Atmadharma magazine - Ank 093
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 21

background image
: ૧૯૦: આત્મધર્મ: ૯૩
રાગ–દ્વેષ તે ચારિત્રગુણની અવસ્થા છે. જો આત્મામાં ચારિત્ર સિવાય બીજા જ્ઞાનાદિ અનંત ગુણો ન
હોય તો ધર્મ થઈ શકે નહીં. કેમ કે જે ચારિત્ર પોતે વિકારમાં અટક્યું હોય તે પોતે વિકારરહિત સ્વભાવનો
નિર્ણય કેમ કરી શકે? અને તે નિર્ણય વગર ધર્મ ક્યાંથી થાય? માટે ચારિત્ર સિવાય બીજા જ્ઞાન, શ્રદ્ધા વગેરે
ગુણો છે; તેથી ચારિત્રની દશામાં વિકાર હોવા છતાં તે જ વખતે જ્ઞાનગુણના કાર્ય વડે શુદ્ધઆત્માનું જ્ઞાન
થાય છે તથા શ્રદ્ધાગુણના કાર્યવડે શુદ્ધાત્માની શ્રદ્ધા થાય છે. અને એ શુદ્ધાત્માની શ્રદ્ધા–જ્ઞાનના જોરે
સ્વભાવસન્મુખ પરિણમતાં ચારિત્રના વિકારનો પણ ક્રમે ક્રમે નાશ થતો જાય છે. સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન થતાં
તેની સાથે ચારિત્ર પણ અંશે શુદ્ધ તો થાય છે. સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન થવા છતાં ચારિત્ર સર્વથા અશુદ્ધ જ રહે–
એમ બનતું નથી. ચારિત્રનું વર્તન થોડુંક ઊંધુંં હોવા છતાં, તે વખતે શ્રદ્ધા–જ્ઞાનગુણના સ્વાશ્રિત પરિણમનવડે
વિકારરહિત આત્માની શ્રદ્ધા તથા જ્ઞાન થાય છે. માટે, જો કોઈ જીવ આત્મામાં અનંતગુણો ન માને ને એક
જ ગુણ માને તો તેને સાધકદશા થઈ શકે જ નહિ, તેને તો વિકાર વખતે વિકાર જેટલો જ આત્મા માનવાનું
રહે, પણ વિકાર વખતે વિકારરહિત શુદ્ધ આત્માની શ્રદ્ધા તથા જ્ઞાન તેને થઈ શકે નહિ, કેમ કે તે ગુણોને જ
તેણે સ્વીકાર્યા નથી. અવસ્થામાં રાગ–દ્વેષરૂપ જે ક્ષણિક મલિનતા છે તે જ્ઞાન સિવાય બીજા ગુણની છે,
જ્ઞાનની મલિનતા નથી. તેથી તે મલિનતાથી જુદું રહીને જ્ઞાને સ્વભાવ તરફ વળીને આત્માના નિર્મળ
ગુણોને જાણ્યા, એટલે તેના આશ્રયે સાધકદશા શરૂ થઈ ગઈ. તે જીવ પોતાને ક્ષણિક રાગ–દ્વેષ જેટલો જ
માની લેતો નથી.
આત્માની વર્તમાન પર્યાયમાં રાગાદિ મલિનતા છે તે ચારિત્રગુણની વિપરીતદશા છે. ત્યાં તેને જ
અજ્ઞાની આખો આત્મા માનતો તેથી મિથ્યા શ્રદ્ધા–જ્ઞાન હતાં. હવે તે મિથ્યા માન્યતા ફેરવીને શ્રદ્ધા–જ્ઞાન
સ્વસન્મુખ થતાં એમ માન્યું કે ત્રિકાળ ધ્રુવ ચૈતન્ય તે જ હું છું, મારા ત્રિકાળી સ્વભાવમાં મલિનતા નથી;
અવસ્થામાં જે ક્ષણિક અલ્પ મલિનતા છે તેટલો આખો આત્મા નથી. સ્વભાવ તરફ વળેલા સ્વ–પર પ્રકાશક
જ્ઞાને તે મલિનતાને જ્ઞેય તરીકે જાણી ખરી કે આ ચારિત્રનો દોષ છે, પણ તે મારો મૂળ સ્વભાવ નથી. તે
દોષ વખતે પણ બીજા જ્ઞાન–શ્રદ્ધાન્ ગુણવડે ધ્રુવ શુદ્ધ નિત્ય આત્માનું જ્ઞાન–શ્રદ્ધાન થાય છે, એટલે વિકાર
વખતે પણ શુદ્ધ આત્માના સમ્યક્ શ્રદ્ધાન–જ્ઞાનમાં ધર્મી જીવને શંકા પડતી નથી. જો એકેક આત્મામાં શ્રદ્ધા–
જ્ઞાન–ચારિત્ર વગેરે અનેક ગુણોને (એટલે કે અનેકાંત સ્વભાવને) ન સ્વીકારો તો સાધકપણું જ સાબિત
થાય નહિ, ને સાધકપણા વગર બાધકપણું પણ સિદ્ધ ન થાય, એટલે સંસાર–મોક્ષનો જ અભાવ ઠરે. –પરંતુ
એ વાત પ્રત્યક્ષ વિરુદ્ધ છે.
વળી જો સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન થતાં તેની સાથે જ પૂરું ચારિત્ર ઊઘડી જતું હોય ને વર્તનનો જરા પણ
દોષ ન રહેતો હોય તો સાધકપણાના પ્રકારો જ પડે નહિ પણ સમ્યક્શ્રદ્ધા સાથે જ બધા જીવોને વીતરાગતા
થઈ જાય, એટલે કથંચિત્ ગુણભેદરૂપ જે વસ્તુસ્વરૂપ છે તે સિદ્ધ થાય નહિ, માટે તે પણ વિરુદ્ધ છે.
આત્મવસ્તુમાં શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર વગેરે અનેક ગુણો છે અને ગુણ અપેક્ષાએ તે દરેકનું કાર્ય ભિન્ન
ભિન્ન છે–આમ યથાર્થ અનેકાંતને સમજે તો જ વસ્તુસ્વરૂપની સિદ્ધિ થાય.
[૧૮] કલ્યાણ કેમ થાય?
જીવને અવસ્થામાં અકલ્યાણ છે તે ટાળીને કલ્યાણ પ્રગટ કરવું છે. અવસ્થામાં અકલ્યાણ છે તે ટળીને
કલ્યાણ ક્યાંથી આવશે? અવસ્થામાં અકલ્યાણ હોવા છતાં, જેમાંથી કલ્યાણ પ્રગટે છે એવી ધ્રુવ વસ્તુની
શ્રદ્ધા કરવાથી તેના આધારે કલ્યાણ પ્રગટતું જાય છે. ધ્રુવ વસ્તુની શ્રદ્ધા થઈ ત્યાં અંશે કલ્યાણ પ્રગટ્યું છે ને
હજી અંશે અકલ્યાણ પણ છે. જો સંપૂર્ણ કલ્યાણ થઈ જાય તો અકલ્યાણ બાકી રહે નહિ. રાગદ્વેષ તે અકલ્યાણ
છે ને વીતરાગભાવ તે કલ્યાણ છે. અવસ્થામાં અંશે અકલ્યાણ (–રાગદ્વેષ) હોવા છતાં શુદ્ધ આત્માનો વિવેક
થાય છે ને સમ્યક્શ્રદ્ધા જ્ઞાનરૂપ કલ્યાણ પ્રગટે છે. તેથી શ્રીઆચાર્યદેવે પહેલાંં શુદ્ધ આત્માને જાણવાની વાત
મૂકી છે. શુદ્ધાત્માને જાણવાની સાથે જ પૂરું જ વર્તન (–વીતરાગતા) થઈ જતું નથી પણ તેમાં ક્રમ પડે છે.
જો સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન થતાંની સાથે જ ચારિત્ર પૂરું થઈ જતું હોય તો સાધકદશા રહે નહિ.