Atmadharma magazine - Ank 092
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 21

background image
: જેઠ: ૨૪૭૭ આત્મધર્મ : ૧૬૯:
અહીં યોગ્યતા કહીને આચાર્યદેવે એકેક સમયના પરિણામની સ્વતંત્રતા બતાવી છે. એકેક સમયનો સ્વતંત્ર ભાવ
કેવો છે તે નક્કી ન કરે તેનામાં ત્રિકાળ સ્વયંસિદ્ધ સ્વતંત્ર વસ્તુની શ્રદ્ધા કરીને સમ્યગ્દર્શન પ્રગટ કરવાની ત્રેવડ
હોઈ શકે નહિ.
જીવની અવસ્થામાં જે આસ્રવભાવ થાય છે તે જીવ–આસ્રવ છે; ને તેમાં નિમિત્તરૂપ અજીવ કર્મ છે તે
અજીવ–આસ્રવ છે. જો વિકારી આસ્રવને જ જીવતત્ત્વ માની લ્યે તો તે જીવ વિકારમાં જ અટકી જાય, અને તેને
ધર્મ નહિ થાય. તેમ જ, અવસ્થામાં તે વિકાર પોતાના અપરાધથી થાય છે એમ જો નહિ જાણે તો તે
વિકારને ટાળવાનો પ્રસંગ કેમ બનશે? જીવની અવસ્થામાં જેવા પરિણામની યોગ્યતા હોય તેવો તેવો આસ્રવાદિ
ભાવ થાય છે–એમ આચાર્યદેવે કહ્યું એટલે શરીરાદિ બહારની ક્રિયાથી આસ્રવ થાય એ વાત ઊડાડી દીધી. જીવ–
અજીવના પર્યાયની આટલી સ્વતંત્રતા કબૂલ કરે ત્યારે નવતત્ત્વને વ્યવહારે કબૂલ્યા કહેવાય.
જીવના જે વિકારી ભાવના નિમિત્તથી જડ કર્મોનું આવવું થાય તે ભાવને આસ્રવ કહે છે, તે જીવ–આસ્રવ
છે. એક સમય પૂરતો આસ્રવ જીવની લાયકાતથી થાય છે–એમ નક્કી કર્યું તેમાં, તે વખતે કર્તૃત્વ–ભોકતૃત્વ વગેરે
ગુણની તેવી જ લાયકાત છે એમ પણ આવી જાય છે, જ્ઞાનની તેવું જ જાણવાની લાયકાત છે, ચારિત્રમાં તેવા જ
પરિણમનની લાયકાત છે. એટલે પર સામે જોવાનું નથી રહેતું પણ પોતાની લાયકાત સામે જોવાનું રહ્યું. અને જો
એકેક સમયની સ્વતંત્રતા નક્કી કરે તો પરના આશ્રયની મિથ્યાબુદ્ધિ છૂટી જાય, તેમ જ એક સમયની પર્યાયની
યોગ્યતા જેટલું મારું આખું સ્વરૂપ નથી–એમ નક્કી કરીને એક સમયની પર્યાયનો આશ્રય છોડીને ત્રિકાળી
સ્વભાવ તરફ વળ્‌યા વગર રહે નહિ. ‘પર્યાયનો આશ્રય છોડવો’ એમ, સમજાવવા માટે કહેવાય પણ ખરેખર તો
અખંડ દ્રવ્ય તરફ વળતાં પર્યાયનો આશ્રય રહેતો જ નથી. હું પર્યાયનો આશ્રય છોડું એવા લક્ષે પર્યાયનો આશ્રય
છૂટતો નથી.
નવતત્ત્વની શ્રદ્ધા વિના સીધી આત્માની શ્રદ્ધા થતી નથી ને નવતત્ત્વની શ્રદ્ધા કરે તેટલાથી
કાંઈ સમ્યગ્દર્શન થઈ જતું નથી.
જીવની પર્યાય અને અજીવની પર્યાય એ બંને ભિન્ન ભિન્ન છે. જીવના વિકારને કારણે જડ કર્મમાં
આસ્રવદશા થાય છે–એમ નથી, પણ તે અજીવમાં તેવી યોગ્યતા છે. અને અજીવકર્મને લીધે આત્માને વિકાર
થાય છે–એમ પણ નથી, ત્યાં જીવની પોતાની વર્તમાન યોગ્યતા છે. સમયે સમયે કર્મનાં જે રજકણો આવે તે
વિકારના પ્રમાણમાં જ આવે એવો નિમિત્ત–નૈમિત્તિક મેળ હોવા છતાં વિકારને કારણે તે રજકણો નથી આવતાં.
બંનેનો તેવો જ સ્વભાવ છે. જેમ કાંટાના એક પલ્લામાં શેર મૂકો અને સામે બરાબર એક શેર વસ્તુ આવે ત્યારે
કાંટો સરખો થાય, તેવો જ તેનો સ્વભાવ છે, તેમાં તેને જ્ઞાનની જરૂર નથી. તેમ જડ કર્મોને કાંઈ ખબર નથી કે
આ જીવે આટલો વિકાર કર્યો માટે તેની પાસે જઉં, પણ તેની પોતાની યોગ્યતાથી જ તે કર્મરૂપે પરિણમી જાય છે.
વિકારના પ્રમાણમાં જ કર્મો આવે તેવો તેનો સ્વભાવ છે. આ પ્રમાણે જાણીને, આસ્રવરહિત શુદ્ધઆત્માની શ્રદ્ધા
કરવી તે પ્રયોજન છે. આ જાણીને પણ શુદ્ધ આત્માની શ્રદ્ધા કર્યા વગર કદી ધર્મ થાય નહિ.
છઠ્ઠું સંવરતત્ત્વ છે. સંવર એટલે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ નિર્મળદશા. તે સંવર કોઈ દેવ–ગુરુ–
શાસ્ત્રથી કે બહારની ક્રિયાથી થતો નથી પણ જીવની પોતાની યોગ્યતાથી થાય છે. તે સંવર જીવદ્રવ્યના આશ્રયે
થાય છે. પણ અહીં સંવરતત્ત્વ કઈ રીતે પ્રગટે તે વાત નથી બતાવવી, અહીં તો માત્ર સંવરતત્ત્વ છે એટલું જ
સિદ્ધ કરવું છે. સંવર કેમ પ્રગટે તે વાત પછી બતાવશે. જડ કર્મ ખસે તો સમ્યગ્દર્શનાદિ થાય–એમ પરતંત્રતા
નથી, સમ્યગ્દર્શનાદિ થવાની લાયકાત જીવની પોતાની છે. અંર્તસ્વભાવમાં એકતા થતાં જે સંવર–નિર્જરાના
શુદ્ધ અંશો ઉઘડે તે તો અભેદઆત્મામાં ભળી જાય છે, પણ જ્યારે નવતત્ત્વના ભેદથી વિચાર કરે ત્યારે જીવની
પર્યાયની યોગ્યતા છે–એમ કહે છે, તેમાં દ્રવ્ય પર્યાયનો ભેદ પાડીને કથન છે. નવતત્ત્વના ભેદ પાડીને સંવર
પર્યાયને લક્ષમાં લેવા જતાં કર્મના નિમિત્તની અપેક્ષા આવે છે, એકલા અભેદ સ્વભાવની દ્રષ્ટિમાં તો તે ભેદ
પડતા નથી, સંવરની નિર્મળ પર્યાય પ્રગટી તે અભેદમાં જ ભળી જાય છે.
જીવમાં સંવર ટાણે કર્મમાં ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષયની જ યોગ્યતા તેના કારણે હોય છે, તે અજીવ–સંવર
છે. જીવમાં વિકાર વખતે કર્મમાં ઉદયની લાયકાત હોય, ને જીવમાં સંવર વખતે કર્મમાં ઉપશમ વગેરેની