લક્ષ છૂટી જાય છે. પરંતુ પ્રથમ જે પૃથક્ પૃથક્ નવતત્ત્વોને ન સમજે તેને એક
અભેદ આત્માની શ્રદ્ધા અને અનુભવ થઈ શકે નહીં.
નવતત્ત્વને વ્યવહારથી જેમ છે તેમ જાણીને, તે નવમાંથી એક અભેદ ચૈતન્યતત્ત્વની અંર્તદ્રષ્ટિ અને
પ્રતીત શુદ્ધનયથી કરવી તે નિશ્ચય સમ્યગ્દર્શન છે, અને એ જ સાચા ધર્મની શરૂઆત છે. આ વાત સમજ્યા
વિના અજ્ઞાની જીવ બાહ્ય ક્રિયાકાંડના લક્ષે રાગની મંદતાથી પુણ્ય બાંધે, ને ચાર ગતિમાં રખડે, પણ આત્માનું
કલ્યાણ શું છે તે વાત સૂઝે નહીં, ને તેને ધર્મ થાય નહીં.
આત્મા ત્રિકાળી ચૈતન્યવસ્તુ છે તે જીવ છે અને શરીરાદિ અચેતન વસ્તુ છે તે અજીવ છે. જીવતત્ત્વ તો
ત્રિકાળ ચૈતન્યમય છે, તેની અવસ્થાંમાં અજીવના લક્ષે વિકાર થાય તે ખરેખર જીવતત્ત્વ નથી. છતાં તેની
અવસ્થામાં પુણ્ય–પાપના વિકાર થવાની લાયકાત જીવની પોતાની છે. દયા, પૂજા વગેરે ભાવ તે શુભરાગ છે,
પુણ્ય છે, તે વિકારરૂપે થવાની લાયકાત જીવની પોતાની અવસ્થામાં છે. અને તેના નિમિત્તરૂપ અજીવ
પરમાણુઓમાં પણ પુણ્યકર્મરૂપે થવાની લાયકાત સ્વતંત્ર છે. પુણ્યના અસંખ્ય પ્રકારો છે, તેમાં જીવ પોતાની
જેવી યોગ્યતા હોય તેવા પરિણામે પરિણમે છે. પુણ્યના અસંખ્યાત પ્રકારોમાંથી દયાના ભાવ વખતે દયાનો ભાવ
જ હોય, બીજો ભાવ તે વખતે ન હોય, બ્રદ્મચર્યના ભાવ વખતે બ્રદ્મચર્યનો જ ભાવ હોય, પણ તે વખતે દાનનો
ભાવ ન હોય,–એમ કેમ?–કારણ કે તે તે વખતે તે પરિણામની તેવી જ લાયકાત છે; તેથી તે વખતે તે જ
પ્રકારનો ભાવ હોય, બીજો ભાવ ન હોય પોતાની એક પર્યાયને કારણે પણ બીજી પર્યાયનો ભાવ થતો નથી, તો
પછી નિમિત્તથી આત્માના ભાવ થાય–એ વાત તો ક્યાં રહી? પુણ્યની જેમ હિંસા, કુટિલતા વગેરે પાપ પરિણામ
થાય તેમાં પણ તે તે ક્ષણની તે જીવની અવસ્થામાં તેવી જ લાયકાત છે. એટલે જીવ વિકારી થવા યોગ્ય છે ને
પુદ્ગલકર્મ તેમાં નિમિત્ત છે તેથી તેને વિકાર કરનાર કહેવાય છે. જીવ અને અજીવ બંને પદાર્થની અવસ્થા
પોતપોતાની સ્વતંત્ર યોગ્યતાથી જ થાય છે, કોઈ એકબીજાના કર્તા નથી; પણ પુણ્ય–પાપ વગેરે જીવની વિકારી
પર્યાય છે તેથી તેમાં નિમિત્તનું પણ જ્ઞાન કરાવે છે. એકલા જીવતત્ત્વમાં પોતાની જ અપેક્ષાથી સાત ભેદ પડે નહિ.
એક તત્ત્વમાં સાત અવસ્થાના પ્રકાર પડતાં તેમાં નિમિત્તની અપેક્ષા આવે છે. આત્માની અવસ્થામાં પુણ્ય–પાપ
થવામાં જીવની યોગ્યતા છે ને તેમાં અજીવ નિમિત્ત છે, તે નિમિત્તને પણ પુણ્ય–પાપ કહેવાય છે.
પાંચમું આસ્રવતત્ત્વ છે, તે આસ્રવતત્ત્વના પણ અસંખ્ય પ્રકાર છે. તે આસ્રવરૂપ થવાની જીવની
યોગ્યતા છે.