Atmadharma magazine - Ank 093
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 21

background image
અષાઢ: ૨૪૭૭ : ૧૮૯:
‘જે શુધ્ધ જાણે આત્મને તે શુધ્ધ આત્મ જ મેળવે’
વીર સં. ૨૪૭પ ના વૈશાખ વદ ૧૪ ના રોજ લાઠીમાં
શ્રી પ્રવચનસાર ગાથા ૧૯૪ ઉપર પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન
[ગાથા ૧૯૪ ની ટીકા]
[૧પ] શુદ્ધાત્માને જાણે તેને શુદ્ધતા થાય
‘આયથોક્ત વિધિ વડે શુદ્ધાત્માને જે ધ્રુવ જાણે છે, તેને તેમાં જ પ્રવૃત્તિ દ્વારા શુદ્ધાત્મત્વ હોય છે;’
આત્મામાં સારું કેમ થાય ને નસારું–અઠીક કેમ ટળે તેની આ વાત છે. સારું કરવું, સુખ, ધર્મ, કલ્યાણ એ બધું
એક જ છે. જીવ અજ્ઞાનભાવે અધ્રુવ એવા વિકારને તથા સંયોગોને પોતાનું સ્વરૂપ માનતો હતો તે અધર્મ હતો.
હવે, પરદ્રવ્યનું આલંબન અશુદ્ધતાનું કારણ છે ને સ્વદ્રવ્યનું આલંબન શુદ્ધતાનું કારણ છે–એમ પૂર્વે કહેલા વિધિ
વડે શુદ્ધાત્માને જાણ્યો તે ધર્મ છે. મૂળ સૂત્રમાં ‘
जो एवं जाणित्ता’ એમ કહ્યું છે તેમાંથી શ્રી અમૃતચંદ્ર આચાર્યદેવે
ટીકામાં આ રહસ્ય ખોલ્યું છે.
મારામાં પર વસ્તુનો અભાવ છે ને રાગદ્વેષ પણ મારા કલ્યાણનું કારણ નથી, એ બધા અધ્રુવ પદાર્થો છે
તે મને શરણરૂપ નથી. મારો ઉપયોગસ્વરૂપ આત્મા ધ્રુવ છે તે જ મને શરણરૂપ છે;–આ પ્રમાણે જે પોતાના શુદ્ધ
આત્માને જાણે છે તેને તેના આશ્રયે શુદ્ધતા પ્રગટે છે. પહેલાંં મલિન ભાવોને પોતાનું સ્વરૂપ માનતો ત્યારે
શુદ્ધતા પ્રગટતી ન હતી, હવે તે માન્યતા ફેરવીને શુદ્ધ આત્માને જાણ્યો એટલે શુદ્ધતા પ્રગટી.
[૧૬] આ વાત કોને સમજાવે છે?
પહેલાંં અનાદિથી આત્માને અશુદ્ધ માનતો હતો, તે મિથ્યા માન્યતા સર્વથા અસત્ (અર્થાત્ સર્વથા
અભાવરૂપ) નથી, પણ અજ્ઞાનીની અવસ્થામાં તે મિથ્યામાન્યતા થાય છે, તે એક સમયપૂરતી સત્ (–ભાવરૂપ)
છે. જો ઊંધી માન્યતા આત્મામાં સર્વથા થતી જ ન હોય તો શુદ્ધાત્માને સમજીને તે ટાળવાનું પણ રહેતું નથી,
એટલે આત્માને સમજવાનો ઉપદેશ આપવાનું પણ રહેતું નથી. અનાદિથી આત્માને ક્ષણિક વિકાર જેટલો માન્યો
છે તે મિથ્યા માન્યતા છોડાવવા શ્રી આચાર્યદેવ સમજાવે છે કે આત્માનો સ્વભાવ ત્રિકાળ શુદ્ધ ઉપયોગસ્વરૂપ
ધ્રુવ છે, તેની શ્રદ્ધા કરો.
[૧૭] ‘રાગ વખતે શુદ્ધ આત્માના શ્રદ્ધા–જ્ઞાન કેમ થઈ શકે? ’ શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્રનું
ભિન્ન ભિન્ન કાર્ય.
પ્રશ્ન:– આત્મામાં રાગ–દ્વેષ થતા હોવા છતાં તે રાગ–દ્વેષ હું નહિ–એમ તે ક્ષણે જ કેમ માન્યતા થાય?
રાગ–દ્વેષ વખતે જ રાગ–દ્વેષ રહિત જ્ઞાનસ્વભાવની શ્રદ્ધા કઈ રીતે થઈ શકે?
ઉત્તર:– રાગ–દ્વેષ થતા દેખાય છે તે તો પર્યાયદ્રષ્ટિ છે, તે જ વખતે જો પર્યાયદ્રષ્ટિ ગૌણ કરીને સ્વભાવની
દ્રષ્ટિથી જુઓ તો આત્માનો સ્વભાવ રાગરહિત જ છે, –એની શ્રદ્ધા ને અનુભવ થાય છે. રાગ હોવા છતાં શુદ્ધ
આત્મા તે રાગથી રહિત છે, –એમ જ્ઞાનવડે શુદ્ધઆત્મા જણાય છે. આત્મામાં એક જ ગુણ નથી પણ શ્રદ્ધા–જ્ઞાન–
ચારિત્ર વગેરે અનંત ગુણો છે; રાગ–દ્વેષ થાય તે ચારિત્રગુણનું વિકારી પરિણમન છે ને શુદ્ધાત્માને માનવો તે
શ્રદ્ધાગુણનું નિર્મળ પરિણમન છે તથા શુદ્ધાત્માને જાણવો તે જ્ઞાનગુણનું નિર્મળ પરિણમન છે. એ રીતે દરેક ગુણનું
પરિણમન ભિન્ન ભિન્ન કાર્ય કરે છે. ચારિત્રના પરિણમનમાં વિકારદશા હોવા છતાં, શ્રદ્ધાજ્ઞાન તેમાં ન વળતાં
ત્રિકાળી શુદ્ધ સ્વભાવમાં વળ્‌યા, શ્રદ્ધાની પર્યાયે વિકારરહિત આખા શુદ્ધ આત્મામાં વળીને તેને માન્યો છે અને
જ્ઞાનની પર્યાય પણ ચારિત્રના વિકારનો નકાર કરીને સ્વભાવમાં વળી છે એટલે તેણે પણ વિકારરહિત શુદ્ધ
આત્માને જાણ્યો છે. આ રીતે, ચારિત્રની પર્યાયમાં રાગ–દ્વેષ હોવા છતાં શ્રદ્ધા–જ્ઞાન સ્વ તરફ વળતાં શુદ્ધ આત્માની
શ્રદ્ધા તથા જ્ઞાન થાય છે. રાગ વખતે જો રાગરહિત શુદ્ધ આત્માનું ભાન થઈ શકતું ન હોય તો કોઈ જીવને ચોથું–
પાંચમું–છઠ્ઠું વગેરે ગુણસ્થાન કે સાધકદશા જ પ્રગટી શકે નહિ અને સાધક ભાવ વગર મોક્ષનો પણ અભાવ ઠરે.